અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
Ahmedabad: અમદાવાદમાં એક જ દિવસમાં અકસ્માતની ત્રણ ભયાનક ઘટનાઓએ સમગ્ર શહેરને હચમચાવી દીધું છે. રફતારના શોખીન નબીરાઓએ નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂક્યા છે.

Ahmedabad: અમદાવાદમાં એક જ દિવસમાં અકસ્માતની ત્રણ ભયાનક ઘટનાઓએ સમગ્ર શહેરને હચમચાવી દીધું છે. રફતારના શોખીન નબીરાઓએ નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂક્યા છે. થલતેજ, એરપોર્ટ રોડ અને વૈષ્ણોદેવી સર્કલ પાસે બનેલી આ ઘટનાઓ 'હિટ એન્ડ રન' અને બેફામ ડ્રાઈવિંગનો વરવો નમૂનો પેશ કરે છે.
અમદાવાદમાં રફતારનો કહેર: એક જ દિવસમાં ત્રણ ગંભીર અકસ્માત
1. થલતેજ-શીલજ રોડ: નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
મોડી રાત્રે થલતેજથી શીલજ રોડ પર એક કીયા (Kia) કારના ચાલકે આતંક મચાવ્યો હતો. આરોપી નબીરાની ઓળખ નીસીર શાહ તરીકે થઈ છે. નીસીર શાહ તાજ હોટલ પાસેથી નશામાં ધૂત હાલતમાં કાર હંકારી રહ્યો હતો. તેણે રસ્તામાં આવતા એક પછી એક એમ કુલ 9 વાહનોને અડફેટે લીધા હતા. અકસ્માત સર્જી ભાગી રહેલા આ નબીરાનો અન્ય વાહનચાલકોએ પીછો કર્યો હતો અને છેક રાચરડા રોડ પાસેથી તેને ઝડપી પાડ્યો હતો. લોકોના ટોળાએ તેને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે કે ચાલક નશામાં હતો. હાલ એમ-ડિવિઝન ટ્રાફિક પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
2. એરપોર્ટ આઈકોનિક રોડ: બેફામ કાર પલટી, ચાલક ફરાર
અકસ્માતની બીજી ઘટના એરપોર્ટ આઈકોનિક રોડ અને ઈન્દિરા બ્રિજ વચ્ચે બની હતી. જેમાં એક નબીરાએ પૂરઝડપે કાર દોડાવતા સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. કાર એટલી સ્પીડમાં હતી કે તે રોડ પર જ પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત સર્જ્યા બાદ કારનો ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસ હાલ આ ચાલકની શોધખોળ કરી રહી છે.
3. વૈષ્ણોદેવી સર્કલ: ભાજપ નેતાના પુત્રનું મોત
વૈષ્ણોદેવી બ્રિજ પાસે રવિવારે વહેલી સવારે ત્રીજો કરુણ અકસ્માત સર્જાયો હતો. જેમાં ગાંધીનગર જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી આઈ.બી. વાઘેલાના પુત્ર ધવલ વાઘેલા પોતાની ફોર્ચ્યુનર કાર લઈને જઈ રહ્યો હતો ત્યારે ઓવરટેક કરવાની લ્હાયમાં કાર ડિવાઈડર કૂદીને સામે આવતી એસટી બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી.
આ ગમખ્વાર અકસ્માતમાં ધવલ વાઘેલાનું ગંભીર ઈજા થવાને કારણે મોત નીપજ્યું છે, જ્યારે કારમાં સવાર અન્ય એક યુવતી ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. અમદાવાદના રસ્તાઓ પર સ્પીડ અને નશાનું જોખમી મિશ્રણ લોહી વહેવડાવી રહ્યું છે. પોલીસની કડક કાર્યવાહી છતાં નબીરાઓ બેફામ બની રહ્યા છે, જે સામાન્ય નાગરિકો માટે ચિંતાનો વિષય છે.




















