Gujarat Cold: ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન વિભાગે કરી મોટી આગાહી
ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડવાની શરુઆત થઈ છે. હવે આવનારા દિવસોમાં પણ કાતિલ ઠંડી પડવાની છે.
Gujarat Weather : ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડવાની શરુઆત થઈ છે. હવે આવનારા દિવસોમાં પણ કાતિલ ઠંડી પડવાની છે. હવામાન વિભાગ દ્વારા કાતિલ ઠંડીને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજથી ઠંડીનો ચમકારો વધશે. કડકતી ઠંડીમાં ઠુંઠવાવા માટે તૈયાર રહેજો. આજે બુધવારથી રાજ્યમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થશે.
હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર-પૂર્વના પવનો ફુંકાતા રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે.હવામાન વિભાગ મુજબ પવનની ગતિ 15થી 20 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે. રાજ્યમાં નલિયામાં સૌથી વધારે ઠંડી છે. ગુજરાતમાં 7.5 ડિગ્રી સાથે નલિયામાં સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. જ્યારે ડીસામાં 11 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 11.2 ડિગ્રી તાપમાન, રાજકોટ અને ભૂજમાં 11.4 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. જ્યારે અમદાવાદમાં 13.4 ડિગ્રી અને વડોદરામાં 13.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
વહેલી સવારે લોકો કાતિલ ઠંડી અને ગાઢ ધુમ્મસનો અનુભવ કરી રહ્યા છે. હવામાન વિભાગના અંદાજ મુજબ આગામી 15 જાન્યુઆરી સુધી રાજ્યમાં ઠંડીનું જોર રહેશે. હાલ ગુજરાતના હવામાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના અનેક શહેરો અને ગ્રામ્ય વિસ્તારોના તાપમાનમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.
ભારતીય હવામાન વિભાગે આગામી ચાર દિવસ માટે ઉત્તરપશ્ચિમ, મધ્ય, પૂર્વ અને ઉત્તરપૂર્વીય ભારત માટે ગંભીર હવામાન ચેતવણી જારી કરી છે. IMD અનુસાર, ચાર રાજ્યોમાં ખૂબ જ ગાઢ ધુમ્મસ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જ્યારે 17 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કોલ્ડવેવની આગાહી આપી છે.
પહાડી વિસ્તારોમાં બરફવર્ષા
ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીરમાં વરસાદની અપેક્ષા છે. ઊંચાઈવાળા વિસ્તારોમાં ખાસ કરીને ભારે વરસાદ પડશે. કાશ્મીરના ડોડા, બડગામ અને શોપિયાના ઊંચા પહાડી વિસ્તારોમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. અન્ય કેટલાક પહાડી વિસ્તારોમાં બરફવર્ષા પણ થઈ રહી છે.
હિમાચલ પ્રદેશના ચંબા, રોહતાંગ, કિન્નૌર અને મનાલીના ઊંચા વિસ્તારોમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ઉત્તરાખંડના કેટલાક ભાગોમાં હિમવર્ષા થવાની સંભાવના છે. તમિલનાડુમાં પણ વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. કાશ્મીરના પહાડી વિસ્તારોમાં પણ બરફવર્ષાના કારણે કાતિલ ઠંડીનો ચમકારો વધી ગયો છે.





















