Cyclone Biparjoy: ભયજનક વાવાઝોડું ગુજરાતને ટકરાવાના સ્પષ્ટ એંધાણ, જાણો અંબાલાલ પટેલે શું કહ્યું
Cyclone Biparjoy: વાવાઝોડાને લઈને ગુજરાત માટે સૌથી ચિંતાજનક સમાચાર છે. ભયાનક વાવાઝોડું ગુજરાતને ટકરાય તેવા સ્પષ્ટ એંધાણ છે.
Cyclone Biparjoy: વાવાઝોડાને લઈને ગુજરાત માટે સૌથી ચિંતાજનક સમાચાર છે. ભયાનક વાવાઝોડું ગુજરાતને ટકરાય તેવા સ્પષ્ટ એંધાણ છે. વાવાઝોડાને લઈ અંબાલાલ પટેલે આંકલન કરતાં કહ્યું, વાવાઝોડુ હજુ ભયાવહ થશે. 13 થી 17 તારીખ ભારે રહેશે. ઓખા, જામનગર, પોરબંદર, કંડલા, ગાંધીધામમાં ભારે પવન સાથે વરસાદની આગાહી છે. આજે પવનનું જોર રહેશે, વાવાઝોડાની ગતિ વધશે. કચ્છ, ઓખા, જામનગરમાં ભારે પવન ફૂંકાશે. કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયા કિનારામાં વાવાઝોડાની અસર થશે. બનાસકાંઠા-મહેસાણા,બેચરાજીમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વધુ અસર થશે.
IMDના ફોરકાસ્ટ ટ્રેકમાં ગુજરાત માટે ખતરાના સંકેત
IMDના ફોરકાસ્ટ ટ્રેકમાં ગુજરાત માટે ખતરાના સંકેત છે. વાવાઝોડું માત્ર કચ્છ જ નહીં અન્ય વિસ્તારોને ફંગોળે તેવા સંકેત છે. 15 જૂને સવારે જખૌ પોર્ટને ટકરાય તેવો સ્પષ્ટ ફોરકાસ્ટ ટ્રેક છે. હાલ આફતનું વાવાઝોડું પોરબંદરથી 320 કિલોમીટર દુર, જખૌથી 440 કિલોમીટર દુર છે.
માંડવીમાં પ્રથમ વખત આવી સ્થિતિ
માંડવીના સ્થાનિકોના કહેવા મુજબ, માંડવીમાં પ્રથમ વખત આવી સ્થિતિ જોવા મળી છે. પહેલીવાર 10 નંબરનું સિગ્નલ લગાવાયું છે. 19 ગામને એલર્ટ રહેવાની પ્રશાસને સૂચના આપી છે.
વાવાઝોડાની અસરના કારણે સૌરાષ્ટ્રના દરિયા કાંઠે ભારે પવન ફૂંકાઇ રહ્યો છે. મોરબીના નવલખી બંદર ઉપર ભારે પવનના કારણે દરિયો તોફાની બન્યો હતો. નવલખી બંદર ઉપરથી 1000 લોકોને સ્થળાંતર કરાયા હતા.
વાવાઝોડાની ભયાનકતાને ધ્યાનમાં રાખીને નવલખી બંદર પર નવ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. વાવાઝોડાનો ખતરો વધતા તંત્ર એલર્ટ બન્યું છે. કચ્છના દરિયા કિનારાના વિસ્તારમા સ્થળાંતર શરૂ કરવામાં આવ્યું છે. કંડલા પોર્ટ નજીકની વસાહતમા લોકોને સ્થળાંતર માટે સૂચના અપાઇ હતી.
કચ્છમાં 2 SDRF અને 2 NDRF ની ટીમ ફાળવવામાં આવી
વાવાઝોડાને લઈને કચ્છમાં બચાવ કામગીરી માટે 4 ટીમો ફાળવવામાં આવી છે. કચ્છમાં 2 SDRF અને 2 NDRF ની ટીમ ફાળવવામાં આવી છે. એક SDRF અને એક NDRFની ટીમ નલિયા ખાતે તૈનાત કરાઇ હતી તો એક NDRF ની ટીમ માંડવી ખાતે તૈનાત કરવામાં આવી હતી. SDRFની 25 લોકોની 1 ટીમ આજે સવારે ભૂજ પહોંચશે. તે સિવાય ભૂજમાં SDRF ની ટીમને સ્ટેન્ડ બાય રહેવાનો આદેશ અપાયો હતો. તે સિવાય SDRF અને NDRFની ટીમોએ દરિયાઈ વિસ્તારની મુલાકાત લીધી હતી.