Lok Sabha Election 2024 Live: ગુજરાતમાં રૂપાલા Vs ક્ષત્રિયો, ઠેર ઠેર શરૂ થયું પૉસ્ટર અને બેનર વૉર
Lok Sabha Election 2024: ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. ભાજપ અને કોંગ્રેસ આમને સામને આરોપ પ્રત્યારોપ લગાવી રહ્યાં છે. રાજ્યમાં અત્યારે ક્ષત્રિયો રૂપાલાની ટિકીટ કાપવાને લઇને મેદાનમાં છે
LIVE
Background
Lok Sabha Election 2024 Live Blog Updates: ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. ભાજપ અને કોંગ્રેસ આમને સામને આરોપ પ્રત્યારોપ લગાવી રહ્યાં છે. રાજ્યમાં અત્યારે ક્ષત્રિયો રૂપાલાની ટિકીટ કાપવાને લઇને મેદાનમાં છે, તો વળી, ભાજપ રૂપાલાને જ ચૂંટણી લડાવવા મક્કમ છે. રાજ્યમાં ઠેર ઠેર ક્ષત્રિય સમાજ રૂપાલાની રાજકોટથી ટિકીટ પાછી ખેંચવાની માંગ કરી રહ્યો છે, ગઇકાલે આ અંતર્ગત ધંધૂકામાં રાજપૂત સમાજનું મહાસંમેલન મળ્યુ હતુ, બીજીબાજુ ભાજપ મામલાને શાંત કરવા બેઠકો પર બેઠકો કરી રહ્યું છે. જાણો અહીં મોટુ અપડેટ્સ
રાજકોટથી રૂપાલા 16મી એપ્રિલે ભરશે ઉમેદવારી પત્રક
ક્ષત્રિયો સાથેના વિવાદ વચ્ચે રૂપાલાના ઉમેદવારી ફોર્મ ભરવાની તારીખની જાહેરાત કરી દેવામાં આવી છે. મળતી જાણકારી અનુસાર, રાજકોટથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા 16 એપ્રિલના રોજ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરશે.ઉમેદવારી પત્ર ભરતા અગાઉ રૂપાલા રાજકોટના રેસકોર્સ બહુમાળી ચોકમાં જંગી સભાને સંબોધશે.
શહેર ભાજપે જંગી સભાને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી હતી. રાજકોટ લોકસભા મતવિસ્તારના ભાજપના અગ્રણીઓ આ સભામાં ઉપસ્થિત રહેશે. સાંસદ,ધારાસભ્યો,સંગઠનના હોદ્દેદારો પણ સભામાં હાજરી આપશે. રાજકોટ શહેર ભાજપના કોર્પોરેટરો પણ સભામાં ઉપસ્થિત રહેશે. સભાને લઈને કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. એક બાજુ રાજ્યભરમાં ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાનો વિરોધ થઇ રહ્યો છે તો બીજી તરફ રાજકોટ શહેર ભાજપ દ્વારા તેમની સભાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. રાજકોટના રેસકોર્સ બહુમાળી ચોક આગામી 16 તારીખે ભાજપે સભાનું આયોજન કર્યું હતું. રૂપાલા 16 તારીખના રોજ ફોર્મ ભરશે. ફોર્મ ભરતા પહેલા રાજકોટના રેસકોર્સ બહુમાળી ભવન પાસે જંગી સભાને સંબોધશે. રૂપાલાની સભા પર સમગ્ર રાજ્યની નજર રહેશે.
લોકસભા ચૂંટણી પહેલા બોટાદમાં AAPને ઝટકો
લોકસભા ચૂંટણી અગાઉ બોટાદમાં આમ આદમી પાર્ટી (આપ)ને મોટો ઝટકો લાગ્યો હતો. મળતી જાણકારી અનુસાર, બોટાદ આપ શહેર પ્રમુખ, બોટાદ આપ સંગઠન મંત્રી,બોટાદ આપ શહેર મહામંત્રી અને બોટાદ મહિલા મોરચાના પ્રમુખ ભાજપમાં સામેલ થઇ ગયા હતા. બોટાદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ તેમજ આગેવનોની હાજરીમાં આપના નેતાઓ ભાજપમાં જોડાયા હતા. આપના શહેર પ્રમુખ કાળુભાઇ રાઠોડ, સંગઠન મંત્રી ઉમેદસિંહ ગોહિલ ,શહેર મહમંત્રી ઓઢભાઈ ધાંધલ ,મહિલા મોરચાના પ્રમુખ પુરીબેન સાકરીયા સહિત કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. પીએમ મોદીની વિચારધારા તેમજ લોકોની વધુમાં વધુ સેવા કરીએ તેમજ મોદીના કામમાં જોડાવવાની ભાવના સાથે તેઓ ભાજપમાં જોડાયા હતા. આપના ધારાસભ્ય અને લોકસભાના ઉમેદવાર હોવા છતાં લોકોના કામ થતા ન હોવાના આક્ષેપ તેઓએ લગાવ્યો હતો. ભાજપમાં સામેલ થયા બાદ કાળુભાઇ રાઠોડે જણાવ્યું કે મોદી સરકાર દ્ધારા કરવામાં આવતા વિકાસના કામો તેમજ બોટાદમાં આપના ધારાસભ્ય હોય તેમ છતાં વિકાસના કામો થતા ન હોય ત્યારે ભાજપમાં વિકાસના કામ થતા હોય જેને લઈ આજે આમ આદમી પાર્ટી છોડી અમે કેસરિયો ધારણ કર્યો છે. હજુ આગામી દિવસોમાં અન્ય આગેવાનો પણ આપ છોડે તેવા સંકેત પણ તેમણે આપ્યા હતા.
