PM Modi Speech: બનાસકાંઠાથી PM નરેન્દ્ર મોદીનું સંબોધન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બનાસકાંઠામાં જનસભાને સંબોધતા કહ્યું કે, આજે બનાસકાંઠાએ વટ પાડી દીધો છે. અત્યાર સુધીમાં પ્રથમવાર બનાસકાંઠામાં ખાટલા બેઠક યોજાવા જઈ રહી છે. જાહેર જીવનમાં 25 વર્ષ પૂર્ણ થવા પર ગુજરાતના પ્રવાસે આવેલા PM મોદીએ પોતાના જૂના સંસ્મરણો વાગોળ્યા હતા. તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી તરીકેનો મારો પ્રથમ સાર્વજનિક કાર્યક્રમ ડીસામાં યોજાયો હતો. મુખ્યમંત્રી તરીકેનો પ્રથમ લોકકલ્યાણ મેળો પણ ડીસામાં જ યોજ્યો હતો, જેમાં ત્રણ લાખ લોકો ઉમટી પડ્યા હતા. જ્યાંથી જનસેવાની શરૂઆત કરી હતી, ત્યાં આજે 25 વર્ષની સેવાનો હિસાબ આપવા આવ્યો છું.
PM મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, ખેડૂતોનું કલ્યાણ અને તેમને સશક્ત બનાવવું એ સરકારની પ્રાથમિકતા છે. વર્ષ 2013-14ની સરખામણીમાં દેશના કૃષિ બજેટમાં પાંચ ગણો વધારો કરવામાં આવ્યો છે. દેશના 10 કરોડ ખેડૂતોના ખાતામાં 18 હજાર કરોડ રૂપિયાથી વધુની રકમ મોકલવામાં આવી છે, જ્યારે ગુજરાતના 50 લાખથી વધુ ખેડૂતોને PM કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળી રહ્યો છે. તેમણે કહ્યું કે, ખેડૂતોનું હિત જ અમારી સરકારની પ્રાથમિકતા છે અને અન્નદાતા વિકસિત ભારતનો મજબૂત સ્તંભ છે.
વડાપ્રધાને કહ્યું કે, આઝાદી બાદ લાંબા સમય સુધી ખેડૂતોની જરૂરિયાતોને પૂરતું મહત્ત્વ આપવામાં આવ્યું નહોતું. દેશમાં 85 ટકા ખેડૂતો નાના ખેડૂતો છે અને તેમની મુશ્કેલીઓ દૂર કરવા માટે સરકારે વિશેષ ધ્યાન આપ્યું છે. મારી સરકાર ખેડૂતોને સમર્પિત છે. ખેડૂતોને સસ્તું ખાતર મળી રહે તે માટે સરકારે રૂ. 16 લાખ કરોડનો ખર્ચ કર્યો છે. અગાઉની સરકારો લઘુત્તમ ટેકાના ભાવ (MSP)ના મુદ્દે ખેડૂતો સાથે દગો કરતી હોવાનો આરોપ પણ તેમણે લગાવ્યો હતો.
PM મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, PM ફસલ બીમા યોજના હેઠળ ખેડૂતોને રૂ. 2 લાખ કરોડની સહાય ચૂકવવામાં આવી છે. સરકાર સિંચાઈ પાછળના ખર્ચમાં ઘટાડો કરવા અને ખેડૂતોને આધુનિક સુવિધાઓ પૂરી પાડવા માટે પ્રયાસ કરી રહી છે. ખેડૂતોને 12 લાખ સોલાર પંપનું વિતરણ કરવામાં આવ્યું છે. તેમણે સોલાર પંપના ફાયદા સમજાવતાં કહ્યું કે, તેના કારણે ખેડૂતોના ખર્ચમાં બચત થાય છે અને ડીઝલ પરની નિર્ભરતા ઘટે છે.
















