'તેલંગાણા પોલીસનો નથી કોઇ દોષ', અલ્લૂ અર્જૂનની ધરપકડ પર બોલ્યા પવન કલ્યાણ, રેવંત રેડ્ડીની પણ કરી પ્રસંશા
Pawan Kalyan On Sandhya Theater Stampede: આંધ્રપ્રદેશના ડેપ્યૂટી સીએમએ કહ્યું કે અધિકારીઓ માટે જાહેર સુરક્ષાને પ્રાથમિકતા આપવી મહત્વપૂર્ણ છે. કાયદો દરેક માટે સમાન છે
Pawan Kalyan On Sandhya Theater Stampede: સંધ્યા થિયેટર નાસભાગ કેસમાં અભિનેતા અલ્લૂ અર્જૂન સામેની કાર્યવાહી અંગે આંધ્રપ્રદેશના ઉપમુખ્યમંત્રી પવન કલ્યાણે કહ્યું કે કાયદો બધા માટે સમાન છે અને પોલીસે લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કામ કરવું જોઈએ. જનસેના પાર્ટીના પ્રમુખ પવન કલ્યાણે તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડીની પ્રશંસા કરતા તેમને "મહાન નેતા" ગણાવ્યા. તેણે અલ્લૂ અર્જૂનને એવું પણ સૂચન કર્યું કે તેમને પહેલા નાસભાગમાં માર્યા ગયેલા મહિલાના પરિવારને મળવું જોઇતું હતું.
એનડીટીવીના અહેવાલ મુજબ, મંગલાગિરીમાં સોમવારે (30 ડિસેમ્બર, 2024) પત્રકારો સાથેની અનૌપચારિક વાતચીતમાં ફિલ્મ અભિનેતા કલ્યાણે 4 ડિસેમ્બરે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં થયેલી નાસભાગની ઘટના પર તેમનો પરિપ્રેક્ષ્ય રજૂ કર્યો. વાસ્તવમાં અલ્લૂ અર્જૂન પુષ્પા 2ની સ્ક્રીનિંગ માટે સંધ્યા થિયેટરમાં પહોંચ્યો હતો. ફિલ્મ સ્ટારના આગમનને કારણે ત્યાં અરાજકતા સર્જાઈ હતી. આ ઘટનામાં 35 વર્ષની મહિલા રેવતીનું મોત થયું હતું અને તેનો પુત્ર ઘાયલ થયો હતો. આ પછી તરત જ હૈદરાબાદ પોલીસે અલ્લૂ અર્જૂન વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. તેની ધરપકડ કરવામાં આવી હતી અને થોડા સમય પછી જામીન મળી ગયા હતા.
'પોલીસ સુરક્ષાને ધ્યાનમાં રાખીને કામ કરે છે'
આંધ્રપ્રદેશના ડેપ્યૂટી સીએમએ કહ્યું કે અધિકારીઓ માટે જાહેર સુરક્ષાને પ્રાથમિકતા આપવી મહત્વપૂર્ણ છે. કાયદો દરેક માટે સમાન છે. આવી ઘટનાઓમાં પોલીસ સુરક્ષાને ધ્યાનમાં રાખીને કામ કરે છે. જોકે, થિયેટર સ્ટાફે અલ્લૂ અર્જૂનને પરિસ્થિતિ વિશે અગાઉથી જાણ કરી દેવી જોઈતી હતી. એકવાર જ્યારે તે પોતાની સીટ પર બેસી ગયા તો અરાજકતાને નિયંત્રિત કરવી મુશ્કેલ બની ગઈ.
ખાસ વાત એ છે કે પવન કલ્યાણ અલ્લૂ અર્જૂનના સંબંધી છે. અલ્લૂ અર્જૂનની કાકી સુરેખાએ જાણીતા અભિનેતા ચિરંજીવી સાથે લગ્ન કર્યા છે અને તે પવન કલ્યાણના મોટા ભાઈ છે. જ્યારે પવન કલ્યાણને પૂછવામાં આવ્યું કે અભિનેતા આવી ઘટનાઓને રોકવા માટે શું કરી શક્યા હોત તો પવન કલ્યાણે કહ્યું, "જો અલ્લૂ અર્જૂન પીડિતાના પરિવારને પહેલા મળી ગયો હોત તો સારું થાત, તેનાથી તણાવ ઓછો થાત." ફિલ્મ અભિનેતા પવન કલ્યાણે કહ્યું કે તેનો મોટો ભાઈ ચિરંજીવી પણ તેની ફિલ્મોના સ્ક્રીનિંગમાં આવતો હતો પરંતુ હંગામો ન થાય તે માટે તે ઘણીવાર માસ્ક પહેરતો હતો.
પવન કલ્યાણે કરી તેલંગાણા સીએમ રેવંત રેડ્ડીની પ્રસંશા
આંધ્રના ડેપ્યૂટી સીએમએ તેલંગાણાના મુખ્યમંત્રી રેડ્ડીની પ્રશંસા કરી અને કહ્યું કે તેઓ એક એવા નેતા છે જે સામાન્ય પૃષ્ઠભૂમિમાંથી ઉભરી આવ્યા છે. તેણે કહ્યું, "રેવંત રેડ્ડી એક મહાન નેતા છે. તેમણે YSRCની જેમ કામ કર્યું નથી. જો કે, આ કિસ્સામાં અલ્લૂ અર્જૂન સાથે શું થયું તેની મને સંપૂર્ણ જાણકારી નથી."
આ પણ વાંચો