Farmer’s Success Story: જામનગરના આ ખેડૂતે પ્રાકૃતિક ખેતીથી કરી 12 લાખની આવક
Farmer's Success Story: આ ખેડૂત પોતાના ખેતરમાં વાવેતર કરેલ ચીનો, રાગી, સામો, કોદરો જેવા હલકા ધાન્યોની મૂલ્ય વૃદ્ધિ, ગ્રેડિંગ અને પેકિંગ કરી એક 50 ગ્રામનું પેકેટના 100 રૂપિયા જેવી સારી આવક મેળવે છે.
Gujarat Agriculture News: જામનગર જિલ્લાના સુમરી (ધુતારપર) ગામના યુવા ખેડૂત કિશોરભાઈ લાલજીભાઈ પેઢડીયાએ આત્મા પ્રોજેક્ટ થકી માર્ગદર્શન મેળવી દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી પદ્ધતિ શરૂ કરી છે. આત્મા પ્રોજેક્ટ જામનગર દ્વારા સપ્ટેમ્બર- 2022 માસમાં વિવિધ હલકા ધાન્યોનું બિયારણ ખેડૂતોને આપવામાં આવ્યું હતું. બાદમાં કિશોરભાઈએ બાજરી, જુવાર, કાંગ, ચીનો, રાગી, સામો, કોદરો અને હરીકાંગનું વાવેતર કર્યું છે.
હલકા ધાન્યોની મૂલ્ય વૃદ્ધિ, ગ્રેડિંગ અને પેકિંગથી કરે છે આવક
કિશોરભાઈ લાલજીભાઈ પેઢડીયાએ પોતાના ખેતરમાં 300 ચોરસ ફુટ જેટલા એરિયામાં કાંગનું વાવેતર પ્રાયોગિક ધોરણે કર્યુ. જેમાં એક પણ પ્રકારના રસાયણનો ઉપયોગ ન કરી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી ઉગાડેલ. જેના ઉત્પાદનની વાત કરીએ તો કાંગની ડુંડી કાપી અને સાઈઝ પ્રમાણે ગ્રેડિંગ કરી પેકિંગ કરી એક ડુંડી 10 રૂપિયા લેખે અમદાવાદ ખાતે વેચાણ કરેલ. જેમાં કુલ 2500 ડુંડીનું વેચાણ કરી રૂપિયા 25,૦૦૦/- જેવી આવક મેળવી હતી. તે ઉપરાંત હાલમાં બાજરી જુવાર અને સામાની ડુંડી પણ 15 રૂપિયા પ્રતિ નંગ તરીકે વેચાણ કરે છે. પોતાના ખેતરમાં વાવેતર કરેલ ચીનો, રાગી, સામો, કોદરો જેવા હલકા ધાન્યોની મૂલ્ય વૃદ્ધિ, ગ્રેડિંગ અને પેકિંગ કરી એક 50 ગ્રામનું પેકેટના 100 રૂપિયા જેવી સારી આવક મેળવે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું સન્માન
જામનગર જીલ્લાના ખેડૂત કિશોરભાઈએ પોતાના ખેતરમાં પ્રાકૃતિક ખેતી કરી આઠ પ્રકારના હલકા ધાન્ય પાક થકી સારી આવક મેળવી છે. વર્ષ 2023 સરકારશ્રી દ્વારા ઈન્ટરનેશનલ યર ઓફ મીલેટસ(હલકા ધાન્ય વર્ષ) તરીકે ઉજવવામાં આવતું હોય તે સંદર્ભે ગાંધીનગર ખાતે હલકા ધાન્યનું વાવેતર કરતા ખેડૂતોને બોલાવવામાં આવેલ ત્યાં કિશોરભાઈ દ્વારા વિવિધ આઠ પ્રકારના હલકા ધાન્યને રજુ કરવામાં આવેલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સાલ ઓઢાડી કિશોરભાઈનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
કિશોરભાઈએ જણાવ્યું હતું કે, તેઓ પોતાની 15 વીઘા જમીનમાં છેલ્લા 17 વર્ષથી રસાયણ મુક્ત પ્રાકૃતિક ખેતી કરે છે. અને છેલ્લા 10 વર્ષથી આત્મા પ્રોજેક્ટ સાથે જોડાયેલા છે અને આત્મા પ્રોજેક્ટની વિવિધ તાલીમ અને પ્રવાસમાં જઈ ખેતીનું માર્ગદર્શન મેળવી પોતાની આગવી કોઠાસૂઝથી વિવિધ પાકો જેવા કે મગફળી, મકાઈ, રાજગરો, કીનોવા, હળદર, ચણા, મગ, અડદ, તુવેર, ઘઉં, બાજરી, જુવાર, કાંગ, ચીનો, રાગી, સામો, કોદરી, હરીકાંગ, આદુ, શેરડી, ચૂરણ, જીરુ, ધાણા, મેથી, ટમેટા, રીંગણા, વટાણા, જેવા શાકભાજી મળીને કુલ 30 જેવા પાકોનું વાવેતર કરેલ છે.
આ પાકોની મૂલ્ય વૃદ્ધિ જેવી કે મગફળીમાંથી મગફળીનું તેલ તેમજ ખારીશીંગ હળદર, મગ, ચણા, તુવેર જેવા કઠોળના પાકમાંથી અડદ દાળ, મગ દાળ, ચણા દાળ અને તુવેર દાળ બનાવી નાના પેકિંગ કરે છે. તે ઉપરાંત જુવાર, બાજરી, રાગી જેવા હલકા ધાન્ય પાકમાંથી લોટ બનાવી પેકિંગ કરે છે. રાગીમાંથી પાપડ બનાવી પેકિંગ કરે છે. ધાણા, આદુ, જીરુ, હળદરમાંથી ધાણા પાઉડર, આદુ પાઉડર(સુંઠ), જીરું પાઉડર, હળદર પાઉડર તે ઉપરાંત કસાવા માંથી કસાવાની વેફર, દેશી ગુલાબમાંથી ગુલકંદ, લસણમાંથી લસણ પાઉડર અળસીનો મુખવાસ, તલ, રાય, મેથી, છાશનો મસાલો તેમજ કોઠીમડાની કાચરી જેવી મૂલ્ય વૃદ્ધિ તેમજ પેકિંગ કરી સીધા ગ્રાહકોને વેચાણ કરે છે. આત્મા પ્રોજેક્ટ દ્વારા થતા કૃષિ મેળા, સેમિનાર અને દર શનિવારે એમ્યુઝમેન્ટ પાર્ક ખાતે પ્રાકૃતિક કૃષિ ખેત પેદાશ માર્કેટમાં સીધા ગ્રાહકોને વેચાણ કરી આખા વર્ષ દરમિયાન 10 થી 12 લાખ રૂપિયા જેવી કમાણી કરી આત્મનિર્ભર બન્યા છે.