ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ, ચેકિંગ શરુ, ગેટ બંધ કરાયો
અમદાવાદ શહેરમાંથી ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે.
અમદાવાદ: અમદાવાદ શહેરમાંથી ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. એક ઇમેઇલ દ્વારા ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે.હાલ તો ગુજરાત હાઈકોર્ટના દરવાજા બંધ કરવામાં આવ્યા છે. પોલીસ, ડૉગ સ્ક્વોડ દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે.
હાઇકોર્ટના રજિસ્ટ્રારના મેઇલ આઇડી પર આ ધમકીનો મેઇલ આવ્યો છે. આજે સવારે ઇમેઇલ આવતા સોલા પોલીસે તપાસ શરુ કરી છે. સોલા પોલીસ હાઇકોર્ટ પહોંચી અને સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે.
રિશેષ બાદ કોર્ટ બંધ રાખવા અંગેની સૂચના
ગુજરાત હાઈકોર્ટના રજિસ્ટ્રારે રિશેષ બાદ કોર્ટ બંધ રાખવા અંગેની સૂચના આપતી નોટિસ જાહેર કરી હતી. જેમાં વકીલોને પણ લંચ બ્રેક બાદ, એટલે કે 1:45 વાગ્યા પછી કોર્ટ પરિસર છોડી દેવા માટે કહેવામાં આવ્યું હતું. ઈમેઈલમાં બોમ્બની ધમકી બાદ સમગ્ર કોર્ટ પરિસરનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
થોડા દિવસો પહેલા એક શાળાને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી
અવારનવાર આ પ્રકારની ધમકી મળતી રહે છે. થોડા સમય પહેલા અમદાવાદમાં આવેલી એક શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. એસપી રિંગ રોડ પર આવેલી જેનેવા લિબરલ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. બાદમાં પોલીસ, ફાયર બ્રિગેડ અને બોમ્બ સ્ક્વોડ દ્વાર તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ પહેલા પણ શહેરમાં ઘણી જગ્યાએ બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળતી રહી છે. દરેક વખતે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવે છે અને પોલીસને કંઇ વાંધાજનક મળી આવતું નથી.





















