Shaktisinh Gohil: આ તારીખે પગપાળા પદભાર સંભાળવા જશે શક્તિસિંહ ગોહિલ, ચાર્જ સંભાળતા પહેલાં જ ભાજપને ફેંક્યો પડકાર
અમદાવાદ: ગુજરાત કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પ્રેસ કોન્ફરન્સ કરી છે. તેમણે પોતાના નિવેદનમાં કહ્યું કે, હું પક્ષનો સૈનિક છું, સેનાપતિ જવાબદાર નક્કી કરે છે. વિચાર મંથન બાદ મને જવાબદારી સોંપી છે.
અમદાવાદ: ગુજરાત કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પ્રેસ કોન્ફરન્સ કરી છે. તેમણે પોતાના નિવેદનમાં કહ્યું કે, હું પક્ષનો સૈનિક છું, સેનાપતિ જવાબદાર નક્કી કરે છે. વિચાર મંથન બાદ મને જવાબદારી સોંપી છે. મે આ નિર્ણયને હ્રદયપૂર્વક આવકાર્યો છે. જે મતદારોએ મને પ્રતિનિધિ બનાવ્યો તેમનો આભાર માનું છું. આ લડાઇ ગુજરાતની અસ્મિતાના પુનઃ સ્થાપનાની છે. વ્યક્તિગત સ્વાર્થથી ઉપર કામગીરી રહેશે.
તમણે કહ્યું કે, ફિક્સ પગાર,રોજગારી,ખેડૂત,નાના વેપારીની સમસ્યાના મુદ્દાને લઈ રાજ્યની જનતાનો સહયોગ માંગુ છું. 18મી જૂને 10 કલાકે ગાંધી આશ્રમ ગાંધીજીના ચરણોમાં નમન કરી, પગપાળા પદભાર સંભાળવા જઈશ. શક્તિસિંહ રાજીવ ગાંધી ભવન ખાતે ચાર્જ સંભાળશે.
શક્તિસિંહે આગળ કહ્યું કે, મુદ્દા આધારિત ચૂંટણી હોવી જોઈએ. અમે લોકો વચ્ચે જઈશું.જગ્યા ખાલી છે અને યુવાનોને નોકરી નથી મળી રહી. ગેસનો બાટલો,પેટ્રોલ,ડીઝલ અને મોંઘવારીના મુદ્દા સાથે સકારાત્મક વલણ સાથે કામ કરીશું. હું જૂથબંધીવાળો રાજકારણી નથી. મારી જોડે આવો અને ખુલ્લા મને ચર્ચા કરો.કોંગ્રેસમાં ક્યારેય કોઈનો અસ્વિકાર નથી, બધાને આવકાર છે પણ બળજબરી પૂર્વક નહીં.
કેટલાક નેતાઓ સાથે મારા અંગત સંબધ પણ છે. કોંગ્રેસના કાર્યકાળમાં નકકી વિકાસ થયો છે. હું કેટલાક લોકોને ઓળખું છું, કે તેમને નથી જવું હોતું પણ મજબૂરીથી, ધાક ધમકીથી તેમને લઈ જવામાં આવે છે. અમે તોડજોડની રાજનીતિમાં નથી માનતા. ભાજપના 2 જ સંસદ સભ્ય હતા, એમના ઘરે ઇડી,આઇટી વગેરે મોકલી ન હતી. જૂથબંધી પડકાર નથી, કેમ કે હું જુથબંધીમાં માનતો નથી. ભાજપ જેવું સર મુખત્યારશાહી જેવું નથી. યુપીએના 10 વર્ષના શાસનમાં જે કહ્યુ હતું તે કામ અમે કર્યું હતું. અમે મનરેગા, RTE, RTI લાવ્યા. શક્તિસિંહે ભાજપને પડકાર ફેંકતા કહ્યું કે, જો અમે ભ્રષ્ટાચાર કર્યો હોય તો કોંગ્રેસના નેતાને જેલમાં નાખો, 9 વર્ષથી તમારી જ સરકાર છે.
