અમદાવાદઃ અસલાલી બારેજામાં ગેસ લીકેજ બાદ બ્લાસ્ટ થતા એક જ પરિવારના 7 સભ્યોના મોત
ઉંઘમાંથી જાગેલા સ્વજનો કંઈ સમજે તે પહેલા ફુલસિંગે લાઈટની સ્વીચ ચાલુ કરતા ગેસ બ્લાસ્ટ થયો હતો.
અમદાવાદના અસલાલી વિસ્તારના બારેજા પાસેના ગોડાઉનમાં મજૂરી કરતા શ્રમિક પરિવારના સાત સભ્યોના ગેસ બ્લાસ્ટમાં મૃત્યુ નિપજ્યા છે. 20 જુલાઈએ મધરાતે બારેજા-મહીજડા રોડ પર ફેક્ટરીના રૂમમાં રહેતા મધ્યપ્રદેશનો પરિવાર ઉંઘી રહ્યો હતો. ત્યારે જ બાજુમાં રહેતા રાજસ્થાનના ફુલસિંગે મોડી રાતે જાણ કરી હતી કે ઘરમાંથી ગેસની ગંધ આવી રહી છે.
ઉંઘમાંથી જાગેલા સ્વજનો કંઈ સમજે તે પહેલા ફુલસિંગે લાઈટની સ્વીચ ચાલુ કરતા ગેસ બ્લાસ્ટ થયો હતો. જેમાં પરિવારના નવ લોકો અને ફુલસિંગ ગંભીર રીતે દાઝ્યા હતા. જેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ ઘટનામાં પરિવારના તમામ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે આ ઘટનામાં ઇજા પામેલ 3 સભ્યોના ગઇકાલે અને આજે 4 સભ્યો એમ કુલ 7 લોકોના મૃત્યુ નિપજ્યા છે. જ્યારે હાલમાં ત્રણ લોકો સારવાર હેઠળ છે. પોલીસે પણ અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
મૃતકના નામ
1. રામપ્યારી બાઈ અહિરવાર ( ઉં. વ. 56)
2. રાજુભાઈ અહિરવાર ( ઉં. વ. 31)
3. સોનુ અહિરવાર ( ઉં. વ. 21)
4. વૈશાલી બેન અહિરવાર ( ઉં. વ. 7)
5. નિતેશ ભાઈ અહિરવાર ( ઉં. વ. 6)
6. પાયલ બેન અહિરવાર ( ઉં. વ. 4)
7. આકાશ ભાઈ અહિરવાર ( ઉં. વ. 2)
मुख्यमंत्री जी ने अहमदाबाद की फैक्ट्री में हुए हादसे पर संवेदना व्यक्त की और इसमें हताहत गुना के श्रमिकों के परिजनों को म.प्र. सरकार की ओर से 4 लाख, बच्चों के परिवार को 2 लाख देने व घायलों के नि:शुल्क इलाज की घोषणा की।
— Office of Shivraj (@OfficeofSSC) July 23, 2021
ઘટનાની જાણ થતા એમપી સરકાર પણ હરકતમાં આવી હતી. એમપીના સીએમ શિવરાજસિંહે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે વાત કરી હતી. એમપી સરકારે મૃતકના પરિજનોને ચાર ચાર લાખની સહાયની જાહેરાત પણ કરી હતી. આ દરમિયાન સ્થાનિક પોલીસે એફએસએલની મદદથી આ સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી હતી.