Ahmedabad: અમદાવાદના લોકોની વધી મુશ્કેલી, આટલા દિવસ શાહીબાગ અંડરપાસ બંધ કરવાનો નિર્ણય
સુભાષ બ્રિજ બંધ હોવાથી આ રસ્તા પર પહેલેથી જ ટ્રાફિકનું ભારણ વધી ગયું છે. તેવામાં હવે વધુ વાહનો ડાયવર્ટ કરાતા ચક્કાજામ સર્જાશે.

અમદાવાદના શહેરીજનોની મુશ્કેલીમાં વધારો થયો છે. હવે શાહીબાગ અંડરપાસ પણ એક સપ્તાહ માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. સુભાષ બ્રિજ અને ગિરધરનગર બ્રિજ પહેલેથી જ બંધ છે તેવામાં હવે બુલેટ ટ્રેનની કામગીરી માટે આગામી 5થી 12 જાન્યુઆરી સુધી શાહીબાગ અંડરપાસ પણ બંધ રાખવામાં આવશે. એરપોર્ટ, ગાંધીનગરથી શાહીબાગ વચ્ચેના ત્રણેય મુખ્ય બ્રિજ એક સાથે બંધ કરાતા હવે દિલ્હી દરવાજા તરફ જતા વાહનચાલકોને કયા રસ્તે જવું? તે પ્રશ્ન ઉભો થયો છે.
બુલેટટ્રેનની કામગીરી માટે આગામી પાંચ તારીખથી આઠ દિવસ સુધી શાહીબાગ અંડરપાસ વાહનવ્યવહાર માટે બંધ રાખવામાં આવશે. પ્રશાસન તરફથી એરપોર્ટ, ગાંધીનગરથી શાહીબાગ દિલ્હી દરવાજા, કાલુપુર તરફ જતા વાહનચાલકોને ડફનાળા રિવરફ્રન્ટ થઈ શિલાલેખ સોસાયટી તરફના રસ્તે ડાયવર્ટ કરાશે. સુભાષ બ્રિજ બંધ હોવાથી આ રસ્તા પર પહેલેથી જ ટ્રાફિકનું ભારણ વધી ગયું છે. તેવામાં હવે વધુ વાહનો ડાયવર્ટ કરાતા ચક્કાજામ સર્જાશે. તેમજ રિક્ષા, બસ જેવા વાહનો રિવરફ્રન્ટ પર પ્રતિબંધિત હોય તેમના માટે કોઈ વૈકલ્પિક માર્ગ દર્શાવાયો નથી. ઉપરાંત દિલ્હી દરવાજા તરફ જતી સિટી બસના રૂટમાં પણ ફેરફાર કરાતા લોકોની હાલાકી વધી શકે છે.
બુલેટ ટ્રેનની કામગીરી માટે આગામી પાંચ તારીખથી આઠ દિવસ સુધી શાહીબાગ અંડરપાસ વાહનવ્યવહાર માટે બંધ રાખવામાં આવશે. જો કે તંત્ર દ્વારા એરપોર્ટ, ગાંધીનગરથી શાહીબાગ દિલ્હી દરવાજા, કાલુપુર તરફ જતા વાહનચાલકોને ડફનાળા રિવરફ્રન્ટ થઈ શિલાલેખ સોસાયટી તરફના રસ્તે ડાયવર્ટ કરાશે.
અમદાવાદનો વધુ એક બ્રિજ તોડી પડાશે
અમદાવાદના ઔદ્યોગિક હબ ગણાતા વટવા GIDC વિસ્તારમાં મુસાફરી કરતા વાહનચાલકો માટે મહત્ત્વના સમાચાર છે. ખારીકટ કેનાલ પર આવેલો વર્ષો જૂનો મચ્છુનગર બ્રીજ જર્જરિત થઈ જતાં તેને તોડીને નવો બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બાંધકામ પ્રક્રિયા દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડીને આગામી 6 મહિના માટે આ માર્ગ બંધ રાખવા અને વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ માટે પહેલી જાન્યુઆરીથી 30મી જૂન 2026 સુધી તમામ પ્રકારના નાના-મોટા વાહનો માટે અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.





















