Demolition: અમદાવાદના ચંડોળા તળાવને ‘મીની બાંગ્લાદેશ’ બનાવનાર લલ્લા બિહારી રાજસ્થાનથી ઝડપાયો
Demolition: લલ્લા બિહારીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનથી ઝડપ્યો હતો.

Demolition: છેલ્લા બે દાયકામાં અમદાવાદના ચંડોળા તળાવને ‘મીની બાંગ્લાદેશ’ બનાવનાર લલ્લા બિહારીની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનથી અટકાયત કરી હતી. ક્રાઈમ બ્રાન્ચે લલ્લા બિહારીને રાજસ્થાનથી ઝડપી પાડ્યો હતો. લલ્લા બિહારી મૂળ રાજસ્થાનના અજમેરનો વતની હતો. ચંડોળા તળાવમાં ડિમોલિશનની કામગીરી શરૂ થાય તે અગાઉ તે ફરાર થઇ ગયો હતો. ક્રાઈમ બ્રાન્ચની ટીમ તેને પકડવા રાજસ્થાન ગઈ હતી. અંતે ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી હતી. ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછમાં લલ્લા બિહારી અનેક મોટા ખુલાસા કરે તેવી શક્યતા છે.
લલ્લા બિહારીના ઘરે સર્ચ ઓપરેશન
મળતી જાણકારી અનુસાર, ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચંડોળાને મીની બાંગ્લાદેશ બનાવનાર લલ્લા બિહારીના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. દરમિયાન રોકડ રકમ, સોના-ચાંદીના દાગીના મળી આવ્યા હતા. અંદાજે 9 લાખ 50 હજારની રોકડ તથા સોના ચાંદીના દાગીના ઉપરાંત હિસાબના ચોપડા પણ મળી આવ્યા હતા. બેન્કની પાસબુક સહિતના દસ્તાવેજો હાથ લાગ્યા હતા.
ચારેય પત્ની અલગ અલગ ઘરોમાં રહે છે
આરોપી લલ્લા બિહારીના ચાર મકાન અને ગોડાઉન પર અલગ અલગ ટીમો બનાવી તપાસ કરવામાં આવી હતી. લલ્લા બિહારીની ચાર પત્ની છે અને ચારેય પત્ની અલગ અલગ ઘરોમાં રહે છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ ચારેય પત્નીના ઘરે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. લલ્લા બિહારીની પ્રથમ પત્ની જમીલાબાનું, બીજી પત્ની ફિરોઝાબાનુ, ત્રીજી પત્ની તમ્મન, ચોથી પત્ની રુક્ષાનાબાનુના ઘરે ક્રાઈમ બ્રાન્ચે સર્ચ શરૂ કર્યું હતું. પોલીસે દાણીલીમડાની નુરેઅહેમદી સોસાયટી, મુખી ચેમ્બર ફ્લેટ, ઈસનપુરની રફીક હોટલ અને ઇસનપુર ખાતે આવેલ ગોડાઉન સહિતના વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. દાણીલીમડાના મકાનમાં પૈસા ગણવાનું મશીન પણ મળી આવ્યું હતુ. ઉપરાંત ભાડા કરાર, ભાડાની રસીદો, ફાર્મ હાઉસ અને મકાનોના ડોક્યુમેન્ટનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. લલ્લા બિહારીના ઘરમાંથી થેલીઓ ભરીને ડોક્યુમેન્ટ જપ્ત કરાયા હતા.
નોંધનીય છે કે, વિપક્ષના નેતા સહેઝાદખાન પઠાણે ગંભીર આરોપ લગાવતા જણાવ્યું છે કે લલ્લા બિહારીને પ્રશાસન દ્વારા છાવરવામાં આવ્યો હતો, જેના કારણે તે મોટો ગુનેગાર બન્યો. તેમણે માહિતી આપતા જણાવ્યું કે વર્ષ 2021 અને 2023માં ચંડોળા તળાવના દબાણ અંગે પોલીસ અને કલેક્ટરને લેખિત ફરિયાદ કરવામાં આવી હતી. આ ફરિયાદમાં લલ્લા બિહારી ઉપરાંત ગની પથ્થરવાળા અને હુસૈન ઉર્ફે કાલુના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. વિપક્ષના નેતાએ આરોપ મૂક્યો છે કે લલ્લા બિહારી દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરીને તેને ભાડે આપવામાં આવી રહ્યું છે. સહેઝાદખાન પઠાણે માંગણી કરી છે કે આ સમગ્ર મામલે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવવી જોઈએ અને લલ્લા બિહારી સામે કડક કાર્યવાહી થવી જોઈએ.





















