અમદાવાદના પાલડીમાં શેરબજારવાળાના ઘરે DRI અને ATSના દરોડા, 100 કિલો સોનું અને જંગી રોકડ જપ્ત
આવિષ્કાર એપાર્ટમેન્ટના ખાલી ફ્લેટમાંથી એજન્સીઓએ કાર્યવાહી કરી, કૌભાંડ બહાર આવવાની શક્યતા.

DRI raid Ahmedabad: અમદાવાદ શહેરમાં એક મોટું કૌભાંડ બહાર આવવાની સંભાવના છે. શહેરના પાલડી વિસ્તારમાં એક શેરબજાર ઓપરેટરના ખાલી ફ્લેટ પર ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) અને એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા સંયુક્ત દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન એજન્સીઓએ ફ્લેટમાંથી આશરે 100 કિલો સોનું અને મોટી માત્રામાં રોકડ જપ્ત કરી હોવાના અહેવાલ છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, DRI અને ATSને પાલડી વિસ્તારમાં શેરબજાર ઓપરેટરના આવિષ્કાર એપાર્ટમેન્ટમાં ગેરકાયદેસર સંપત્તિ છુપાવવામાં આવી હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે, બુધવારે બપોરે આશરે અઢી વાગ્યે 25 જેટલા અધિકારીઓની ટીમે આવિષ્કાર એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 104 પર દરોડા પાડ્યા હતા. આ ફ્લેટ મહેન્દ્ર શાહ અને મેઘ શાહ નામના વ્યક્તિઓના નામે નોંધાયેલો છે, જેઓ પિતા-પુત્ર હોવાનું જાણવા મળ્યું છે.
દરોડાની કાર્યવાહી દરમિયાન એજન્સીઓએ ફ્લેટની સઘન તપાસ કરી હતી. તપાસ દરમિયાન આશરે 100 કિલો સોનું, જેમાં સોનાના બિસ્કિટ અને ઘરેણાંનો સમાવેશ થાય છે, તે ઉપરાંત આશરે 70 લાખ રૂપિયાથી વધુની રોકડ રકમ મળી આવી હતી. તપાસ હજુ પણ ચાલુ છે અને આ કેસમાં વધુ મુદ્દામાલ ઝડપાય તેવી શક્યતા છે. દરોડા દરમિયાન ચલણી નોટોની ગણતરી કરવા માટે બે મશીન અને સોનાનું વજન કરવા માટે ઇલેક્ટ્રિક વજન કાંટા પણ ઘટના સ્થળે મંગાવવામાં આવ્યા હતા.
પ્રાથમિક માહિતી અનુસાર, શેરબજાર ઓપરેટર મેઘ શાહ અને તેના સાથીદારો કથિત રીતે ખોખા કંપનીઓના શેરના ભાવમાં કૃત્રિમ રીતે વધારો કરીને કરોડો રૂપિયાની કમાણી કરતા હતા. એવું પણ માનવામાં આવે છે કે આ લોકોએ પોતાના ગેરકાયદેસર રીતે મેળવેલા કાળા નાણાંને સોનામાં રોકાણ કર્યું હતું.
સૂત્રોએ જણાવ્યું હતું કે એજન્સીઓને આ ફ્લેટમાં અંદાજિત 100 કિલોથી વધુ સોનું છુપાવવામાં આવ્યું હોવાની ચોક્કસ માહિતી મળી હતી. જેના પગલે ATS અને DRIની ટીમે સંયુક્ત રીતે દરોડા પાડ્યા હતા અને આ મોટી સફળતા મળી હતી. આ ઘટનામાં હવાલાના વ્યવહારો પણ સામે આવે તેવી શક્યતાઓ છે, જેને લઈને એજન્સીઓ હાલમાં તપાસ કરી રહી છે.
આ ઘટનાએ અમદાવાદના નાણાકીય વર્તુળોમાં ખળભળાટ મચાવી દીધો છે. DRI અને ATS દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીથી મોટા કૌભાંડનો પર્દાફાશ થવાની સંભાવના છે. હાલમાં એજન્સીઓ જપ્ત કરાયેલા સોના અને રોકડની કાયદેસરતા અંગે તપાસ કરી રહી છે અને આ કૌભાંડમાં અન્ય કોણ કોણ સામેલ છે તેની માહિતી મેળવવાના પ્રયાસો ચાલુ છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
