ખેડૂતો માટે ખુશખબર: ગુજરાત સરકારની નવી યોજના, ₹1 લાખનો રોકડ પુરસ્કાર મળશે, જાણો કોને મળશે લાભ
Sardar Patel Agri Award: ગુજરાત સરકારે કૃષિ ક્ષેત્રે ઉત્સાહી અને પ્રગતિશીલ ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ યોજનાની જાહેરાત કરી છે.

Sardar Patel Agricultural Research Award: ભારત એક કૃષિપ્રધાન દેશ છે અને અહીં ખેડૂતોને દેશના અન્નદાતા તરીકે ઓળખવામાં આવે છે. ખેતીમાં આવતી વિવિધ સમસ્યાઓનો સામનો કરી, તેને સરળ બનાવવા માટે સરકાર સતત નવી યોજનાઓ લાવી રહી છે. આ જ ક્રમમાં ગુજરાત સરકારે કૃષિ ક્ષેત્રે ઉત્સાહી અને પ્રગતિશીલ ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ યોજનાની જાહેરાત કરી છે. જે ખેડૂતો પોતાની આગવી કોઠાસૂઝથી ખેતીના વિકાસમાં નવીનતા લાવે છે અને નવી તકનીકો રજૂ કરે છે, તેમને 'સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર યોજના' અંતર્ગત ₹1,00,000 (એક લાખ રૂપિયા) સુધીના રોકડ પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવશે.
ખેતી નિયામકની યાદીમાં આ માહિતીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય એવા ખેડૂતોને બિરદાવવાનો છે જેમણે કૃષિ ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે અને અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે.
યોજનાનો લાભ લેવા માટેની પ્રક્રિયા
જે ખેડૂતોએ પોતાની આગવી કોઠાસૂઝથી કૃષિક્ષેત્રે વિશેષ સિદ્ધિ પ્રદાન કરી છે અને આ યોજનાનો લાભ લેવા ઈચ્છે છે, તેમણે સંબંધિત જિલ્લા ખેતીવાડી અધિકારીને નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે. અરજી ફોર્મ ખેતી નિયામકની સત્તાવાર વેબસાઈટ પર ઉપલબ્ધ છે. આ યોજના વિશે વધુ જાણકારી મેળવવા માટે ખેડૂતો જિલ્લા પંચાયત ખાતે આવેલા જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરી શકે છે.
આ યોજના રાજ્યના ખેડૂતોને કૃષિ ક્ષેત્રે નવા પ્રયોગો કરવા અને આધુનિક પદ્ધતિઓ અપનાવવા માટે પ્રેરિત કરશે, જેથી રાજ્યના કૃષિ વિકાસને વેગ મળશે.





















