અમદાવાદમાં 74 દીક્ષાર્થીઓની શાહી વર્ષીદાન યાત્રા રવિવારે યોજાશે
સુરતના શાંતિવર્ધક જૈન સંઘ પાલ ખાતે સૂરિ જિન સંયમ કૃપા પાત્ર જૈનાચાર્ય યોગતિલક સૂરિશ્વરજીની નિશ્રામાં એક સાથે 74 મુમુક્ષો દીક્ષા લઇ રહ્યા છે.
સુરતના શાંતિવર્ધક જૈન સંઘ પાલ ખાતે સૂરિ જિન સંયમ કૃપા પાત્ર જૈનાચાર્ય યોગતિલક સૂરિશ્વરજીની નિશ્રામાં એક સાથે 74 મુમુક્ષો દીક્ષા લઇ રહ્યા છે. આ તમામ મુમુક્ષુઓ 29 નવેમ્બરે વેસુ ખાતે દીક્ષા લઈ સંયમના માર્ગે જશે. આ પહેલા 24 ઓક્ટોબર એટલે આગામી રવિવારે અમદાવાદમાં તમામ 74 દીક્ષાર્થીઓનો શાહી શોભાયાત્રા યોજાશે. આ યાત્રાનો આરંભ મુખ્ય મંત્રી ભુપેંદ્રભાઈ પટેલ કરાવશે.
જૈન ધર્મમાં દીક્ષા સર્વોપરી ગણાય છે ત્યારે સુરત શહેરમાં આગામી 29 નવેમ્બરે જૈન સમાજના 74થી વધુ મુમુક્ષુરત્નો દીક્ષા ગ્રહણ કરીને સંયમના માર્ગે નીકળવાના છે. 74 મુમુક્ષુઓના ભાગ્યયોગે પ્રભુવીરનું લંછન સિંહનું હતું. તેથી આ મહોત્સવનું નામ પણ સિંહસત્વોસવ છે. પૂજ્ય મુક્તિપ્રભસૂરીશ્વરજી મહારાજ, પૂજ્ય યોગતિલક સૂરિશ્વરજી મહારાજ, પૂજ્ય તપોરત્નસૂરિશ્વરજી મહારાજની નિશ્રામાં દીક્ષા સમારોહ યોજાવાનો છે.
જેમાં હિંમતનગરના ભાવેશ ગીરીશભાઈ ભંડારીની 19 વર્ષીય દીકરી વિશ્વાકુમારી અને 16 વર્ષીય પુત્ર ભવ્ય તમામ સુખ-વૈભવનૌ ત્યાગ કરીને સંયમનો માર્ગ અપનાવશે. ભવ્ય ભંડારી કબડ્ડી અને ફૂટલોલમાં નેશનલ કક્ષાનો ખેલાડી રહ્યો છે. જ્યારે વિશ્વાને પણ ઊચ્ચ અભ્યાસના અભરખા હતા. પરંતુ આ ભાઈ-બહેનનું જીવન આધ્યાત્મસમ્રાટશ્રીના વ્યાખ્યાને બદલી નાખ્યું. દરેક મુમુક્ષુની આવી જ રસપ્રદ કહાની છે.
આ તમામ 74 મુમુક્ષુરત્નોની રવિવાર એટલે કે 24 ઓક્ટોબરે અમદાવાદમાં શાહી વર્ષીદાન યાત્રા નીકળશે. આ યાત્રા અમદાવાદના સુમતિનાથ જિનાલાયથી ઋજુવાલિકા ફ્લેટથી સત્યવાદી સોસાયટી થઇ પંચશીલ રેસીડેન્સી પહોંચશે.
અહીંથી તલાવડી થઇ નારણપુરા રેલવે ક્રોસિંગ થઇને ડી.કે.પટેલ હોલ સુધી યોજાશે. 27 ઓક્ટોબરે પણ આ તમામ દીક્ષાર્થીઓનો વર્ષીદાનનો વરઘોડો હિંમતનગર શહેરમાં યોજાશે. જેને લઈ જૈન સમાજમાં ઉત્સાહનો માહોલ છે.