Gujarat Assembly Elections: અશોક ગેહલોતે ગુજરાતના ધારાસભ્યોને આપ્યો ઠપકો, જાણો AAP અંગે શું કહ્યું
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના મહિનાઓ જ બાકી રહ્યા છે ત્યારે હવે કોંગ્રેસે પણ પોતાની ગતિ વધારી છે. કોંગ્રેસ નેતા કેસી વેણુગોપાલ અને અશોક ગેહલોત આજે અમદાવાદની મુલાકાતે આવ્યા હતા.
Gujarat Assembly Elections: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના મહિનાઓ જ બાકી રહ્યા છે ત્યારે હવે કોંગ્રેસે પણ પોતાની ગતિ વધારી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ કેસી વેણુગોપાલ અને ગુજરાત કોંગ્રેસના મુખ્ય નિરીક્ષક અશોક ગેહલોત આજે અમદાવાદની મુલાકાતે આવ્યા. બંને નેતાઓએ ગુજરાત કોંગ્રેસના હોદ્દેદારો, અગ્રાનીય નેતાઓ અને ધારાસભ્યો સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં ચૂંટણી જીતવા દમખમ લગાવવાની સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું.
ધારાસભ્યો સાથે કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલી બેઠકમાં કેસી વેણુગોપાલ અને અશોક ગેહલોતે ધારાસભ્યોને ઠપકો આપ્યો હતો અને ચેતવણી પણ આપી હતી. તમામ ધારાસભ્યોને પોતાના વિસ્તારમાં સક્રિયતા વધારવા સૂચના આપવામાં આવી હતી. કે સી વેણુગોપાલે ધારાસભ્યો પાસે કામનો હિસાબ માંગ્યો હતો. લઠ્ઠાકાંડ અને મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન ન કરનારને ઠપકો પણ આપ્યો હતો. AAPને લઈ અશોક ગેહલોતે ધારાસભ્યોને ચેતવણી આપતા જણાવ્યું હતું કે, સક્રિયતા વધારો નહિ તો પતિ જશો તેવી ચેતવણી આપી હતી.
અત્યાર હાલથી જ પોતાના વિસ્તારમાં કામે લાગી જવા સૂચના આપી હતી. સંગઠન સાથેના વિવાદ ટાળવા ધારાસભ્યોને સૂચના અપાઈ હતી. સ્થાનિક સંગઠન સાથે ધારાસભ્યો વિવાદ ન કરે તેવી પણ સૂચના અપાઇ હતી. ધારાસભ્યોએ બંને નેતાઓ સમક્ષ ઉમેદવારો વહેલા જાહેર કરવાની માગણી કરી હતી. આગામી 5મી સપ્ટેમ્બરના રોજ રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવે છે. રાહુલ ગાંધીના આ પ્રવાસમાં દરેક તાલુકામાંથી હોદ્દેદાર અને કાર્યકરોને પણ રાહુલ ગાંધીને મળવવામાં આવશે તેવું પણ આજની બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે.
કોંગ્રેસના આ દિગ્ગજ મહિલા નેતાએ હર્ષ સંઘવીના રાજીનામાની કરી માંગ
કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા સુપ્રિયા શ્રીનેતના અમદાવાદ પ્રવાસે આવ્યા છે. તેમણે ડ્રગ્સ મુદ્દે રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા. સુપ્રિયા શ્રીનેતનાએ કહ્યું, ગુજરાત બાપુ અને સરદાર પટેલની ધરતી છે. આ પાવન ધરતીને નશાની બદીમાં કોણ ધકેલી રહ્યું છે ? સમગ્ર દેશમાં ગુજરાતના ખાનગી પોર્ટમાંથી ડ્રગ્સ પહોંચે છે, બાપુ અને સરદારની ધરતીમાં ડ્રગ્સ કાર્ટેલ ના મુળિયા મજબૂત થઈ રહ્યા છે, મુન્દ્રા અદાણી પોર્ટ પરથી જ કેમ મોટી માત્રામાં ડ્રગ્સ પકડાય છે ?
ગુજરાતના બજેટ જેટલી કિંમતનું ડ્રગ્સ પકડાયું: સુપ્રિયા શ્રીનેતના
આ ઉપરાંત તેમણે કહ્યું હવે તો ગુજરાતમાં ડ્રગ્સ બનાવવામાં આવે છે. મેડ ઈન ડ્રગ્સ ઈન ગુજરાત થવા લાગ્યું છે, છેલ્લા 3 મહિનામાં 4 ફેક્ટરી ગુજરાતમાં પકડાઈ છે. ગુજરાતની સરકાર ધૃતરાષ્ટ્ર બની ગઈ છે. ગુજરાતના ગૃહરજય મંત્રી હર્ષ સંઘવીએ નૈતિકતાના આધારે રાજીનામું આપવું જોઈએ. સંઘવી રાજીનામું ન આપે તો તેમને બરખાસ્ત કરવા જોઈએ. ગુજરાતના બજેટ જેટલી કિંમતનું ડ્રગ્સ પકડાયું છે. 2017થી અત્યારસુધી રૂ. 2 લાખ કરોડનું ડ્રગ્સ ગુજરાતમાંથી પકડાયું છે. ડ્રગ્સ પકડવામાં આવે છે, મોટી માત્રામાં હેરોઇન વેચાઈ જાય છે. ડ્રગ્સ લેવા માટેના સાધનો ગુજરાતની પાનની દુકાન પર સરળતાથી મળે છે. ગુજરાતના ડ્રગ્સના ગોરખધંધાને કોણ સપોર્ટ કરે છે?