હુડાનો અમલ હાલ પૂરતો સ્થગિત, 11 ગામના લોકોએ કર્યો હતો વિરોધ
હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના અમલીકરણના નિર્ણયને ચાલી રહેલા વિરોધ વચ્ચે રાજ્ય સરકારે મોટો નિર્ણય કર્યો છે

હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના અમલીકરણના નિર્ણયને ચાલી રહેલા વિરોધ વચ્ચે રાજ્ય સરકારે મોટો નિર્ણય કર્યો છે. સરકારે હાલ પૂરતો હુડાનો નિર્ણય સ્થગિત કરી દીધો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ બુધવારના બેઠક યોજી હતી. ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સ સંબોધીને હુડાનો નિર્ણય સ્થગિત કરવાની જાહેરાત કરી હતી.
આ નિર્ણય 11 ગામના આગેવાનો સાથે ગાંધીનગરમાં યોજાયેલી બેઠક અને ચર્ચા બાદ લેવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીએ ખાસ સૂચના આપી હતી કે આગેવાનોને સાંભળવામાં આવે અને તેમની ચિંતાઓને ધ્યાનમાં લેવામાં આવે. સરકાર તરફથી ચાર મંત્રીઓની કમિટી બનાવવામાં આવી હતી. જેને આ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરી હતી. હુડાના વિરોધમાં 11 ગામના લોકોએ 108 દિવસથી લડત ચલાવી રહ્યા હતા અને હિંમતનગર સજ્જડ બંધ પાળી વિરોધ નોંધાવ્યો હતો. 11 ગામના લોકોની 108 દિવસની લડતના રંગ લાવી અને સરકારે હુડા અમલીકરણનો નિર્ણય હાલ સ્થગિત કરી દીધો છે. હુડા સંકલન સમિતિએ સરકારના આ નિર્ણયનું સ્વાગત કર્યું અને તેને ખેડૂતોની લડતની જીત ગણાવી હતી. આ વિરોધનું મુખ્ય કારણ ગુજરાત ટાઉન પ્લાનિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટ 1976 હેઠળ જમીનની 40-50 ટકા કપાત, ખેતીની જમીનનું શહેરીકરણ અને વિકાસના નામે થતા અન્યાય છે. ખેડૂતોનું કહેવું છે કે વિકાસ જોઈએ પરંતુ પોતાની જમીન અને આજીવિકા ગુમાવીને નહીં. સરકારના નિર્ણયને 11 ગામના ખેડૂતો અને લોકોએ વધાવી લીધો અને હિંમતનગરના મહાવીરનગર વિસ્તારમાં ભવ્ય આતશબાજી સાથે ઉજવણી કરવામાં આવી હતી.
હિંમતનગર શહેરમાં લાગુ કરવામાં આવેલ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી એટલે કે હુડા હાલ પૂરતો સ્થગિત કરવામાં આવ્યો,રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવાની સાથે જ હિંમતનગર શહેરમાં 11 ગામના મિલકત ધારકોએ આતશબાજી કરી ઉત્સવ મનાવ્યો હતો. 11 ગામના મિલકત ધારકોએ વિરોધ દર્શાવ્યો હતો. હુડા રદ કરવા માટે છેલ્લા 108 દિવસથી 11 ગામના મિલકત ધારકો વિરોધ દર્શાવી રહ્યા હતા પરંતુ રાજ્ય સરકાર દ્વારા કોઈ ચોક્કસ નિર્ણય લેવામાં આવ્યો નહોતો. જોકે 11 ગામના મિલકત ધારકોની હુડા સંકલન સમિતિ દ્વારા ભાજપ છોડૉ કાર્યક્રમ આપવામાં આવ્યો હતો જેમાં 11 ગામના મિલકત ધારકો પૈકીના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આગામી 20 તારીખને શનિવારે તેઓના રાજીનામાં જિલ્લા ભાજપ પ્રમુખને આપવાના હતા. હિંમતનગર શહેરમાં લાગુ કરવામાં આવેલ હુડા સ્થગિત કરવાનો નિર્ણય કરવામાં આવતા 11 ગામના મિલકત ધારકો દ્વારા આ નિર્ણયને વધાવી લેવામાં આવ્યો હતો અને શહેરના મહાવીર નગર વિસ્તારમાં આતશબાજી કરી આ નિર્ણયને વધાવવામાં આવ્યો હતો.





















