અમદાવાદમાં જોવા મળ્યા ફિલ્મી દ્રશ્યો, PIની રિવોલ્વર છીનવી ભાગતા આરોપી પર પોલીસનું ફાયરિંગ
Ahmedabad News: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક કુખ્યાત ગુનેગાર સંગ્રામ સિકરવારને પકડ્યા બાદ તેને કસ્ટડી દરમિયાન ગોળી મારવાની ઘટના સામે આવી છે.

Ahmedabad News: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક કુખ્યાત ગુનેગાર સંગ્રામ સિકરવારને પકડ્યા બાદ તેને કસ્ટડી દરમિયાન ગોળી મારવાની ઘટના સામે આવી છે. સંગ્રામ સિકરવાર, જેનો ગુનાહિત ઇતિહાસ ઘણો લાંબો છે, તેણે પોલીસ જાપ્તામાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જેના પરિણામે પોલીસે આ પગલું ભર્યું.
શું હતી ઘટના?
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે રામોલ વિસ્તારમાં લૂંટ અને અપહરણના કેસમાં આરોપી સંગ્રામ સિકરવારને રાજસ્થાનથી ઝડપી પાડ્યો હતો. જે બાદ આરોપીને અન્ય સ્થળે ખસેડતી વખતે અમદાવાદના રિવરફ્રન્ટ પર તેણે પોલીસની ગાડીમાં PI (પોલીસ ઇન્સ્પેક્ટર)ની પિસ્ટલ છીનવી લીધી.
આરોપીએ પોલીસ ટીમ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો
જ્યારે આરોપીએ પોલીસ ટીમ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો અને ભાગવા લાગ્યો, ત્યારે PI શક્તિસિંહ દ્વારા તેને રોકવા માટે તેના પગના ભાગે ગોળી ચલાવવામાં આવી. આ પગલું આત્મરક્ષણ અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ભરવામાં આવ્યું હતું.
પોલીસનો કાફલો સિવિલ હોસ્પિટલે પહોંચ્યો
ગોળી વાગતા સંગ્રામ સિકરવાર ઘાયલ થયો અને તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલના E-3 સ્પેશિયલ રૂમમાં ખસેડવામાં આવ્યો હતો. મોડી રાત્રે DCP, ACP અને PI કક્ષાના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે અને સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા.
શું કહ્યું પોલીસે?
આ ઘટના અંગે ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી અજીત રાજીયને જણાવ્યું હતું કે, આરોપી સંગ્રામ સિકરવારે પીઆઇ એસ. જે. જાડેજાની રિવોલ્વર છીનવી હુમલો કર્યો હતો. પીઆઇ સાથે ઝપાઝપી દરમિયાન ફાયરિંગ થયું હતું. આરોપી અત્યારે સારવાર હેઠળ છે.
આરોપીનો ગુનાહિત ઇતિહાસ
સંગ્રામસિંહ રાકેશસિંહ સિકરવાર (મૂળ ગ્વાલિયર, મધ્યપ્રદેશ) સામે અમદાવાદના રામોલ વિસ્તારમાં અસમાજિક તત્ત્વો સાથે સંકળાયેલા અનેક ગુનાઓ નોંધાયેલા છે. તેના પર કુલ નવ ગુનાહિત કેસ છે, જેમાં હત્યા (IPC 302), પ્રાણઘાતક હુમલો (IPC 307), અપહરણ (IPC 365), જૂથહિંસા, ખંડણી, અને પ્રોહિબિશન એક્ટ જેવા ગંભીર ગુનાઓનો સમાવેશ થાય છે. તે સંગઠિત ગુનાહિત પ્રવૃત્તિઓ અને હિંસક સ્વભાવ માટે કુખ્યાત છે. રામોલ વિસ્તારમાં જમીન દલાલનું અપહરણ કરીને 52 લાખ રૂપિયાથી વધુની ખંડણી માગી હતી ત્યાર બાદથી તે ફરાર હતો.
હાલમાં આરોપીને સારવાર અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ચાવી રહી છે. મળતી માહિતી પ્રમાણે અત્યારે આરોપીની સ્થિતિ સ્થિર છે અને હોસ્પિટલમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આરોપીને રજા આપવામાં આવશે ત્યાર બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.





















