હવામાન વિભાગની માવઠા અને હીટવેવની આગાહી, જાણો ક્યાં પડશે કમોસમી વરસાદ
Gujarat Weather: બે દિવસ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદનું અનુમાન હવામાન વિભાગે લગાવ્યું છે.
Gujarat Weather: રાજ્યમાં અમુક જિલ્લામાં હીટ વેવની (heat wave) આગાહી તો અમુકમાં વરસાદની આગાહી (unseasonal rain) આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, બે દિવસ સુધી ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. બે દિવસ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદનું અનુમાન હવામાન વિભાગે લગાવ્યું છે.
આજે ક્યાં પડશે કમોસમી વરસાદ
આજે ખેડા, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી ,ખેડા, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, આણંદ, વડોદરા, બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદી માહોલ રહેશે. આવતીકાલે અમદાવાદ ખેડા, આણંદમા વરસાદ રહેશે. મધ્યપ્રદેશમાં એક સાઇક્લોનિક સર્ક્યુલેશનની અસરથી આ વરસાદ રહેશે. જ્યારે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો સુરત, વલસાડ, પોરબંદર અને ભાવનગરમાં હીટ વેવની આગાહી આપવામાં આવી છે. આવતીકાલે કચ્છમાં હીટ વેવની આગાહી આપવામાં આવી છે. અમદાવાદનું તાપમાન આજે 39 ડિગ્રી સુધી રહે તેવી શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર કચ્છ જિલ્લામાં 16 મે ના વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પવન સાથે વરસાદ આવે તેવી આગાહી કરવામાં આવી છે પંરતુ આગ લાગે ત્યારે કૂવો ખોદવા જેવો ઘાટ ભુજ નગરપાલીકાનો સર્જાયો છે. ભુજ શહેરના મોટા ભાગના વિસ્તારોમાં જોખમી મોટા મોટા હોર્ડિંગ બોર્ડ લગાવવામાં આવ્યા છે. જો હવામાન વિભાગની આગાહી સાચી પડે અને ભારે પવન ફૂંકાય તો મોટી દુઘર્ટના સર્જી શકે છે.
ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓ માટે ઉષ્ણ લહેર ની ચેતવાણી#weather #WeatherUpdate #gujarat pic.twitter.com/ZOJGXnIdzL
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) May 15, 2024
સમગ્ર ગુજરાતને માવઠાએ ઘમરોળ્યું છે. છેલ્લા 24 કલાકમાં 118 તાલુકામાં 3 ઈંચ સુધી વરસાદ વરસ્યો છે. તો 10 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો. ગુજરાત પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી સર્જાયેલું માવઠાનું સંકટ હજુ ટળ્યું નથી. સૌરાષ્ટ્ર-કચ્છમાં 40થી 50 કિમી પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવવા ઉપરાંત વરસાદની હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે. અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ ત્રણ ઈંચ, ભરૂચના નેત્રંગમાં બે ઈંચ, નર્મદાના ગરુડેશ્વર, તિલકવાડા અને વાલિયામાં દોઢથી પોણા બે ઈંચ, સુરતના ઓલપાડમાં સવા ઈંચ, અમરેલી શહેર, મહેસાણાના બેચરાજી, કચ્છના ગાંધીધામ અને નર્મદાના નાંદોદમાં એક ઈંચ વરસાદ વરસ્યો હતો. ગુજરાતમાં સોમવારના આવેલા આંધી- વરસાદથી ભારે ખાનાખરાબી સર્જાઈ છે. રાજ્યમાં કુલ સાત પૈકી 4 વ્યકિતના મોત તો વીજળી પડવાથી થયા.