ભરતસિંહ સોંલકીએ પત્ની રેશ્મા પટેલ સામે અખબારમાં નોટિસ આપી કહ્યું, મારી પત્નિ મારા કહ્યામાં નથી ને...........
અમારી વચ્ચે લાંબા સમયથી મનમેળ ન હતો અને તેઓ મનસ્વી વર્તન કરતાં હતાં. મારા ઘરે આવીને રહે તો પણ કોઈ વાતચીત કરતાં નહીં. શરૂઆતમાં મેં સમજાવટથી સમાધાન લાવવા પ્રયાસ કર્યો, પરંતુ તેમ થયું નથી.
અમદાવાદઃ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પત્ની સામે અખબારમાં નોટિસ આપી છે. તેમણે વકીલ મારફતે તેમનાં પત્ની રેશ્મા પટેલને જાહેર નોટિસ પાઠવી છે. નોટિસમાં ઉલ્લેખ કર્યો છે કે, છેલ્લાં ચાર વર્ષથી તેમની સાથે રહેતાં નથી અને તેમના કહ્યામાં નથી. એટલું જ નહીં નોટિસમાં જણાવાયું છે કે, ભરતસિંહ રાજકીય તેમજ સામાજિક પ્રતિષ્ઠા ધરાવે છે અને તેમના નામ તથા ઓળખનો દુરુપયોગ કરી કોઈપણ પ્રકારની નાણાકીય લેવડદેવડ કે અન્ય સંબંધો રાખવા નહીં. જો આમ થશે તો ભરતસિંહ એ માટે જવાબદાર રહેશે નહીં.
ભરતસિંહે આ અંગે એક અખબાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમારી વચ્ચે લાંબા સમયથી મનમેળ ન હતો અને તેઓ મનસ્વી વર્તન કરતાં હતાં. મારા ઘરે આવીને રહે તો પણ કોઈ વાતચીત કરતાં નહીં. શરૂઆતમાં મેં સમજાવટથી સમાધાન લાવવા પ્રયાસ કર્યો, પરંતુ તેમ થયું નથી. એ પછી તેમના કુટુંબીઓની મધ્યસ્થી કરાવી છતાં પરિણામ ન મળ્યું. મને ખ્યાલ નથી કે તેઓ ભવિષ્યમાં શું કરવા માગે છે, મને કોઈ રીતે તકલીફ પહોંચે એવું તેઓ કરવાનાં હોય એવો ભય છે.
સોલંકીએ આ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, તેમણે છૂટાછેડા લેવા પણ કહ્યું હતું. જોકે, આ અંગે સંમતિ આપી નહોતી. આ સિવાય તેમને રહેવા માટે બંગલો, ગાડી, માસિક એકથી દોઢ લાખની આવક થતી રહે એવી સગવડ કરી આપી હોવા છતાં તેમના પર કોઈ હકારાત્મક અસર થઈ ન હતી. અમારા સંબંધોની તિરાડ વધુ મોટી થતી જતી હતી. આથી મેં આમાંથી બહાર નીકળવા કોઈ રસ્તો શોધવા પ્રયત્ન શરૂ કર્યો. આ વાતથી મને વ્યક્તિગત રીતે નુકસાન થવાનો ભય છે, પરંતુ મારા માટે જે ઓછું નુક્સાનકર્તા હોય એવું પગલું ભરવા માટે મને આ રસ્તો યોગ્ય લાગ્યો, તેથી મેં નોટિસ મોકલી છે.