Congress:ગુજરાત કોંગ્રેસના પ્રભારી ફરી આવશે રાજ્યની મુલાકાતે, જિલ્લા પ્રમુખો સાથે કરશે બેઠક
25 તારીખે બનાસકાંઠામાં જન અધિકાર બાઇક રેલી યોજશે તથા બનાસકાંઠામાં હોદ્દેદારો સાથે બેઠક કરશે.
Gujarat Congress: ગુજરાત કોંગ્રેસ દ્વારા લોકસભા ચૂંટણીની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ મુકુલ વાસનિક 24 અને 25 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશે. 24 તારીખે અમદાવાદમાં જિલ્લા પ્રમુખો સાથે બેઠક કરશે અને 25 તારીખે બનાસકાંઠામાં જન અધિકાર બાઇક રેલી યોજશે તથા બનાસકાંઠામાં હોદ્દેદારો સાથે બેઠક કરશે.
રઘુ શર્માના રાજીનામાં બાદ ખાલી પડેલા આ પદ પર મુકુલ વાસનિકની નિમણૂંક કરવમાં આવી હતી. 27 સપ્ટેમ્બર 1959ના રોજ મહારાષ્ટ્રના બૌદ્ધ પરિવારમાં જન્મેલા મુકુલ વાસનિકના પિતાનું નામ બાલકૃષ્ણ વાસનિક છે અને તેઓ માત્ર 28 વર્ષની ઉંમરે બુલઢાણાની સીટ પરથી લોકસભા ચૂંટણી લડીને સાંસદ બન્યાં હતાં. પિતાના પગલે ચાલીને મુકુલ વાસનિક પણ રાજનીતિમાં આવ્યા હતા અને પિતાની જ પરંપરાગત બેઠક પરથી ત્રણવાર સાંસદ તરીકે ચૂંટાયા હતા. તેમણે નાગપુર યુનિવર્સિટીમાંથી ઉચ્ચ શિક્ષણ લઈને એનએસયુઆઈ સાથે જોડાઈને રાજકીય કરિયર શરૂ કરી હતી.
મુકુલ વાસનિક સૌથી નાની વયે સાંસદ બનનાર નેતા છે અને તેમણે પિતાનો રેકોર્ડ તોડીને માત્ર 25 વર્ષની ઉંમરે એ જ બુલઢાણા બેઠક પરથી સાંસદ બનવાનો રેકોર્ડ સ્થાપ્યો હતો. તેઓ કેન્દ્રની યુપીએ સરકારમાં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી પણ રહી ચૂક્યાં છે. વર્ષ 2009થી 2014 સુધી તેમણે મહારાષ્ટ્રની રામટેક બેઠકનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેઓ અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના મહાસચિવ પણ છે. વર્ષ 2022માં તેમને રાજ્યસભામાં મોકલવામાં આવ્યા હતા.
વાસનિકનો જન્મ એક બૌદ્ધ પરિવારમાં થયો છે અને તેઓ પીઢ કોંગ્રેસી નેતા અને ત્રણવારના સાંસદ બાલકૃષ્ણ વાસનિકના પુત્ર છે. અગાઉ તેમણે ત્રણવાર બુલઢાણા લોકસભા સીટ પર ચૂંટણી જીતીને આ બેઠકનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 1984 થી 1986 સુધી તેઓ એનએસયુઆઈના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ રહ્યાં છે. એ પછી તેમને 1988-90 દરમિયાન યુથ કોંગ્રેસના અધ્યક્ષ બનાવાયા હતા. જૂન 2022માં તેમને રાજસ્થાનથી રાજ્યસભામાં મોકલવામાં આવ્યા હતા. તેઓ રાજીવ ગાંધી ફાઉન્ડેશનના સભ્ય પણ છે.