રાજ્યની મહાનગરપાલિકાઓ ફરતે બનશે નવા રિંગ રોડ, ગુજરાત સરકારે ₹200 કરોડ ફાળવ્યા
આ યોજના હેઠળ, શહેરોની આસપાસ ગ્રીન રિંગ રોડ બનાવવામાં આવશે, જે પર્યાવરણને અનુકૂળ અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને નિર્માણ પામશે. આ પ્રોજેક્ટ માટે સરકારે ₹200 કરોડની બજેટ જોગવાઈ કરી છે.

Gujarat ring roads project: ગુજરાત સરકારે રાજ્યની મહાનગરપાલિકાઓ માટે મુખ્યમંત્રી ગ્રીન રિંગ રોડ વિકાસ યોજનાની કાર્યપદ્ધતિ (SOP) જાહેર કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) દ્વારા મંજૂર થયેલી આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરોમાં વધતા જતા ટ્રાફિકના ભારણને ઘટાડીને સુવ્યવસ્થિત અને કાર્યક્ષમ રોડ નેટવર્ક ઊભું કરવાનો છે. આ યોજના હેઠળ, શહેરોની આસપાસ ગ્રીન રિંગ રોડ બનાવવામાં આવશે, જે પર્યાવરણને અનુકૂળ અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને નિર્માણ પામશે. આ પ્રોજેક્ટ માટે સરકારે ₹200 કરોડની બજેટ જોગવાઈ કરી છે.
ગ્રીન રિંગ રોડ વિકાસ યોજનાના મુખ્ય ઉદ્દેશ્યો
આ યોજનાનો મુખ્ય હેતુ શહેરી વિકાસની સાથે પર્યાવરણનું પણ રક્ષણ કરવાનો છે. આ માટે નીચેના ઉદ્દેશ્યોને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે:
- ટ્રાફિક વ્યવસ્થાપન: શહેરના કેન્દ્રમાં પ્રવેશ્યા વિના વિવિધ વિસ્તારો વચ્ચે ઝડપી કનેક્ટિવિટી પૂરી પાડવી, જેથી શહેરના મુખ્ય માર્ગો પરથી ટ્રાફિકનું ભારણ ઓછું થાય.
- ક્લાઇમેટ રિઝિલિઅન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર: અદ્યતન અને સ્માર્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને વાતાવરણમાં થતા ફેરફારો સામે ટકી શકે તેવું મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું.
- પર્યાવરણલક્ષી નિર્માણ: રોડ નિર્માણમાં ગ્રીન-ક્લીન કન્સ્ટ્રક્શન ટેકનોલોજી અને રિસાયકલ કરેલી સામગ્રીનો મહત્તમ ઉપયોગ કરવો. SOP મુજબ, કુલ મટિરીયલના 25% રિસાયકલ કરેલી સામગ્રી વાપરવાને પ્રાધાન્ય આપવામાં આવશે.
- રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ: પ્રોજેક્ટમાં વપરાતી ઊર્જામાંથી મહત્તમ રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ થાય તેવું આયોજન કરવા મહાનગરપાલિકાઓને સૂચન કરવામાં આવ્યું છે.
યોજનાનો અમલ અને ટેકનિકલ પાસાઓ
આ યોજનાના અમલ માટે, મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ અનુભવી અને કુશળ તજજ્ઞોની એક સલાહકાર સમિતિ (એડવાઈઝરી કમિટી)ની રચના કરવામાં આવી હતી, જેણે આ SOP તૈયાર કરી છે. આ કમિટીની ભલામણોને આધારે, રોડ નિર્માણ દરમિયાન નીચેની બાબતોને આવરી લેવામાં આવી છે:
- વ્યવસ્થિત ડિઝાઇન: કેરેજ-વે, મીડિયન, શોલ્ડર્સ, અને ડ્રેનેજ સિસ્ટમનું વૈજ્ઞાનિક પદ્ધતિથી આયોજન.
- વરસાદી પાણીનું વ્યવસ્થાપન: રોડ પર વરસાદી પાણીના નિકાલ અને વ્યવસ્થાપન માટેની સુવિધાઓનો સમાવેશ.
- વૃક્ષારોપણ: રોડની આસપાસ પર્યાવરણને અનુકૂળ વૃક્ષોનું વાવેતર કરીને શહેરી સૌંદર્યમાં વધારો કરવો.
- ટ્રાફિક અને સલામતી: સ્માર્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ અને રોડ સલામતી સુવિધાઓનો અમલ.
દરેક પ્રોજેક્ટના અમલીકરણ પહેલા, તેના ડી.પી.આર. (ડિટેઈલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ) ની ટેકનિકલ અને પર્યાવરણને લગતી સમીક્ષા ફરજિયાતપણે હાથ ધરવામાં આવશે.





















