સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને મોટો ઝટકો, આ દિગ્ગજ નેતાએ ચૂંટણી ન લડવાની કરી જાહેરાત
દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પાલ આંબલિયાના શપથ ગ્રહણ સમારોહમાં સંબોધન કરતાં વિક્રમ માડમે ભાવુક થઈને કહ્યું કે, "હું હવે પ્રજા માટે કામ કરવાનું બંધ કરી દઉં છું અને મારે હવે ચૂંટણી લડવી નથી."

દ્વારકા: સૌરાષ્ટ્રના રાજકારણમાં એક મોટા રાજકીય ભૂકંપના સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ સાંસદ વિક્રમ માડમે હવેથી દેવભૂમિ દ્વારકામાંથી ચૂંટણી ન લડવાની જાહેરાત કરીને રાજકીય વર્તુળોમાં ભારે આંચકો આપ્યો છે. તેમની આ જાહેરાતને રાજકીય સન્યાસના સંકેત તરીકે જોવામાં આવી રહી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પાલ આંબલિયાના શપથ ગ્રહણ સમારોહમાં સંબોધન કરતાં વિક્રમ માડમે ભાવુક થઈને કહ્યું કે, "હું હવે પ્રજા માટે કામ કરવાનું બંધ કરી દઉં છું અને મારે હવે ચૂંટણી લડવી નથી." તેમણે કોંગ્રેસના જ નેતાઓ પર રોષ વ્યક્ત કરતાં જણાવ્યું કે, "મેં જેમને નેતા બનાવ્યા એ બધા વેચાઈ ગયા છે. કંપનીઓ પૈસા લઈને આવે છે અને એ વેચાઈ જાય છે, તો પછી લડવું કોની માટે અને શું કરવા?"
માડમની આ જાહેરાત કોંગ્રેસ માટે મોટા આંચકા સમાન માનવામાં આવી રહી છે, કારણ કે તેઓ આ વિસ્તારમાં કોંગ્રેસના એક મજબૂત આધારસ્તંભ રહ્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, "હું જીવું ત્યાં સુધી આ પંજો (કોંગ્રેસનું ચૂંટણી ચિહ્ન) મારા ગળામાં રહેશે, હું કોંગ્રેસમાં નહીં રહું તો બીજે ક્યાંય જવાનો નથી."
તેમણે પોતાના નિર્ણય પાછળનું કારણ જણાવતા કહ્યું કે, "જનતાને જો મારી જરૂર ન હોય તો મારે સમજી જવું જોઈએ કે હવે રાજકારણ છોડવાનો સમય આવી ગયો છે." તેમના આ નિવેદનથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે અને તેમના સમર્થકોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે. વિક્રમ માડમનો આ અચાનક અને આકરો નિર્ણય સૌરાષ્ટ્રના રાજકારણમાં એક નવા અધ્યાયની શરૂઆતનો સંકેત આપી રહ્યો છે.
અમિત ચાવડા ફરી પ્રમુખ, તુષાર ચૌધરીને નવી જવાબદારી
ગુજરાત કોંગ્રેસમાં (Gujarat Congress) લાંબા સમયથી ચાલી રહેલી પ્રદેશ નેતૃત્વની અનિશ્ચિતતાનો અંત આવ્યો છે. પાર્ટી હાઈકમાન્ડ દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના (Gujarat Pradesh Congress Committee) અધ્યક્ષ પદે ફરી એકવાર અમિત ચાવડાની (Amit Chavda) નિમણૂક કરવામાં આવી છે. આ સાથે જ, વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા (Congress Legislative Party Leader) તરીકે ખેડબ્રહ્માના (Khedbrahma) ધારાસભ્ય અને અગ્રણી આદિવાસી નેતા તુષાર ચૌધરીને (Tushar Chaudhary) જવાબદારી સોંપવામાં આવી છે.





















