UP Election Result: ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં કોંગ્રેસના 97 ટકા અને બસપાના 72 ટકા ઉમેદવારોએ ડિપોઝીટ ગુમાવી
Uttar Pradesh : 33 બેઠકો પર ચૂંટણી લડનાર રાષ્ટ્રીય લોકદળ (RLD) સાથે કોંગ્રેસની સરખામણી કરીએ તો, RLDને 2.9 ટકા મત મળ્યા છે, જે કોંગ્રેસ કરતા વધુ સારા છે.
Uttar Pradesh : ઉત્તરપ્રદેશમાં યોજાયેલી ચૂંટણીમાં જ્યાં ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ બહુમતી મળી હતી તો બીજી બાજું સમાજવાદી પાર્ટીએ તેને દરેક સીટ પર સખત ટક્કર આપી હતી. પરંતુ લાંબા સમયથી ઉત્તર પ્રદેશની રાજનીતિમાં વાપસી કરવાનો પ્રયાસ કરી રહેલી કોંગ્રેસ પાર્ટીએ 399માંથી 387 ઉમેદવારોની ડિપોઝીટ ગુમાવી હતી અને માત્ર બે ઉમેદવારો પોતાની સીટ બચાવી શક્યા હતા. જો બહુજન સમાજવાદી પાર્ટીની વાત કરીએ તો 403 ઉમેદવારોમાંથી 290 પોતાની ડિપોઝીટ બચાવી શક્યા નથી.
ભાજપ અને સપાના ઉમેદવારોની ડિપોઝીટ પણ જપ્ત
તમને જાણીને નવાઈ લાગશે કે ભારતીય જનતા પાર્ટી, જે પ્રચંડ જીત સાથે ફરી સત્તા પર આવી અને 376 બેઠકો પર તેના ઉમેદવારો ઉભા રાખ્યા, તેના ત્રણ ઉમેદવારોની ડિપોઝીટ પણ જપ્ત થઇ છે. 347 ઉમેદવારો અને સીટોની દ્રષ્ટિએ બીજા સ્થાને રહેલી સમાજવાદી પાર્ટીના 6 ઉમેદવારો તેમની ડિપોઝીટ બચાવી શક્યા નથી.
અપના દળ અને નિષાદ પાર્ટીના એક પણ ઉમેદવારની ડિપોઝીટ જપ્ત નથી થઇ
રસપ્રદ વાત એ છે કે ભાજપ ગઠબંધનની અપના દળ (સોનેલાલ) અને નિષાદ પાર્ટીના એક પણ ઉમેદવારની ડિપોઝીટ જપ્ત થઇ નથી. બંને પક્ષોના કુલ 27 ઉમેદવારો મેદાનમાં હતા. આ આંકડો દર્શાવે છે કે આ બંને પક્ષોને માત્ર તે જ બેઠકો આપવામાં આવી હતી જ્યાં તેઓ ચૂંટણી લડે તેવી શક્યતા હતી. અપના દળ (સોનેલાલ)ના અધ્યક્ષ અનુપ્રિયા પટેલ છે, જે હાલમાં મોદી સરકારમાં મંત્રી છે.
ક્યારે જપ્ત થાય છે ઉમેદવારોની ડિપોઝીટ ?
ચૂંટણીના નિયમો અનુસાર, જ્યારે ઉમેદવાર કુલ પડેલા મતોના છઠ્ઠા ભાગને પણ મેળવી શકતો નથી, ત્યારે તે તેની સિક્યોરિટી ડિપોઝિટ બચાવી શકતો નથી. આ વખતે યુપીમાં કુલ 4442 ઉમેદવારો મેદાનમાં હતા, જેમાંથી 3522 એટલે કે 80 ટકા ઉમેદવારો તેમની ડિપોઝીટ બચાવી શક્યા નથી. ઉમેદવારી ફોર્મ ભરતી વખતે બોન્ડ સ્વરૂપે સિક્યોરિટી ડિપોઝીટ ભરવાની હોય છે.