ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળની 16 સપ્ટેમ્બરે શપથવિધી, જાણો રૂપાણી સરકારના ક્યા 10 મંત્રીઓનાં પત્તાં કપાવાની શક્યતા ?
16 સપ્ટેમ્બરે ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળની શપથવિધી થશે. નવા મંત્રીમંડળમાં યુવાઓને તક અપાશે અને વિજય 60 ટકા નવા ચહેરા હશે. બે દિવસમાં કેબિનેટ કક્ષાના મંત્રીઓની શપથવિધી માટે મંત્રીઓનાં નામ ફાઈનલ કરાશે.
અમદાવાદઃ ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળી લીધો છે. ભૂપેન્દ્ર પટેલે એકલાએ જ શપથ લીધા હતા તેથી હજુ તેમના મંત્રીમંડળની શપથવિધી બાકી છે. મંત્રીમંડળની રચના અંગે હવે કેન્દ્રીય નીરિક્ષકો અને પ્રદેશના નેતાઓ વચ્ચે બેઠકોનો દોર પણ શરૂ થઇ ચૂક્યો છે અને મંત્રીમંડળમાં કોણ કોણ હશે તેની અચકલો જોરશોરથી ચાલી રહી છે.
દરમિયાનમાં ભાજપનાં સૂત્રોએ સંકેત આપ્યો છે કે, 16 સપ્ટેમ્બરે ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળની શપથવિધી થશે. ભાજપનાં સૂત્રોના મતે, નવા મંત્રીમંડળમાં યુવાઓને તક અપાશે અને વિજય 60 ટકા નવા ચહેરા હશે. બે દિવસમાં કેબિનેટ કક્ષાના મંત્રીઓની શપથવિધી માટે મંત્રીઓનાં નામ ફાઈનલ કરાશે.
ગુજરાતના ટોચના અખબારમાં છપાયેલા અહેવાલ પ્રમાણે વિજય રૂપાણી સરકારમાં નબળી કામગીરી કરનારાં પાંચ- છ સિનિયર મંત્રીઓને પડતા મૂકવામાં આવે તેમ છે. કેટલાંક મંત્રીઓ અમુક વિવાદોમાં સપડાયાં છે અને તેના કારણે પક્ષ-સરકારની પ્રતિષ્ઠા ખરડાઇ છે. આ કારણે તેમનાં પત્તાં કપાઇ શકે છે. સંગઠન સાથે તાલમેલ સાધી અને પ્રજાલક્ષી કામો કરી સારી કાનમગીરી કરનારાં ધારાસભ્યોને કેબિનેટમાં સ્થાન મળી શકે છે.
જે પ્રધાનોનાં પત્તાં કપાઈ શકે તેમ છે તેમાં બચુ ખાબડ, વાસણ આહિર, કિશોર કાનાણી, યોગેશ પટેલ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ઇશ્વર પરમાર, વિભાવરી દવે, પુરૂષોતમ સોલંકી અને કુંવરજી બાવળિયાનો સમાવેશ થાય છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને પણ મંત્રીમંડળમાંથી પડતા મૂકીને વિધાનસભાના સ્પીકર બનાવી દેવાશે એવો સૂત્રોનો દાવો છે.
શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રિસંહ ચુડાસમાને વિધાનસભાના અધ્યક્ષ તરીકે જવાબદારી સોંપવામાં આવશે તેથ સ્પીકરપદ છોડનારા વર્તમાન વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી નવા મંત્રીમંડળમાં સામેલ થાય તેવી પૂરેપુરી શક્યતા જોવાઇ રહી છે.
ભૂપેન્દ્ર પટેલની નવી ટીમમાં 20થી વધુ મંત્રીઓને સામેલ કરી નવુ પ્રધાનમંડળ રચાશે તેવુ જાણવા મળ્યુ છે. આગામી વિધાનસભાની ચૂંટણીને લક્ષમાં રાખીને તમામ જ્ઞાાતિ-સમાજને રાજકીય પ્રતિનિધીત્વ મળે તે આધારે મંત્રીમંડળ રચાશે.