વિધાનસભાની ચૂંટણી માટે કઈ બેઠકો પર વહેલા ઉમેદવારો જાહેર કરવાની કોંગ્રેસમાં ઉઠી માંગ?
ગઈ કાલે મળેલી કોંગ્રેસની સંકલન સમિતિની બેઠકમાં કોંગ્રેસના સિનિયર નેતાઓ દ્વારા વહેલા ઉમેદવારો જાહેર કરવાની માગણી કરી હતી. જે બેઠકો વર્ષોથી કોંગ્રેસ હારતી આવી છે
અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસ દ્વારા વિધાનસભા 2022ની ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગઈ કાલે મળેલી કોંગ્રેસની સંકલન સમિતિની બેઠકમાં કોંગ્રેસના સિનિયર નેતાઓ દ્વારા વહેલા ઉમેદવારો જાહેર કરવાની માગણી કરી હતી. જે બેઠકો વર્ષોથી કોંગ્રેસ હારતી આવી છે ,આવી તમામ બેઠકો પર વહેલા ઉમેદવાર જાહેર કરવામાં આવે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અને પ્રભારી પણ નેતાઓની આ વાત સાથે સહમત થયા છે પરં,તુ આ અંગે કેન્દ્રીય નેતૃત્વનું ધ્યાન દોરી નેતૃત્વ જે પ્રમાણે કહેશે તેમ નિર્ણય કરવામાં આવશે, તેવી ખાતરી નેતાઓને પ્રભારી દ્વારા આપવામાં આવી છે.
ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે આજે ઓબીસી નેતા અને પૂર્વ સાંસસદ જગદીશ ઠાકોરે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે. તેમણે ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા, કોંગ્રેસના ધારાસભ્યો અને વરિષ્ઠ નેતાઓની હાજરીમાં આજે વિધિવિત રીતે ચાર્જ સંભાળ્યો હતો. આ સમયે અર્જુન મોઢવાડિયા, પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, પરેશ ધાનાણી સહિતના નેતાઓ ઉપસ્તિત રહ્યા હતા.
અગાઉ, ગુજરાત કોંગ્રેસના પ્રમુખના નામની અંતે જાહેરાત કરવામાં આવી હતી અને જગદીશ ઠાકોરને ગુજરાત કોંગ્રેસના સુકાની બનાવાયા હતા. જગદીશ ઠાકોર પૂર્વ સાંસદ અને ઠાકોર નેતા છે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ ઠાકોરના નામની જાહેરાત કરવામાં આવી હતી.
ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજના આગેવાન એવા પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર બે વખત વિધાનસભાની ચૂંટણી જીતી ચૂક્યા છે . દેહગામ વિધાનસભા બેઠક પરથી 2002 અને 2007 એમ સળંગ બે વાર જીતેલા ઠાકોર 2002થી 2007 અને 2007 થી 2009 સુધી ધારાસભ્ય રહ્યા હતા. 2009ની લોકસભા ચૂંટણીમાં પાટણ લોકસભા બેઠક પરથી ઠાકોર ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. આમ જગદીશ ઠાકોર 2009થી 2014 સુધી કોંગ્રેસમાંથી પાટણ લોકસભા બેઠકના સાંસદ રહી ચૂક્યા છે.
ભૂતપૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીની અત્યંત નજીક મનાતા જગદીશ ઠાકોર ઉત્તર ગુજરાતમાં સારું વર્ચસ્વ ધરાવે છે. રસપ્રદ વાત એ છે કે, જગદીશ ઠાકોરે 2016માં કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું હતું. ઠાકોરે એ વખતે એલાન કરેલું કે, હવેથી પોતે માત્ર સામાન્ય કાર્યકર તરીકે જ કામ કરશે. ઠાકોરની આ જાહેરાતે ખળભળાટ મચાવ્યો હતો. આ જાહેરાતના કારણે જગદીશ ઠાકોરની રાજકીય કારકિર્દી સમાપ્ત થઈ ગઈ હોવાનું મનાતું હતું પણ પાંચ વર્ષમાં જ ઠાકોરે ભવ્ય પુનરાગમન કર્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસનો સર્વોચ્ચ હોદ્દો મેળવીને જગદીશ ઠાકોરે હાઈકમાન્ડને પોતાની તાકાત અને મહત્વ સમજાવવામાં સફળતા મેળવી છે.