અમદાવાદમાં મોટી દુર્ઘટના: બોપલમાં 7મા માળેથી 10 મજૂર પટકાયા, 2ના કરુણ મોત; AMCની મંજૂરી વિના ચાલતું હતું કામ
Ahmedabad construction mishap: આ દુર્ઘટના સાઉથ બોપલના વિશ્વકુંજ-2 એપાર્ટમેન્ટમાં VS જ્વેલર્સના હોર્ડિંગ્સ લગાવતી વખતે થઈ હતી.

South Bopal accident: અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં આવેલા વિશ્વકુંજ-2 એપાર્ટમેન્ટમાં રવિવારે (28 સપ્ટેમ્બર)ના રોજ હોર્ડિંગ્સ લગાવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ, જેમાં 2 મજૂરોના કરુણ મોત થયા છે. આ કામગીરી દરમિયાન 7મા માળેથી કુલ 10 મજૂરો નીચે પટકાયા હતા, જેમાંથી રાજ અને મહેશ નામના બે યુપીના મજૂરોના મોત થયા છે, જ્યારે રવિ નામનો એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે હોર્ડિંગ વીજળીના થાંભલાના વાયરને અડી જતાં બ્લાસ્ટ થયો હતો અને તેના કારણે આ અકસ્માત થયો હતો. આ ઉપરાંત, આ હોર્ડિંગ્સ લગાવવા માટે AMCના એસ્ટેટ વિભાગની કોઈ મંજૂરી લેવામાં આવી નહોતી, જેના કારણે એડ એજન્સી અને સોસાયટી સામે તપાસના આદેશ અપાયા છે.
વીજળીના વાયરને અડકતાં બ્લાસ્ટ, 10 મજૂર પટકાયા
આ દુર્ઘટના સાઉથ બોપલના વિશ્વકુંજ-2 એપાર્ટમેન્ટમાં VS જ્વેલર્સના હોર્ડિંગ્સ લગાવતી વખતે થઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર, વિશ્વકુંજ એજન્સી દ્વારા એડ એજન્સી અને સોસાયટી વચ્ચે રેન્ટ એગ્રીમેન્ટના આધારે આ કામગીરી શરૂ કરવામાં આવી હતી.
7મા માળની ઊંચાઈ પર 25 ફૂટ બાય 10 ફૂટની સાઇઝનું હોર્ડિંગ્સ લગાવવાનું કામ ચાલી રહ્યું હતું, ત્યારે અચાનક હોર્ડિંગ્સ વીજળીના થાંભલાના વાયરને અડકી ગયું, જેના કારણે મોટો બ્લાસ્ટ થયો. આ બ્લાસ્ટના આંચકાને કારણે કામ કરી રહેલા તમામ 10 મજૂરો નીચે પટકાયા હતા. દુર્ઘટના એટલી ગંભીર હતી કે વીજળીના થાંભલાના વાયર પણ તૂટી ગયા હતા અને હોર્ડિંગ્સ નીચે રાખેલી ગાડીઓ પર પણ તૂટી પડ્યું હતું.
2 શ્રમિકના મોત, 1 ગંભીર રીતે ઘાયલ
આ દુર્ઘટનામાં કુલ 10 મજૂરો પટકાયા હતા, જેમાંથી રાજ અને મહેશ નામના બે શ્રમિકોના કરુણ મોત થયા છે. અન્ય એક વ્યક્તિ રવિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેને તાત્કાલિક સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. આ તમામ મજૂરો ઉત્તર પ્રદેશ (UP)ના રહેવાસી હતા.
અમદાવાદ ગ્રામીણ DYSP નીલમ ગોસ્વામીએ ઘટનાની પુષ્ટિ કરી છે અને જણાવ્યું છે કે બોપલ પોલીસ સ્ટેશન ખાતે આ અંગે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવી છે.
AMCની મંજૂરી વિનાનું ગેરકાયદેસર કામ
પોલીસ તપાસમાં એક ગંભીર બાબત સામે આવી છે કે આ હોર્ડિંગ્સ લગાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની કોઈ મંજૂરી લેવામાં આવી નહોતી. શહેરમાં કોઈપણ સ્થળે હોર્ડિંગ્સ લગાવવા માટે કોર્પોરેશનની પરવાનગી ફરજિયાત હોય છે.
તંત્ર દ્વારા હવે એડ એજન્સીએ મજૂરોને કામ પર મોકલતી વખતે સેફ્ટી (સલામતી)ના નિયમોનું પાલન કર્યું હતું કે નહીં, તેમજ હોર્ડિંગ્સનું સ્ટેબિલિટી સ્ટ્રક્ચર (સ્થિરતા માળખું) નિયમો અનુસાર હતું કે નહીં, તે તમામ પાસાઓ પર તપાસ કરીને જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે.





