'રૂપાલાની ટિકીટ રદ્દ ના થવી જોઇએ,... અમે સમર્થનમાં છીએ' -પાટીદાર સમાજનું રૂપાલાને સમર્થન
ગુજરાતમાં રૂપાલા વિવાદ સતત વધી રહ્યો છે. ક્ષત્રિયોએ ગઇકાલે ધંધૂકામાં મહારેલી યોજીને મહાસંમેલન ભર્યુ હતુ, આ સંમેલન દરમિયાન રૂપાલાની ટિકીટને રદ્દ કરવાની માંગ ફરી એકવાર પાક્કી કરાઇ હતી. હવે રૂપાલાના સમર્થનમાં પાટીદાર સમાજ ઉતર્યો છે. તાજેતરમાં જ સુરેન્દ્રનગર શહેરમાં પરશોત્તમ રૂપાલાના સમર્થનમાં પાટીદાર સમાજ દ્વારા બેનરો લગાવવામાં આવ્યા છે. જિલ્લાના શહેરના વઢવાણ રૉડ પર પરશોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ ના થવી જોઈએ તેવા લખાણો સાથે પાટીદાર સમાજ દ્વારા બેનરો લગાડીને સમર્થન આપવામાં આવ્યુ છે. પરશોત્તમ રૂપાલાના સમર્થનમાં બેનર લાગતા જિલ્લાનું સ્થાનિક રાજકારણ ફરીથી ગરમાયું છે.
શું છે રૂપાલાનો અભદ્ર ટિપ્પણીનો વિવાદ
પરશોત્તમ રૂપાલાએ તાજેતરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકોટમાં વાલ્મિકી સમાજના એક સ્નેહમિલન સમારોહમાં સભા સંબોધી હતી. આ દરમિયાન રૂપાલાએ રજવાડાઓને લઈને વિવાદિત નિવેદન આપ્યુ હતુ. આ સભામાં તેમને કહ્યું હતુ કે, અંગ્રેજોએ દમન કરવામાં કંઈ બાકી નહોંતુ રાખ્યુ અને મહારાજાઓ નમ્યા, રાજા- મહારાજાઓએ રોટી-બેટીના વ્યવહારો કર્યા પણ મારા રૂખી સમાજે ન તો ધરમ બદલ્યો ન તો વ્યવહારો કર્યા. સૌથી વધુ દમન તેમના પર થયા હતા. આજે હજાર વર્ષે રામ એમના ભરોસે આવ્યો છે. એ સમયે તેમની તલવાર આગળ પણ નહોંતા ઝુક્યા. પરસોત્તમ રૂપાલાના આવા વિવાદિત નિવેદનો બાદ સમગ્ર ગુજરાતમાં વિરોધ ઉગ્ર બન્યો હતો.
રાજકોટનો મક્કમ નિર્ધાર, ફરી એક વાર મોદી સરકાર !!' - રૂપાલાનું ટ્વીટ
રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ તાજેતરમાં જ સોશ્યલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેઓએ લખ્યું છે કે, 'રાજકોટનો મક્કમ નિર્ધાર, ફરી એક વાર મોદી સરકાર !!'. ક્ષત્રિય સમાજના સખત વિરોધ અને વિવાદોની વચ્ચે આ ટ્વીટથી ફરીથી રાજકારણ ગરમાયું છે. ટ્વીટમાં રાજકોટનો મક્કમ નિર્ધાર, ફરી એકવાર મોદી સરકાર, લખવામાં આવ્યુ છે. આ વીડિયોમાં પરશોત્તમ રૂપાલાને રાજકોટ શહેરના અલગ-અલગ કાર્યક્રમો અને પ્રચાર પ્રસાર કરતા બતાવવામાં આવ્યા છે. રાજ્યમાં એકબાજુ ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર વિરોધ પ્રદર્શનો અને સભાઓ ભરાઇ રહી તો, તો બીજીબાજુ પરશોત્તમ રૂપાલા દ્વારા વીડિયો શેર કરવામાં આવ્યો છે. રાજકોટ શહેર અને જિલ્લામાં અત્યારે પરશોત્તમ રૂપાલાએ અત્યાર સુધીમાં મોટા ભાગનો પ્રચાર પૂર્ણ કરી લીધો છે.
રૂપાલાએ ટ્વીટ કર્યુ છે 'રાજકોટનો મક્કમ નિર્ધાર, ફરી એક વાર મોદી સરકાર !!' આ સાથે હેશટેગ #PhirEkBaarModiSarkar, #AbkiBaar400Paar #Rupala4Rajkot પણ લગાવાયા છે.