Ahmedabad: ગુજરાત હાઇકોર્ટના ઇતિહાસમાં સૌ પ્રથમવાર બની ચોંકાવનારી ઘટના, ચાલું સુનાવણીએ દંપત્તિ સહિત 4 લોકોએ ફિનાઈલ પી લેતા ચકચાર
અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટના ઇતિહાસમાં સૌ પ્રથમવાર કોઇ કેસની સુનાવણી ચાલી રહી હોય અને ફરિયાદીએ ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોય.
અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટના ઇતિહાસમાં સૌ પ્રથમવાર કોઇ કેસની સુનાવણી ચાલી રહી હોય અને ફરિયાદીએ ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોય. હકિકતમાં આ ઘટના ગુરુવારના રોજ બની જ્યારે એક દંપતી સહિતના લોકોએ ફિનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો. ફિનાઇલ પીધા બાદ આ લોકોની તબિયત લથડતાં પોલીસે તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી બાજુની સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા.
આ સમગ્ર કેસને લઈને પોલીસે તપાશ શરુ કરી
તો બીજી બીજી બાજુ, એકસાથે ચાર જણાંએ ચાલુ કોર્ટ રૂમમાં ફિનાઇલ પીવાની ઘટનાને લઇ કોર્ટ રૂમમાં વકીલો અને પક્ષકારો સહિત સૌ કોઇ ચોંકી ગયા હતા. વકીલો દૂર હટી ગયા હતા. ઘટના બાદ જસ્ટિસ નિર્ઝર દેસાઇ પણ કોર્ટ છોડીને જતા રહ્યા હતા અને કોર્ટની કાર્યવાહી સ્થગિત કરી દેવાઈ હતી. હવે આ સમગ્ર કેસને લઈને પોલીસે તપાશ શરુ કરી છે.
કોર્ટમાં ફિનાઇલ પી આત્મહત્યાનો પ્રયાસ કરાયો
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના નિકોલ વિસ્તારમાં કેશવ પ્રિય હોમ્સમાં રહેતા શૈલેષ ઇશ્વરભાઇ પંચાલ, તેમના પત્ની જયશ્રીબેન પંચાલ, ઘાટલોડિયા વિસ્તારમાં ઉમિયાનગર ખાતે રહેતા હાર્દિક અમરતભાઇ પટેલ અને ચાંદખેડાની શુભલક્ષ્મીનગર સોસાયટી ખાતે રહેતા મનોજ નાથુભાઇ વૈષ્ણવ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં જસ્ટિસ નિર્ઝર દેસાઇની કોર્ટમાં ફિનાઇલ પી આત્મહત્યાનો પ્રયાસ કરાયો હતો. જે બાદ પોલીસે ફિનાઇલની બોટલ, ઢાંકણું, ચપ્પલ સહિતની વસ્તુઓ કબ્જે કરી પંચનામાની કાર્યવાહી હાથ ધરી હતી.
દંપતીએ આનંદનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી
આ અંગે મળેલી પ્રાથમિક વિગતો પ્રમાણે ફિનાઇલ પી આત્મહત્યાનો પ્રયાસ કરનારા લોકોએ કલર મર્ચન્ટ કો.ઓ.બેંકમાંથી લોન લીધી હતી પરંતુ બેંક મેનેજર અને લોન કન્સલ્ટન્ટ સહિતના લોકોએ એકબીજાના મેળાપીપણામાં લોનના નાણાં બારોબાર ઉપાડી લેતા દંપતીએ આનંદનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
આરોપીઓના આગોતરા જામીન મંજૂર થતા દંપત્તિએ ભર્યું આ પગલું
જેમાં લોન કન્સલ્ટન્ટ ચિંતન શાહ, જનરલ મેનેજર કિન્નરભાઇ અને મેનેજર અતુલ શાહના નામ હતા. જે કેસમાં આરોપીઓના આગોતરા જામીન મંજૂર થઇ જતાં ફરિયાદપક્ષના લોકોને લાગી આવતાં તેઓએ ચાલુ કોર્ટ રૂમમાં હીયરીંગ દરમ્યાન ફિનાઇલ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને લઈને ખળભળાટ મચી ગયો હતો. ગણતરીની મીનિટમો બનેલી આ ઘટનાથી સૌ કોઈ ચોંકી ગયા હતા.