Gujarat Election 2022: વિરમગામથી હાર્દિક પટેલનો થશે વિજય પણ નજીકના લોકોથી રહેવું પડશે સાવચેતઃ જ્યોતિષ
હાર્દિક પટેલની કુંડળીને જોતા સિંહ લગ્ન છે. સિંહ લગ્નવાળા મજબૂત પ્રભાવશાળી મુત્સદ્દી, મક્કમ મનોબળ ધરાવનાર, મહત્વકાંક્ષી, દીર્ઘદ્રષ્ટિવાળા અને વિરોધ કરવામાં પાવરધા હોય છે
Gujarat Election Result 2022: ગુજરાત અને હિમાચલમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે પરિણામોની રાહ જોવાઈ રહી છે. 8 ડિસેમ્બરે ચૂંટણીના પરિણામો આવવાના છે, જો કે તે પહેલા એક્ઝિટ પોલના પરિણામો પક્ષોની જીત અને હારની આગાહી કરી રહ્યા છે. ગુજરાતમાં સોમવારે બીજા તબક્કાના મતદાન બાદ આવેલા મોટાભાગના એક્ઝિટ પોલમાં સતત 7મી વખત ભાજપની સરકાર બનવાની આગાહી કરવામાં આવી છે.
મતદાન પૂર્ણ થયા અને એક્ઝીટ પોલ બાદ સટ્ટા બજારમાં પણ ભાજપના પ્રચંડ બહુમતના સંકેત છે. સટ્ટોડીયાઓના મતે ભાજપને 140-142 બેઠક તો આપને 4-6 બેઠક અને કોંગ્રેસને 30-34 બેઠક મળવાનું અનુમાન છે. બીજા તબક્કાના મતદાન અગાઉ સટ્ટાબજારનું સેશન ભાજપને 137-139નું હતું જે વધીને 140-142નું થયું છે. સૌથી વધુ સટ્ટો હાર્દિક પટેલની વિરમગામ બેઠક, અલ્પેશ ઠાકોરની ગાંધીનગર દક્ષિણ બેઠક પર લાગી રહ્યો છે. સટ્ટાબજારમાં હાર્દિક પટેલની જીતનો ભાવ 90 પૈસા તો અલ્પેશ ઠાકોરની જીતનો ભાવ 80 પૈસા છે. સટ્ટાબજાર ઉપરાંત જ્યોતિષીએ પણ હાર્દિક જીતશે તેમ કહ્યું.
શું કહે છે હાર્દિક પટેલની કુંડળી
જ્યોતિષ વિદ્ નિતિન આર ત્રિવેદીએ કહ્યું, વિરમગામ વિધાનસભાની પ્રતિષ્ઠીત બેઠક પરથી તેઓ વિજય પ્રાપ્ત કરે તેવા 100 ટકા યોગ બને છે. હાર્દિક પટેલની કુંડળીને જોતા સિંહ લગ્ન છે. સિંહ લગ્નવાળા મજબૂત પ્રભાવશાળી મુત્સદ્દી, મક્કમ મનોબળ ધરાવનાર, મહત્વકાંક્ષી, દીર્ઘદ્રષ્ટિવાળા, પોતાના બાહુબળથી આગળ આવનાર, સત્તા પ્રેમી નેતૃત્વ કરનારા, મોટેથી બોલવાની આદત અને વિરોધ કરવામાં પાવરધા હોય છે તેમ જન્મ કુંડળી પરથી દેખાય છે.
2015માં કેતુની મહાદશા ચાલતી હતી, જે 2022 સુધી ચાલુ રહી. આ સમયે કુંડળીમાં 12માં કસ્પ ભાવનો ઉપપત્તિ રાહુ હોવાથી આ સમયમાં નકારાત્મક ભાવો ચાલતા હોવાથી તેમના પર પોલીસ કેસ કોર્ટકેસ બંધન યોગ જેવા યોગ બનેલા હતા. જે બરાબર જણાય છે. હાલતમાં તેમની કુંડળીમાં શુક્રની મહાદશા 17-04-22થી 17-04-22 સુધી ચાલુ રહે છે. શુક્ર નવમા ભાવ રહે છે. નવમો ભાવ રાજગાદી, સત્તા પક્ષનો છે. જેનો નક્ષત્રપતી ચંદ્ર 11મા ભાવે રહે છે. જેથી 3,10,9,11, 12 ભાવનો ફળ નિર્દેશક બને છે, જે પ્રગતિશીલ ભાવ દર્શાવે છે અને પ્રતિસ્પર્ધી પર વિજય પ્રાપ્ત કરાવે છે. વધુમાં સૂર્યની પ્રત્યંતરદશા 6-11-22 થી 6-1-23 સુધી ચાલુ રહે છે. સૂર્ય 1.6.7.1.1 ભાવનો ફળ નિર્દેશક બને છે, જે ગતિશીલ ભાવ દર્શાવેછે. ગોચર ગ્રહોની સ્થિતિ મહાદશા અંતરદશા જોતા હાર્દિક પટે ચૂંટણીમાં વિજય થાવ તેવા ચોક્કસ યોગ બને છે. પરંતુ હાર્દિક પટેલેને તેમના નજીકના વ્યક્તિઓથી સાવચેત રહેવું જરૂરી છે. પરંતુ અંતે સંઘર્ષ બાદ સફળ થવાના યોગો બને છે.
આ ઉપરાંત તેમણે કહ્યું, હાર્દિક પટેલની મહાદશા-અંતરદશા-ગોચર ગ્રહોની સ્થિતિ જોતાં તેઓ વિજય બાદ પક્ષ તરફથી કોઇ જવાબદારી કે પદ પ્રાપ્ત થાય તેવા યોગ બને છે. તેમની કારકિર્દી સફળતા વાળી જણાય છે, જે ભવિષ્યમાં લાંબો સમય તે સત્તા પ્રાપ્ત કરે અને કાર્યમાં સફળતા પ્રાપ્ત કરે તેવા યોગ બને છે.