શાહી પરિવારમાંથી આવે છે શક્તિસિંહ ગોહિલ
ગુજરાત વિધાનસભામાં કારમી હાર બાદ કોંગ્રેસ એક્શન મોડમાં આવી છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ ગુજરાત કોંગ્રેસના પ્રમુખની જાહેરાત કરી દીધી છે. જગદીશ ઠાકોરને હટાવી હાઈકમાન્ડે રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલને ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે વરણી કરી છે.
કોણ છે શક્તિસિંહ ગોહિલ?
તમને જણાવી દઈએ કે, કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહનો જન્મ 4 એપ્રિલ 1960માં ભાવનગર જિલ્લાના લિમડા ગામમાં થયો હતો. શક્તિસિંહ લિમડાના શાહી પરિવારના તે મોટા પુત્ર છે. જો શક્તિસિંહના અભ્યાસની વાત કરીએ તો તેઓએ બીએસસી,એલએલએમ, કોમ્પ્યૂટરમાં ડિપ્લોમા અને પત્રકારત્વમાં ડિપ્લોમાં કર્યું છે.
શક્તિસિંહ ગોહિલની રાજકીય સફર
શક્તિસિંહ ગોહિલ 1986માં ભાવનગર જિલ્લા યુવા કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ હતા અને 1989માં ગુજરાત રાજ્ય યુવા કોંગ્રેસના મહાસચિવ પણ રહી ચૂક્યા છે. ત્યાર બાદ શક્તિસિંહ ગોહિલે સ્થાનીક ચૂંટણી લડી ભાવનગર જિલ્લા પંચાયતના ઉપાધ્યક્ષ બન્યા હતા. 1990માં તે AICCના સદસ્ય બન્યા અને અહીંથી જ તેમની રાજકીય કારર્કિર્દીની શરૂઆત થઇ હતી. નોંધનીય છે કે, કોંગ્રેસના બહુ ઓછા નેતા છે જે ટેકનિકલ વાતોના પણ માહિતગાર છે અને ભાષા પર પણ સારી પકડ હોય. શક્તિસિંહને આવા જ એક કોંગ્રેસી નેતા છે. ઘણી વખત શક્તિસિંહે કોંગ્રેસને મુશ્કેલ સમયમાંથી બહાર કાઢી છે.
તમને જણાવી દઈએ કે, શક્તિસિંહ ગોહિલ ભાવનગર દક્ષિણ બેઠક પરથી વર્ષ 1990, 1995 ઉપરાંત 2007ની ચૂંટણીમાં તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જો કે, વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં તેમને આ બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે, 2014ની પેટાચૂંટણીમાં શક્તિસિંહ કચ્છની અબડાસા બેઠક પરથી ચૂંટણી લડ્યા અને જીત મેળવી.
સૌથી નાની વયે બન્યા હતા મંત્રી
તમને જાણીને આશ્ચર્ય થશે કે, શક્તિસિંહ ગોહિલ ગુજરાતના મંત્રીમંડળના ઇતિહાસમાં સૌથી નાની ઉંમરમાં એટલે કે 32 વર્ષની ઉંમરે મંત્રીપદ સંભાળનારા નેતા તરીકે જાણીતા છે. વર્ષ 1991થી 1995 દરમિયાન તેમણે શિક્ષણ,સ્વાસ્થ્ય અને નાણાં મંત્રાલય જેવા વિભાગો સંભાળી તેમની યોગ્યતા પૂરવાર કરી હતી. તેઓ ગુજરાત વિધાનસભામાં 2007થી 2012 સુધીમાં વિપક્ષી નેતા તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. તમને જણાવી દઈએ કે, શક્તિસિંહ હાલમાં દિલ્હી અને હરિયાણાના પ્રભારી છે. ગુજરાતની જવાબદારી સંભાળ્યા બાદ તેઓ આ પદ પરથી મુક્ત થશે.