પ્રતિક ગાંધીની નવી ગુજરાતી ફિલ્મ 'વ્હાલમ જાઓ ને' પર પ્રેક્ષકો વરસાવી રહ્યા છે વ્હાલ
તાજેતરમાં રિલિઝ થયેલી ગુજરાતી ફિલ્મ 'વ્હાલમ જોઓ ને' એ એક પ્રેમી પંખીડા કહાની છે. જેમાં પ્રતિક ગાંધી સંગીતકારની ભૂમિકામાં છે
Prateek Gandhi: તાજેતરમાં રિલિઝ થયેલી ગુજરાતી ફિલ્મ 'વ્હાલમ જોઓ ને' એ એક પ્રેમી પંખીડા કહાની છે. જેમાં પ્રતિક ગાંધી સંગીતકારની ભૂમિકામાં છે, તો તેની પ્રેમિકા દીક્ષા જોશી છે ફેશન ડિઝાઇનર. ધનાઢ્ય પિતાની એકની એક દીકરી દીક્ષા તેના પ્રેમી પ્રતિક માટે એટલી પઝેસિવ છે કે ચાર વર્ષની તેમની લવ સ્ટોરી દરમિયાન ચાર વાર આપઘાતનો પ્રયાસ કરી ચૂકી છે. આખરે વાત તેમના લગ્નની વાત સુધી પહોંચે છે. એક દિવસ દીક્ષા જોશીના પિતા ટીકુ તલસાણીયા અમેરિકાથી ભાવિ જમાઇને મળવા માટે અમદાવાદ આવે છે. તેમની ઈચ્છા છે કે તેઓ પ્રતિકના માતા-પિતાને પણ મળે. પરંતુ પ્રતિકને તેના માતા-પિતાને મળાવવામાં એક મોટો પ્રોબલમ છે. આ પ્રોબલમનું સોલ્યુશન લાવવા માટે તે એક નાટક કરે છે. ત્યારબાદ શું થાય છે તે જોવા માટે થિયેટરમાં જવું પડશે.
આ તો વાત થઇ ફિલ્મની કથાની. જે લખી છે બોલિવુડના જાણીતા લેખક રાહુલ પટેલે. 'વ્હાલમ જોઓ ને' ફિલ્મની પટકથા અને સંવાદ પણ રાહુલ પટેલે જ લખ્યા છે. ફિલ્મનો પ્લસ પોઇટ્સ છે તેના રમુજી સંવાદો. જે પ્રેક્ષકોને પેટ પકડાવી હસાવવાની ખાતરી આપે છે. ફિલ્મ શરૂઆતથી જ ભરપૂર મનોરંજન કરે છે અને ઈન્ટરવલ બાદ તો વધારે મજેદાર થાય છે. ફિલ્મનો ક્લાઈમેક્સ પણ જબરદસ્ત છે. મીમ્સ અને વન લાઈનર્સનો સારી રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે. ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે હાર્દિક ગજ્જરે. દિગ્દર્શનમાં હાર્દિક ગજ્જરની કોમેડી સેન્સ ખૂબ સરસ રીતે દેખાઈ આવે છે.
ફિલ્મના અન્ય કલાકારો છે સંજય ગોરડિયા, જયેશ મોરે, ઓજસ રાવલ, કેવિન દવે, કિંજલ પંડ્યા, બિંદા રાવલ અને પ્રતાપ સચદેવ. પ્રતિક ગાંધી પોતાના રોલમાં પરફેક્ટ જોવા મળે છે. તો દીક્ષા જોશીએ મજેદાર કોમેડીમાં તેને પૂરતો સાથ આપ્યો છે. સંજય ગોરડિયા હંમેશાની જેમ શાનદાર રોલમાં જોવા મળ્યા. જ્યારે જયેશ મોરેએ પોલીસ ઇન્સ્પેક્ટરનો રોલ બખૂબી નિભાવ્યો છે. બાકી કલાકારોએ પણ સારું કામ કર્યું છે. ફિલ્મનું સંગીત આપ્યું છે હિંદી ફિલ્મોના સફળ સંગીતકાર સચિન-જીગરે. મ્યૂઝિક ફિલ્મની ગતિને આગળ વધારે છે. જેમાં 'ચોરી લઉ' એક ઇન્ટેન્સ રોમેન્ટિક સોંગ ખૂબ લોકપ્રિય થયું છે. જ્યારે 'મૂરતિયો મૂડમાં નથી' ગીત સંગીતના ચાહકોને ડાન્સ ફ્લોર પર લાવવા મજબૂર કરી દે તેવું છે. જો તમે કંઈક મજેદાર જોવા માગો છો, તો આ ફિલ્મની ટિકિટ ખરીદી શકો છો.