(Source: ECI/ABP News/ABP Majha)
Manobala Passes Away: તમિલ એક્ટર-દિગ્દર્શક મનોબાલાનું નિધન, 69 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
Manobala Passes Away: તમિલ દિગ્ગજ અભિનેતા-દિગ્દર્શક મનોબાલાનું આજે 69 વર્ષની વયે અવસાન થયું. આ દુઃખદ સમાચાર આવ્યા બાદ દિવંગત અભિનેતા-દિગ્દર્શકના ચાહકો શોકમાં છે.
Manobala Passes Away: તમિલ પીઢ અભિનેતા-દિગ્દર્શક મનોબાલાનું આજે ચેન્નાઈમાં 69 વર્ષની વયે અવસાન થયું. તેઓ છેલ્લા બે અઠવાડિયાથી તેમના નિવાસસ્થાને લીવર સંબંધિત સમસ્યાઓની સારવાર લઈ રહ્યા હતા. તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે ચેન્નાઈના સાલીગ્રામમમાં એલવી પ્રસાદ રોડ પરના તેમના નિવાસસ્થાને રાખવામાં આવશે. સ્વ.મનોબાલાના પરિવારમાં પત્ની ઉષા અને પુત્ર હરીશ છે.
જીએમ કુમારે મનોબાલાના મૃત્યુની પુષ્ટિ કરી હતી
બીજી તરફ મનોબાલાના નિધનના સમાચારથી તમિલ ફિલ્મ ઉદ્યોગમાં શોકનું મોજું ફરી વળ્યું છે.અભિનેતા-નિર્દેશક જીએમ કુમાર અને ઈન્ડસ્ટ્રી ટ્રેકર રમેશ બાલા એ થોડાક સેલિબ્રિટીઓમાં સામેલ છે જેમણે સમાચારની પુષ્ટિ કરી છે. તેણે ટ્વિટર પર તેના ફોલોઅર્સ સાથે આ દુઃખદ સમાચાર શેર કર્યા છે. આ સાથે તમામ સાઉથ સેલેબ્સ અને ફેન્સ સોશિયલ મીડિયા પર મનોબાલાના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યા છે.
મનોબાલાએ 450થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું
તમને જણાવી દઈએ કે મનોબાલા તેમની કોમેડી ટાઈમિંગ અને સેલ્ફ-ડિપ્રેકેટીંગ હ્યુમર માટે જાણીતા હતા. તેમની 35 વર્ષની કારકિર્દીમાં તેમણે 450થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે. મનોબાલાએ 1979માં ભારતીરાજાની પુથિયા વરપુગલ સાથે અભિનયની શરૂઆત કરી હતી.વર્ષો દરમિયાન તેમણે ફિલ્મોમાં સહાયક ભૂમિકાઓ ભજવી. તેમની છેલ્લી ઓન-સ્ક્રીન હાજરી કાજલ અગ્રવાલની ઘોસ્ટીમાં હતી.
મનોબાલાએ ઘણી ફિલ્મોનું નિર્દેશન કર્યું હતું
મનોબાલાએ 1982માં 'અગયા ગંગાઈ'થી દિગ્દર્શક તરીકેની શરૂઆત કરી અને લગભગ 25 ફિલ્મોનું દિગ્દર્શન કર્યું. તેમની કેટલીક લોકપ્રિય ફિલ્મોમાં 'પિલ્લઈ નીલા', 'ઓરકાવલન', 'એન પુરૂષાન્થન એનાક્કુ મટ્ટુમથન', 'કરુપ્પુ વેલ્લાઈ', 'મલ્લુ વેટ્ટી માઈનોર' અને 'પરંબરીયમ'નો સમાવેશ થાય છે.
સિરિયલોમાં અભિનય ઉપરાંત તેણે ઘણા ટીવી શોનું નિર્દેશન પણ કર્યું હતું. તેણે પ્રોડ્યુસર તરીકે પણ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું નામ બનાવ્યું. તે 2022માં 'કુકુ વિથ કોમલી'માં સ્પર્ધક તરીકે જોવા મળ્યા હતા.