ગુજરાત હાઈકોર્ટ સહિત 6 કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ, બોમ્બ ડિસ્પોસલ સ્ક્વોડ સ્થળ પર પહોંચી
ગુજરાત હાઈકોર્ટ સહિત સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટ, લાલ દરવાજા સ્થિત અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ તેમજ ભરૂચ, આણંદ અને રાજકોટની કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે.
Bomb Threat in Gujarat : રાજ્યમાં ગુજરાત હાઈકોર્ટને ફરી એક વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ગુજરાત હાઈકોર્ટ સહિત સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટ, લાલ દરવાજા સ્થિત અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ તેમજ ભરૂચ, આણંદ અને રાજકોટની કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. બોમ્બની ધમકીનો ઈ-મેઇલ મળતા ખળભળાટ મચી ગયો છે.
આખા બિલ્ડિંગને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
એક અજાણ્યા શખસે સોમવારે મોડી રાત્રે સુરત અને અમદાવાદ સહિતની કોર્ટના ઓફિશિયલ આઈડી પર મેઈલ કરીને આખા બિલ્ડિંગને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. આ ધમકીને પગલે તમામ કોર્ટમાં ન્યાયિક કામગીરી અટકાવી બોમ્બ ડિસ્પોઝલ ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
કોર્ટના સ્ટાફની સલામતીને ધ્યાનમાં રાખી વકીલો અને સ્ટાફને કોર્ટ પરિસરમાંથી બહાર કરી કમ્પાઉન્ડ સંપૂર્ણપણે ખાલી કરાવવામાં આવ્યું હતું. તપાસ પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી વકીલો, પક્ષકારો અને કોર્ટના સ્ટાફ સહિત કોઈપણ વ્યક્તિને કોર્ટમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી નથી. આ પ્રતિબંધ સુરક્ષા તપાસ પૂરી ન થાય ત્યાં સુધી રહેશે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ધમકીભર્યો મેલ સામાન્ય સ્વરૂપનો હતો. તેમ છતાં સુરક્ષાના કોઈપણ પાસાને હળવાશથી ન લેતા તંત્ર દ્વારા સંપૂર્ણ સતર્કતા સાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જાનમાલની સલામતી સર્વોપરી હોવાથી સુરક્ષા દળો કોર્ટ કોમ્પ્લેક્સના દરેક ખૂણાનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરી રહ્યા છે.
કોર્ટની દૈનિક કાર્યવાહીને હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી
આ તપાસના પરિણામે, કોર્ટની દૈનિક કાર્યવાહીને હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે. જોકે અત્યાર સુધીની તપાસમાં કોઈ પણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. સુરક્ષા દળો દ્વારા તપાસ પૂરી થયા બાદ જ કોર્ટની કાર્યવાહી ફરીથી શરૂ કરવામાં આવશે. હાલ તો કોર્ટમાં પ્રવેશ પ્રતિબંધ છે.
સેશન્સ કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
સિટી સિવિલ અને સેશન્સ કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકી મળતા જ કોર્ટ પરિસરને ખાલી કરાવાયું હતું. બોમ્બ ડિસ્પોઝલ ટીમ અને ડોગ સ્કોડને પણ જાણ કરવામાં આવી હતી. વધુ એક કોર્ટને સિટી સિવિલ અને સેશન્સ કોર્ટને ધમકી મળી છે. છેલ્લા ઘણા સમયથી આ પ્રકારના ધમકીભર્યા મેઈલ દ્વારા સ્કૂલ અને કોર્ટ પરિસરને બોમ્બની ધમકીઓ મળી રહી છે.




















