(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાત કોંગ્રેસના ક્યા ધારાસભ્યનો ગાળાગાળી કરતો વીડિયો થયો વાયરલ ? ધારાસભ્યે પોતાનો વીડિયો હોવાનુ સ્વીકાર્યું પણ......
વીડિયોમાં આરટીઆઈ એક્ટિવિસ્ટને ગાળાગાળી કરીને કહેતા સંભળાય છે કે, આ લોકો બોગસ માણસો છે અને આરટીઆઈ કરીને ફેક્ટરીવાળાને હેરાન કરે છે.
અમદાવાદઃ અમદાવાદના જમાલપુર વિધાનસભાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો ગાળાગાળી કરતો એક વીડિયો વાયરલ થયો છે. ખેડાવાલા વીડિયોમાં આરટીઆઈ એક્ટિવિસ્ટને ગાળાગાળી કરીને કહેતા સંભળાય છે કે, આ લોકો બોગસ માણસો છે અને આરટીઆઈ કરીને ફેક્ટરીવાળાને હેરાન કરે છે. 50 હજાર, લાખ અને 5 લાખ રૂપિયા માગે છે. ખેડાવાલા એમ પણ આગળ કહે છે કે, હું એમની સામે ખંડણીનો કેસ કરવાનો છું. આ લોકો ફેકટરીઓ અને ઈન્ડસ્ટ્રીઝવાળાને હેરાન કરે છે.
ખેડાવાલાએ મીડિયા સાથેની વાતચીતમાં દાવો કર્યો કે, આરટીઆઈ એક્ટિવિસ્ટો દ્વારા માહિતી માગવાના નામે તોડબાજી કરવામાં આવે છે તેથી પોતે ગુસ્સે થયા હતા. ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાએ જણાવ્યું હતું કે, RTI એક્ટિવિસ્ટ લોકો પ્રોટેક્શન મની માગે છે. આ યુપી બિહાર નથી કે પ્રોટેક્શન મની આપવાના હોય, આ ગુજરાત છે.
તેમણે વીડિયોમાં પોતાનો અવાજ હોવeનું સ્વીકાર્યું છે છે. સાથે સાથે દાવો કર્યો કે, RTI એક્ટિવિસ્ટો ફેકટરી માલિકોને ત્રાસ આપવાનું કામ કરે છે તેથી પોતે ગુસ્સે થયા હતા. ખેડાવાલાએ કહ્યું કે, આ લોકો RTI કરી અને તોડબાજી કરે છે. તેઓ પ્રોટેક્શન મની માગે છે. આ ગુજરાત છે અને ગુજરાતમાં તો વેપારી ધંધો કરે છે પરંતુ આ પ્રકારના લોકો માનસિક ત્રાસ આપે છે. આ મોટું ષડયંત્ર છે અને RTIના નામે પૈસા ઉઘરાવાય છે. કોઈપણ વ્યક્તિ બિલ્ડીંગ બનાવતો હોય, બાંધકામ કરતો હોય તેની માહિતી માગે છે.
ખેડાવલાના કહેવા પ્રમાણે, મારા વિધાનસભા વિસ્તારમાં બહેરામપુરા વિસ્તારમાં ચેપી રોગ હોસ્પિટલ પાસે આવેલી ટેક્સટાઇલ ઈન્ડસ્ટ્રીઝની ફેકટરીઓ ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ છેલ્લા 10 દિવસથી બંધ છે. તેમણે સ્વૈચ્છિક કીતે ફેક્ટરીઓ એક મહિના સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે. પરંતુ RTI કરી માહિતી મેળવનારા લોકો ખોટી રીતે ત્યાં ટોળા લઈ જઈને ફેકટરીઓ ચાલુ છે એવા દાવા કરે છે. ગઈકાલે પણ આ જ રીતે બધા RTIવાળા ત્યાં હાજર હતા અને અધિકારીઓ સાથે બોલાચાલી કરવા લાગ્યા હતા તેથી હું ગુસ્સે થયો હતો.
RTI કાયદો એના માટે બનાવ્યો છે કે તમારું કોઈ સાંભળતું ન હોય તો તમે RTI કરી અને માહિતી માંગી શકો છો. રહેતા અન્ય જગ્યાએ હોય અને બીજે જગ્યાની માહિતી માગે છે. આ આખું કૌભાંડ ચાલે છે.