Pakistan: પાકિસ્તાનની જોરદાર ફજેતી, ભારત વિરુદ્ધ અમેરિકાના કાન ભરવા ગયા પણ પોતે જ ભરાઈ ગયા
જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારતે જવાબ આપતા પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણા પર સ્ટ્રાઈક કરી હતી. ઓપરેશન સિંદૂરમાં 100થી વધુ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. જે બાદ પાકિસ્તાની સેના સાથે પણ ભારતીય સેનાની અથડામણ થઈ. બંને દેશોના સંઘર્ષમાં ભારતે પાકિસ્તાનને ભારે નુકસાન પહોંચાડ્યું. જે બાદ ભારતે દુનિયાના વિવિધ દેશોમાં ઓલ પાર્ટી ડેલિગેશન મોકલવાની જાહેરાત કરી હતી. વિવિધ પક્ષોના સાંસદોના ડેલિગેશને વિદેશોમાં જઈ પાકિસ્તાનની પોલ ખોલી. ભારતની નકલ કરી પાકિસ્તાને પણ દુનિયાના દેશોમાં ડેલિગેશન પાઠવવાની જાહેરાત કરી હતી. જોકે આ નકલ કરવાના ચક્કરમાં પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય ફજેતી થઈ છે.
અમેરિકાના વોશિંગ્ટનમાં પાકિસ્તાનના પૂર્વ વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીના નેતૃત્વમાં પાકિસ્તાનનું ડેલિગેશન ભારત વિરુદ્ધ અમેરિકાને ભડકાવવા માટે ગયું હતું. જોકે અમેરિકાના કોંગ્રેસમેન ( સાંસદ ) બ્રેડ શેરમેને પાકિસ્તાનને જ કડક સંદેશો પાઠવ્યો. તેમણે માંગ કરી છે કે પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદ સામે કડક કાર્યવાહી થવી જોઈએ.
















