Gujarat Corona update : ગુજરાત વાઇબ્રન્ટ સમિટ 2022 રદ, લોકોના આરોગ્યને ધ્યાને રાખીને નિર્ણય લેવાયો
રાજ્ય સરકારને કોરોનાના કેસ વધતા સૌથી મોટી જાહેરાત કરી છે, અંતે રાજ્ય સરકારે સૌથી વધુ ચર્ચિત વાયબ્રન્ટ સમિટ 2022ને મોકૂફ કરી છે.

Background
ગાંધીનગરઃ રાજ્ય સરકારને કોરોનાના કેસ વધતા સૌથી મોટી જાહેરાત કરી છે, અંતે રાજ્ય સરકારે સૌથી વધુ ચર્ચિત વાયબ્રન્ટ સમિટ 2022ને મોકૂફ કરી છે. ગુજરાતમાં કોરોનાના કેસો ધડાધડ વધી રહ્યા છે છતાં ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટની તડામાર તૈયારીઓ થઇ રહી હોવાથી રાજ્ય સરકારની આકરી ટીકા થઈ રહી હતી. કોરોના વકરવાના ખતરાને અવગણીને ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટની તૈયારીઓ કરાઈ રહી હોવાનો મુદ્દો ચર્ચામાં હતો ત્યાં કોરોનાની કામગીરી સાથે સંકળાયેલા પાંચ અધિકારીઓ કોરોના સંક્રમિત થઈ જતાં ખળભળાટ મચ્યો હતો. આ તમામ અધિકારીનો કોરોના રીપોર્ટ મંગળવારે પોઝિટિવ આવ્યો હતો.
કોરોનાગ્રસ્ત થયેલા રાજ્ય સરકારના પાંચ આઈએએસ અધિકારીઓમાં આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ તથા આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રાજકુમાર બેનિવાલ, જે.પી.ગુપ્તા અને હારિત શુક્લા પણ કોરોના પોઝિટિવ થયા છે. આ તમામ અધિકારીને કોરોના થતાં રાજ્ય સરકાર દોડતી થઈ હતી અને વધારે પ્રમાણમાં કોરોના ના ફેલાય એ માટે શું કરવં તેની ચર્ચા શરૂ થઈ હતી. આ ચર્ચાના અંતે વાયબ્રન્ટ સમિટ મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો હોવાનું કહેવાય છે.
ગાંધીનગરમાં આગામી 10 જાન્યુઆરીથી ત્રણ દિવસની દસમી ગ્લોબલ વાયબ્રન્ટ સમિટનો પ્રારંભ થવાનો હતો. આ ગ્લોબલ સમિટમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત અન્ય દેશોના વડાપ્રધાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહેવાના હતા. આ ઉપરાંત દેશના ટોચના ઉદ્યોગપતિઓ તેમજ બિઝનેસમેન પણ હાજર રહેવાના હતા.
અમદાવાદ કોરોના
અમદાવાદમાં કુલ 108 માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન. 3 હજારથી વધુ લોકો માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં છે. પેનિક કરવાની જરૂર નહીં, સતર્ક રહેવાની અમદાવાદ તંત્ર દ્વારા આપવામાં આવી સલાહ.
ગુજરાત સરકારે વાઇબ્રન્ટ સમિટ પછી વધુ એક મોટો કાર્યક્રમ કરી દીધો રદ
અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા કોરોનાની સ્થિતિને ધ્યાને લઈને વાઇબ્રન્ટ સમિટ 2022 સ્થગિત કરી દીધો છે. આ સાથે ગુજરાત સરકાર દ્વારા અમદાવાદમાં દર વર્ષે યોજાતો ફ્લાવર શો પણ રદ કરી દેવામાં આવ્યો છે.





















