આસામની યુવતીનું અમદાવાદમાં શંકાસ્પદ મોત, ઘાટલોડિયામાં લીવ ઇનમાં રહેતી હતી
અમદાવાદના ઘાટલોડિયામાં લીવ- ઈનમાં રહેતી અને ઈન્ટિરિયર ડિઝાઈનિંગનો અભ્યાસ કરતી યુવતીનું રહસ્યમય મોત થયું છે

અમદાવાદના ઘાટલોડિયામાં લીવ- ઈનમાં રહેતી અને ઈન્ટિરિયર ડિઝાઈનિંગનો અભ્યાસ કરતી યુવતીનું રહસ્યમય મોત થયું છે. ઘાટલોડિયાના વર્ધમાનનગર સોસાયટીના એક મકાનમાંથી મોડી રાત્રીના યુવતીની શંકાસ્પદ રીતે લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા તાત્કાલિક પોલીસને જાણ કરાઈ હતી. જેથી ઘાટલોડિયા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો.
પોલીસે સ્થળ પર તપાસ કરતા સામે આવ્યું કે યુવતી છેલ્લા ચાર મહિનાથી લીવ ઈનમાં સૌરભ પુરોહિત નામના યુવક સાથે રહેતી હતી. સૌરભ પણ યુવતી સાથે અભ્યાસ કરે છે. હાલ તો પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે હાલ આસામ રહેતા યુવતીના પરિવારને પણ જાણ કરી છે. તો લીવ ઈનમાં રહેતા સૌરભ પુરોહિતની ઉલટ તપાસ શરૂ કરી છે.
મૃતક યુવતીનું નામ શિવાલી કશ્યપ હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આસામ રહેતા પરિવારે યુવતીની હત્યાની આશંકા વ્યકત કરી છે. યુવતીનો ભાઈ હાલ આસામથી ગુજરાત આવી પહોંચ્યો હોવાની માહિતી મળી રહી છે. મૃતકના ભાઈનો દાવો છે કે રાત્રે 12 વાગ્યેને 34 મીનિટે શિવાલીની માતા સાથે વાત થઈ હતી. જેના અડધા કલાક બાદ તેના ઓચિંતા મૃત્યુના સમાચાર મળ્યા હતા. મૃતકના પરિવારે પોલીસ પાસે તટસ્થ તપાસ અને ન્યાયની માંગ કરી છે. સૌરભ અને મૃતક યુવતી બે વર્ષથી સંપર્કમાં હતા. પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
પોલીસે ખુલાસો કર્યો હતો કે શિવાલી અને સૌરભ વચ્ચે બોલાચાલી થઈ હતી. જમવામાં મીઠા બાબતે બંને વચ્ચે બોલાચાલી થઇ હતી. યુવતીએ ગેલેરીમાંથી કૂદકો મારતા નીચે પટકાઈ હતી. શિવાલી અને સૌરભ 2 વર્ષથી સંપર્કમાં હતા. ચાર મહિનાથી બંને ઘાટલોડિયામાં રહેતા હતા. આસપાસના CCTV ફૂટેજ, સ્થાનિકોના નિવેદન નોંધવામાં આવ્યા છે. આ કેસમાં FSLની પણ મદદ લેવાશે. શિવાલીની હત્યા થઈ હોવાનો પરિવારે આરોપ લગાવ્યો છે.




















