70મા ફિલ્મફેર એવોર્ડ્સ 2025: શાહરુખ ખાન, અક્ષય કુમાર સહિતના સ્ટાર્સની હાજરીમાં 11 ઓક્ટોબરે અમદાવાદમાં ભવ્ય આયોજન
આ વખતે 'કિલ' ફિલ્મે પાંચ એવોર્ડ્સ જીતીને ટેક્નિકલ કેટેગરીમાં પ્રભુત્વ જમાવ્યું, જ્યારે 'લાપતા લેડીઝ' એ બેકગ્રાઉન્ડ સ્કોર, કોસ્ચ્યુમ, સ્ક્રીનપ્લે અને ડાયલોગ સહિત ચાર એવોર્ડ્સ જીત્યા.

70th Filmfare Awards 2025: 70મા ફિલ્મફેર એવોર્ડ્સ 2025 વિથ ગુજરાત ટુરિઝમ નું ભવ્ય આયોજન આગામી 11 ઓક્ટોબરે અમદાવાદમાં થવા જઈ રહ્યું છે. આ મેગા ઈવેન્ટ પહેલાં 3 ઓક્ટોબર, 2025 ના રોજ મુંબઈમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ટેક્નિકલ અને રાઇટિંગ કેટેગરીના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી હતી. રાજકુમાર રાવ અને અભિનેત્રી તમન્ના ભાટિયાની હાજરીમાં આ વિજેતાઓના નામ જાહેર કરાયા હતા. આ વખતે 'કિલ' ફિલ્મે પાંચ એવોર્ડ્સ જીતીને ટેક્નિકલ કેટેગરીમાં પ્રભુત્વ જમાવ્યું, જ્યારે 'લાપતા લેડીઝ' એ બેકગ્રાઉન્ડ સ્કોર, કોસ્ચ્યુમ, સ્ક્રીનપ્લે અને ડાયલોગ સહિત ચાર એવોર્ડ્સ જીત્યા. એવોર્ડ સમારોહની રાત્રે શાહરુખ ખાન, અક્ષય કુમાર, અભિષેક બચ્ચન, કૃતિ સેનન, અનન્યા પાંડે અને સિદ્ધાંત ચતુર્વેદી જેવા બોલિવૂડના સ્ટાર્સનું જબરદસ્ત પરફોર્મન્સ જોવા મળશે, જેમાં શાહરુખ ખાન, કરણ જોહર અને મનીષ પોલ હોસ્ટિંગની ધૂરા સંભાળશે.
ગુજરાતમાં ફિલ્મફેરનું વિશેષ સંસ્કરણ: ટેક્નિકલ વિજેતાઓનું સન્માન
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અને પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરાના નેતૃત્વમાં યોજાઈ રહેલો 70મો ફિલ્મફેર એવોર્ડ્સ હિન્દી સિનેમાની ઉત્તમ પ્રતિભાના સન્માનનો ઉત્સવ છે. પ્રેસ કોન્ફરન્સમાં ગુજરાત પ્રવાસન નિગમના સચિવ રાજેન્દ્ર કુમાર ઉપસ્થિત રહ્યા હતા, જેમણે જણાવ્યું કે ગુજરાતના વૈવિધ્યસભર ભૂદ્રશ્યો અને અદ્યતન સુવિધાઓને કારણે રાજ્ય સિનેમા માટેનું પસંદગીનું ગંતવ્ય બની રહ્યું છે.
ટેક્નિકલ કેટેગરીમાં વિજેતાઓ
આ વર્ષે ટેક્નિકલ કેટેગરીમાં 'કિલ' ફિલ્મે સપાટો બોલાવ્યો છે, જેમાં તેને બેસ્ટ સિનેમેટોગ્રાફી (રફે મહમૂદ), બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇન (મયુર શર્મા), બેસ્ટ સાઉન્ડ ડિઝાઇન (સુભાષ સાહુ), બેસ્ટ એડિટિંગ (શિવકુમાર વી. પાનિકર), અને બેસ્ટ એક્શન (સેયોંગ ઓ & પરવેઝ શેખ) સહિત પાંચ એવોર્ડ મળ્યા છે.
જ્યારે ‘લાપતા લેડીઝ’ એ બેસ્ટ બેકગ્રાઉન્ડ સ્કોર (રમ સંપથ) અને બેસ્ટ કોસ્ચ્યુમ (દર્શન જાલાન) ના એવોર્ડ્સ જીત્યા હતા. અન્ય નોંધપાત્ર વિજેતાઓમાં 'બેડ ન્યૂઝ' ના ગીત તૌબા તૌબા માટે બોસ્કો-સીઝરને બેસ્ટ કોરિયોગ્રાફી અને 'મુંજ્યા' માટે રી-ડિફાઇનને બેસ્ટ VFX એવોર્ડ મળ્યો છે.
રાઇટિંગ કેટેગરી અને ભવ્ય સમારોહની તૈયારીઓ
રાઇટિંગ કેટેગરીમાં 'લાપતા લેડીઝ' એ ફરીથી પ્રભાવશાળી પ્રદર્શન કર્યું છે. સ્નેહા દેસાઈ ને આ ફિલ્મો માટે બેસ્ટ સ્ક્રીનપ્લે અને બેસ્ટ ડાયલોગ – બંને એવોર્ડ્સથી સન્માનિત કરવામાં આવ્યા છે. 'આર્ટિકલ 370' માટે આદિત્ય ધર અને મોનલ ઠાકરને બેસ્ટ સ્ટોરી એવોર્ડ મળ્યો, જ્યારે 'આઈ વોન્ટ ટુ ટોક' માટે ઋતેશ શાહને બેસ્ટ એડોપ્ટેડ સ્ક્રીનપ્લે એવોર્ડથી સન્માનિત કરાયા.
ફિલ્મફેર એડિટર-ઇન-ચીફ જીતેશ પિલ્લઈએ જણાવ્યું કે હિન્દી સિનેમાની વિવિધતા અને ઊંડાણને આ નોમિનેશન્સે દર્શાવ્યું છે. રાજકુમાર રાવ અને તમન્ના ભાટિયાએ ફિલ્મફેર એવોર્ડ્સનો ભાગ બનવા બદલ ગૌરવ વ્યક્ત કર્યું હતું.
ગ્રાહકો માટે ટિકિટની વિગતો: બોલિવૂડની આ સૌથી ગ્લેમરસ રાત્રિનો જાદુ અનુભવવા માટેની ટિકિટો હવે ડિસ્ટ્રિક્ટ બાય ઝોમેટો એપ પર લાઇવ છે. ફિલ્મપ્રેમીઓ માટે 11 ઓક્ટોબરે અમદાવાદમાં યોજાનારા આ ભવ્ય સમારોહમાં હાજરી આપવાનો આ એક સોનેરી અવસર છે.





















