આગામી 3 કલાકમાં કયા કયા જિલ્લામાં પડશે વરસાદ? હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?
વડોદરામાં આજે બપોરે અચાનક વાવાઝોડા સાથે ભારે વરસાદ શરૂ થયો હતો. ભારે વરસાદને પગલે પગલે અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થઇ ગયા છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. વરસાદનું આગમન થતાં લોકોએ રાહત અનુભવી છે.
અમદાવાદઃ આગામી ત્રણ કલાકમાં અમદાવાદ, ભરૂચ, નર્મદા, સાબરકાંઠા અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ભાવનગર અને અમરેલીમાં આગામી ત્રણ કલાકમાં વરસાદની આગાહી છે. 40 થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
વડોદરામાં આજે બપોરે અચાનક વાવાઝોડા સાથે ભારે વરસાદ શરૂ થયો હતો. ભારે વરસાદને પગલે પગલે અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થઇ ગયા છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. વરસાદનું આગમન થતાં લોકોએ રાહત અનુભવી છે.
કડાકા-ભડાકા સાથે ભારે પવન સાથે વરસાદ શરૂ થતાં કેટલાક સ્થળોએ હોર્ડિંગ્સ જમીનદોસ્ત થઇ ગયા હતા. વડોદરાના રાત્રિ બજાર પાસે આવેલુ વિશાળ હોર્ડિંગ્સ તૂટી પડતા ટ્રાફિકજામ થઈ ગયો હતો. ઉપરાંત વડોદરા શહેરના રાવપુરા, માંડવી, ન્યાયમંદિર, કારેલીબાગ, વાઘોડિયા રોડ અને ફતેગંજ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. રસ્તા પર પાણી ભરાતા પગલે વાહન ચાલકો મુશ્કેલીમાં મૂકાયા હતા.
હવામાન વિભાગની આગાહી છે કે, 17 અને 18 જૂન સુધીમાં રાજ્યમાં હળવાથી સામાન્ય વરસાદ વરસવાની સંભાવના છે. 17 જૂનથી 20 જૂન સુધીમાં અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે. અમદાવાદમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. 17 અને 19 જૂને હળવાથી મધ્યમ વરસાદ પડી શકે. હવામાન વિભાગની આગાહી છે કે, 20-21 જૂનથી વરસાદ વધશે.
17 જૂનથી કચ્છ, મહીસાગર, અરવલ્લી, દાહોદ અને સાબરકાંઠામાં, 18મી જૂને અમદાવાદ, આણંદ અને કચ્છમાં, 19મી જૂને અમદાવાદ, ગાંધીનગર, આણંદ અને ખેડામાં જ્યારે 20મી જૂને દાહોદ અને પંચમહાલમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે હળવાથી માધ્યમ વરસાદ પડી શકે છે.
ભારે ઉકળાટની વચ્ચે ગઈકાલથી સમગ્ર રાજ્યમાં મેઘમહેર જોવા મળી છે. સરકારી આંકડા અનુસાર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 93 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં આણંદમાં સૌથી વધારે અઢી ઈંચ તો ખેડાના વસોમાં 2.4 ઇંચ વરસાદ પડ્યો છે.
સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સવારથી વરસાદી માહોલ જામ્યો છે. સુરત ગ્રામ્યના ઓલપાડ, માંગરોળ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સુરત ગ્રામ્યના કીમ, કોસંબા, પાલોદ, કઠોદરા, તરસાડી સહિતના વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ વરસ્યો. તો કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો. હવામાન વિભાગે પણ આગામી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે.
તો આ તરફ નવસારી જિલ્લામાં પણ વરસાદ પડ્યો છે. નવસારીના લુન્સીકુલ, ડેપો, જમાલપોર સહિતના વિસ્તારમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. જો કે ખેડૂતો હજુ પણ વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે.
તાપી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે. તાપી જિલ્લાના વ્યારા, વાલોડ અને ડોલવણ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં ધીમીધારે તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટા વરસ્યા છે. સવારથી વરસાદી માહોલ સર્જાયા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે.