વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
Sarigam news: સરીગામની સુન્ની જામા મસ્જિદ ખાતે શુક્રવારની નમાજ અદા કર્યા બાદ સમાજના અગ્રણીઓ એકઠા થયા હતા.

- સખત નિંદા: ગૌહત્યાના બનાવનો સખત વિરોધ અને નિંદા.
- સામાજિક બહિષ્કાર: ગૌહત્યા કરનારનો સમાજમાંથી કાયમી બહિષ્કાર.
- પ્રવેશબંધી: અપરાધીને મસ્જિદમાં પ્રવેશવા પર સંપૂર્ણ પ્રતિબંધ.
- વ્યવહાર બંધ: દોષિત સાથે રોટી-બેટી અને આર્થિક સંબંધો પર પૂર્ણવિરામ.
- એકતાનો સંદેશ: હિન્દુ સમાજ સાથે મળીને ગૌરક્ષા કરવાની ખાતરી.
Sarigam news: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામમાં બનેલી ગર્ભવતી ગાયની હત્યાની ઘટનાએ ભારે ચકચાર જગાવી છે. જોકે, આ ઘટના બાદ સ્થાનિક મુસ્લિમ સમાજ (Muslim Community) દ્વારા એક એવું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે જેની સમગ્ર દેશમાં પ્રશંસા થઈ રહી છે. ગૌરક્ષકો અને વેપારી એસોસિએશન સાથેની બેઠક બાદ મુસ્લિમ સમાજે ગૌહત્યા (Cow Slaughter) કરનારાઓ સામે લાલ આંખ કરી છે અને એક કડક અને ઐતિહાસિક ફેંસલો સંભળાવ્યો છે.
શુક્રવારની નમાજ બાદ લેવાયો કડક ઠરાવ
સરીગામની સુન્ની જામા મસ્જિદ ખાતે શુક્રવારની નમાજ અદા કર્યા બાદ સમાજના અગ્રણીઓ એકઠા થયા હતા. અહીં ગર્ભવતી ગાયની હત્યાના બનાવને સખત શબ્દોમાં વખોડી કાઢીને સર્વાનુમતે એક ઐતિહાસિક ઠરાવ (Historical Resolution) પસાર કરવામાં આવ્યો હતો. જે મુજબ, હવેથી જો કોઈપણ મુસ્લિમ વ્યક્તિ ગૌહત્યા જેવા કૃત્યમાં સંડોવાયેલો જણાશે તો તેને સમાજમાંથી કાયમી ધોરણે બહાર કાઢવામાં (Social Boycott) આવશે. એટલું જ નહીં, આવા અપરાધી તત્વોને મસ્જિદમાં પ્રવેશવા પર પણ સંપૂર્ણ પ્રતિબંધ (Ban) ફરમાવવામાં આવ્યો છે.
સામાજિક અને આર્થિક વ્યવહારો પર પૂર્ણવિરામ
સરીગામના ઝાડી-ઝાંખરાવાળા વિસ્તારમાં બનેલી આ ક્રૂર ઘટનાથી લોકોમાં ભારે રોષ છે. મુસ્લિમ સમાજે સ્પષ્ટ કર્યું છે કે આવા કૃત્ય કરનાર સાથે સમાજનો કોઈ પણ વ્યક્તિ રોટી-બેટીનો વ્યવહાર કે કોઈ પણ પ્રકારના આર્થિક સંબંધો (Financial Relations) રાખશે નહીં. ઠરાવમાં એ પણ સહમતિ સાધવામાં આવી છે કે આવા લોકોને સરીગામ વિસ્તારમાં રહેવાનો કોઈ નૈતિક અધિકાર નથી.
કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ: 'આવું કરનાર મુસ્લિમ હોઈ જ ન શકે'
સરીગામના મુસ્લિમ અગ્રણીઓએ એક સૂરે જણાવ્યું હતું કે, "આવી નિર્દય રીતે ગૌહત્યા કરનારને અમે મુસ્લિમ માનતા નથી. અમે હિન્દુ ભાઈઓની સાથે ખભેખભા મિલાવીને ગૌવંશ (Cattle Protection) ની રક્ષા માટે ઉભા છીએ." અસામાજિક તત્વો ગમે તેટલા પ્રયત્નો કરે, પરંતુ સરીગામની કોમી એકતા (Communal Harmony) તૂટવા દેવામાં આવશે નહીં. આ સાથે જ તેમણે સમગ્ર ભારતના મુસ્લિમ સમાજને અપીલ કરી છે કે સરીગામની જેમ દેશભરમાં આવા કડક નિર્ણયો લેવામાં આવે તો ગૌહત્યાની પ્રવૃત્તિને જડમૂળથી ડામી શકાશે.





















