Gandhinagar Murder Case Update: ગાંધીનગરમાં સાયકો કિલર વિપુલ પરમારનું એન્કાઉન્ટર
ગાંધીનગરમાં વૈભવ મનવાણીની હત્યા કરનાર કુખ્યાત ‘સાયકો કિલર’ વિપુલ પરમારનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત થયું છે. જ્યાં તેણે નિર્દોષ યુવકની હત્યા કરી હતી, તે જ નર્મદા કેનાલ પાસેની જગ્યાએ પોલીસની જવાબી કાર્યવાહીમાં તે ઠાર થયો. આ ઘટનાક્રમ બાદ વૈભવના પરિવારજનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પોલીસની કાર્યવાહીને આવકારી હતી. દશેરાના તહેવાર પહેલાં 'રાવણનો અંત' થયો હોય તેવી લાગણી વ્યક્ત કરીને પરિવારે પોલીસનો આભાર માન્યો હતો. આ એન્કાઉન્ટરમાં 3 પોલીસ કર્મચારીઓને પણ ઈજા પહોંચી છે.
એન્કાઉન્ટર કેવી રીતે થયું?
પોલીસ ટીમે વૈભવ મનવાણીની હત્યાના કેસનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે આરોપી વિપુલ પરમારને કેનાલ પર લઈ ગઈ હતી. આ દરમિયાન, વિપુલ પરમારે અચાનક પોલીસ પાસેથી રિવોલ્વર છીનવીને હુમલો કરવાનો પ્રયાસ કર્યો. આ જોખમી પરિસ્થિતિમાં પોલીસે સ્વ-બચાવમાં જવાબી કાર્યવાહી કરી. પોલીસે કુલ 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું, જેમાં વિપુલ પરમારને ગોળી વાગતા તે ઘટનાસ્થળે જ ઢળી પડ્યો.
આ અથડામણ દરમિયાન, વિપુલ પરમાર દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં 3 પોલીસ કર્મચારીઓને પણ ઈજા પહોંચી છે. તેમાંથી એક પોલીસકર્મી, જેમનું નામ રાજભા છે, તેમને પગના ભાગે ગોળી વાગી છે અને હાલ તેમનું એપોલો હોસ્પિટલમાં ઓપરેશન ચાલી રહ્યું છે. અન્ય ઈજાગ્રસ્ત પોલીસકર્મીઓને પણ સારવાર આપવામાં આવી રહી છે.


















