Shrawan 2022: સુરતના આ શિવાલયમાં રોજ 4200 પાર્થિવ શિવલિંગ બનાવી સાંજે કરાય છે વિસર્જન, જાણો શું છે કારણ
Shrawan 2022: ગાયના છાણા, પંચામૃત, અત્તર, ગૌમૂત્ર વિવિધ વસ્તુઓ ભેળવીને આ 4200 પાર્થિવ શિવલિંગ બનાવવામાં આવે છે અને સાંજે આ શિવલિંગની પૂજા અર્ચના કરવામાં આવે છે.
Shrawan 2022: પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે શહેરના શિવાલયોમાં મહાદેવને રિઝવવા માટે અનેકવિધ પૂજા અર્ચના કરવામાં આવે છે. સુરતના જહાંગીરપુરા ખાતે આવેલ રામ મઢી આશ્રમમાં રોજની 4200 પાર્થિવ શિવલિંગ બનાવી તેની પૂજા અર્ચના કરવામાં આવે છે અને સાંજે સંધ્યા કાળે તેનું વિસર્જન કરવામાં આવે છે.
સંતરામ બાપુએ શું કહ્યું
રામ મઢી આશ્રમના સંતરામ બાપુએ જણાવ્યું હતું કે અમારા પરમ પૂજ્ય મુળદાસ બાપુ દ્વારા સવા લાખ પાર્થિવ શિવલિંગ બનાવવાનો નિશ્ચય કરવામાં આવ્યો છે. અમારા મંદિરની બહેનો ઉનાળાના સમયમાં માટીઓ લઈ આવે છે. શ્રાવણ માસ ચાલુ થતા જ 15 થી 20 મહિલાઓ મળીને રોજ સવારે છ વાગ્યે ભેગા થઈ માટીની પાર્થિવ શિવલિંગ બનાવે છે. ગાયના છાણા, પંચામૃત, અત્તર, ગૌમૂત્ર વિવિધ વસ્તુઓ ભેળવીને આ 4200 પાર્થિવ શિવલિંગ બનાવવામાં આવે છે અને સાંજે આ શિવલિંગની પૂજા અર્ચના કરવામાં આવે છે.
શું છે કારણ
સમગ્ર શ્રાવણ મહિના દરમિયાન રોજની 4200 પાર્થિવ શિવલિંગ બનાવવામાં આવે છે. સમગ્ર શ્રાવણ મહિના દરમિયાન સવા લાખ પાર્થિવ શિવલિંગ બનાવવામાં આવે છે. આ પાર્થિવ શિવલિંગની પૂજા અર્ચના કર્યા બાદ પવિત્ર તાપી માતા નદીમાં વિસર્જન કરવામાં આવે છે. આ શિવલિંગની પૂજા અર્ચના કરવાનો હેતુ સર્વે મનુષ્ય જાતને સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે તેવા શુભ હેતુથી આ કાર્ય કરવામાં આવી રહ્યું છે.
શિવલિંગની વેદીનું કઈ દિશામાં હોવું જોઈએ મુખ
શિવલિંગ ઘરમાં હોય કે મંદિરમાં, તેમની વેદીનું મુખ હંમેશા ઉત્તર દિશા તરફ હોવું જોઈએ. શિવલિંગમાં શિવ અને શક્તિ બંને વિરાજમાન છે, તેથી જ્યાં શિવલિંગ હોય ત્યાં ઊર્જાનો પ્રભાવ ખૂબ જ વધારે રહે છે.
કઈ દિશામાં બેસીને કરશો શિવલિંગની પૂજા
- શાસ્ત્રો અનુસાર જો તમે સવારે શિવલિંગનો અભિષેક કરો છો તો પૂર્વ દિશા તરફ મુખ કરીને મહાદેવની પૂજા કરો.
- કેટલાક લોકો સાંજના સમયે પણ શિવલિંગની પૂજા કરે છે. તેથી તમારું મુખ પશ્ચિમ તરફ રાખો.
- વિશેષ કામના માટે રાત્રે પણ શિવની પૂજા કરવામાં આવે છે. આ દરમિયાન વ્યક્તિએ પોતાનું મુખ ઉત્તર તરફ રાખવું જોઈએ. મંત્રોના જાપ અને પાઠ માટે પૂર્વ કે ઉત્તર દિશા શ્રેષ્ઠ માનવામાં આવે છે.
- ભગવાન શિવના ડાબા અંગમાં દેવી ગૌરીનું સ્થાન છે, તેથી ધ્યાનમાં રાખો કે ઉત્તર દિશામાં બેસીને ક્યારેય શિવની પૂજા ન કરો.
- દક્ષિણ દિશામાં બેસીને શિવલિંગની પૂજા કરવાથી ઈચ્છિત ફળ મળે છે.
આ સાવધાનીઓ પણ રાખો
- શાસ્ત્રો અનુસાર ક્યારેય પણ ઉભા થઈને શિવલિંગ પર જળ ચઢાવવું નહીં. બેસતી વખતે પાણી ચઢાવો. ઊભા રહીને પાણી ચઢાવવાથી ફળ મળતો નથી.
- શિવલિંગની પરિક્રમા કરવાનો નિયમ છે કારણ કે પાણીનો પ્રવાહ તેને ક્યારેય ઓળંગતો નથી.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો.