Volkswagen India: ટાટા, મહિન્દ્રા બાદ હવે ફોક્સવેગને પણ કારની કિંમતમાં કર્યો વધારો, 1,જાન્યુઆરી 2024થી થશે લાગુ
Volkswagen Cars Price Hike: કંપનીએ ઈનપુટ અને મટીરીયલ ખર્ચમાં વધારો થવાને કારણે આ નિર્ણય લીધો છે
Volkswagen Cars Price Hike: ફોક્સવેગન પેસેન્જર કાર્સ ઇન્ડિયાએ મંગળવારે જાહેરાત કરી હતી કે તે 1 જાન્યુઆરી, 2024થી તેની તમામ કારની કિંમતમાં વધારો કરશે. કંપનીએ ઈનપુટ અને મટીરીયલ ખર્ચમાં વધારો થવાને કારણે આ નિર્ણય લીધો છે. ફોક્સવેગન તેની સમગ્ર મોડલ રેન્જની કિંમતોમાં 2 ટકા સુધીનો વધારો કરવાની યોજના બનાવી રહી છે. નોંધનીય છે કે આ પહેલા અન્ય કાર કંપનીઓ મારુતિ સુઝુકી, હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા, ટાટા મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, હોન્ડા, ઓડી અને બીએમડબ્લ્યુએ પણ જાન્યુઆરી 2024 થી તેમની કારની કિંમતોમાં વધારો કરવાની જાહેરાત કરી છે.
ફોક્સવેગન પેસેન્જર કાર્સ ઈન્ડિયાના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "1 જાન્યુઆરી, 2024થી કંપનીએ તેની સમગ્ર મોડલ રેન્જમાં ઈનપુટ અને મટીરીયલ ખર્ચમાં વધારો થવાને કારણે કિંમતોમાં 2 ટકા સુધીનો વધારો કરવાની યોજના બનાવી છે." તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "જો કે કંપની ખર્ચ ઘટાડવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરે છે જેથી કરીને ગ્રાહકો પર બોજ ન પડે, પરંતુ બજારમાં સતત વધી રહેલી મોંઘવારીને કારણે આવા પગલાં લેવા પડ્યા છે."
ફોક્સવેગન ભારતમાં પ્રીમિયમ એસયુવી ટિગુઆનને મિડ સાઇઝની સેડાન વર્ટસ વેચે છે જેની કિંમત 11.48 લાખથી. 35.17 લાખ રૂપિયાની વચ્ચે છે.
કંપની Tiguan પર ભારે ડિસ્કાઉન્ટ આપી રહી છે
ફોક્સવેગન ફ્લેગશિપ ટિગુઆનની કિંમત 35.17 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) થી શરૂ થાય છે. હાલમાં કંપનીએ આ કાર પર વર્ષના અંતમાં 4.2 લાખ રૂપિયા સુધીનું ભારે ડિસ્કાઉન્ટ ઓફર કર્યું છે, જે 31 ડિસેમ્બર, 2023 સુધી માન્ય છે. આ ડિસ્કાઉન્ટમાં 75,000નું રોકડ ડિસ્કાઉન્ટ, 1 લાખ રૂપિયા સુધીના કોર્પોરેટ લાભો, 86,000 રૂપિયાના મૂલ્યના 4 વર્ષ માટેનું સર્વિસ પેકેજ અને 84,000 રૂપિયા સુધીના વધારાના લાભો સામેલ છે.
ફોક્સવેગન ટિગુઆન પાવરટ્રેન
કંપની ભારતમાં 2.0-લિટર TSI ટર્બો-પેટ્રોલ એન્જિન સાથે Tiguan વેચે છે. આ એન્જિન 187 HPની મેક્સિમમ પાવર અને 320 Nmનો પીક ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. જે 7-સ્પીડ DSG સ્ટાન્ડર્ડ ગિયરબોક્સ સાથે જોડાયેલ છે. Tiguan દેશમાં Jeep Compass, Hyundai Tucson અને Citroen C5 Aircross જેવી SUV સાથે સ્પર્ધા કરે છે.