Gir Somnath Heavy Rains: ગીર સોમનાથમાં તોફાની વરસાદ લગ્નમાં બન્યો વિલન
ગીર સોમનાથ જિલ્લામાં ગઈકાલે (૨૩ મે, ૨૦૨૫) પડેલા તોફાની વરસાદ અને વાવાઝોડાએ એક લગ્ન પ્રસંગમાં ભારે વિઘ્ન ઊભું કર્યું હતું. સુત્રાપાડા તાલુકાના બરૂંલા ગામનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે ભારે પવન સાથે ખાબકેલા વરસાદે આખો જમણવાર તહસનહસ કરી નાખ્યો હતો.ગઈકાલે (૨૩ મે, ૨૦૨૫) ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના બરૂંલા ગામમાં એક લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો, ત્યારે અચાનક વાતાવરણે પલટો લીધો અને તોફાની વરસાદ સાથે ભારે પવન ફૂંકાયો. આ અણધાર્યા વાવાઝોડાએ લગ્નના આખા માહોલને છિન્નભિન્ન કરી નાખ્યો હતો.
બરૂંલા ગામનો વાયરલ થયેલો વીડિયો દર્શાવે છે કે, ભારે પવન સાથે વરસાદ વરસતા લગ્નનો વિશાળ મંડપ પત્તાના મહેલની જેમ હવામાં ઉડી ગયો. એટલું જ નહીં, લગ્ન માટે બાંધવામાં આવેલા પડદા પણ ઉડી ગયા હતા. આ ઉપરાંત, ૧૫૦૦ લોકો માટે તૈયાર કરવામાં આવેલી રસોઈ પણ સંપૂર્ણપણે તહસનહસ થઈ ગઈ હતી. જમણવાર માટેની ડીશો પણ હવામાં ઉડી ગઈ હોવાના દ્રશ્યો વીડિયોમાં કેદ થયા છે.





















