Janmashtami: નંદ ઘેર આનંદ ભયોના નાદ સાથે રાજ્યભરમાં જન્માષ્ટમીની ઉજવણી, કૃષ્ણ મંદિરો રોશનીથી ઝળહળી ઉઠ્યા
અમદાવાદ: દેશભરમાં આજે જન્માષ્ટમીના પર્વની ઉત્સાહભેર ઉજવણી જોવા મળી રહી છે. તો બીજી તરફ જન્માષ્ટમીના પર્વે આજે રાત્રે 12 વાગ્યે ગુજરાતના કૃષ્ણ મંદિરોમાં પણ કાન્હાના જન્મના વધામણા કરવામાં આવ્યા હતા.
અમદાવાદ: દેશભરમાં આજે જન્માષ્ટમીના પર્વની ઉત્સાહભેર ઉજવણી જોવા મળી રહી છે. તો બીજી તરફ જન્માષ્ટમીના પર્વે આજે રાત્રે 12 વાગ્યે ગુજરાતના કૃષ્ણ મંદિરોમાં પણ કાન્હાના જન્મના વધામણા કરવામાં આવ્યા હતા. રાજ્યભરમાં કૃષ્ણ મંદિરોને રોશનીથી શણગારવામાં આવ્યા હતા. રાત્રિના બાર વાગતા જ કૃષ્ણ મંદિરો નંદ ઘેર આનંદ ભયોના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા. ડાકોર,દ્વારકા, શામળાજી અને ઇસ્કોન મંદિરમાં ભક્તો ઉમટી પડ્યા હતા.
ઈસ્કોન મંદિરમાં ગોકુલની થીમ આધારે ઉજવણી કરવામાં આવી હતી. કૃષ્ણ જન્મની ઉજવણી કરવા મંદિરોમાં ભક્તોમાં ભારે હર્ષોલ્લાસ જોવા મળ્યો હતો.ઇસ્કોન મંદિરમાં ભગવાનને દિવસભર વૃંદાવનથી ત્રણ મહિના અગાઉ લાવવામાં આવેલા વાઘા પહેરવાયા તો વૈજયંતીમાળાની પાંચ ફૂલોની માળાનો શણગાર કરાયો હતો. ઇસ્કોન મંદિરમાં પ્રથમ વખત ભગવાનને મેક્સિકન,ચાઈનીઝ અને થાઈ ફૂડનો પ્રસાદ ચઢાવવામાં આવ્યો હચો. રાતના 12 વાગે કૃષ્ણજન્મ બાદ રાતના 1 કલાકે મહા આરતીનું આયોજન કરાયું છે.
ડાકોર ખાતે ધામધમપૂર્વક ઉજવણી કરવામાં આવી
આજે જન્માષ્ટમીના મહાપર્વ પર ડાકોર ખાતે ધામધમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. કનેયાના જન્મ દિવસની ઉજવણી કરવા મોટી સંખ્યામાં ભક્તો ડાકોર રાજા રણછોડના દર્શન કરવા પહોંચ્યા હતા. દેશ વિદેશ તેમજ ગુજરાતના ખૂણે ખૂણેથી ભક્તો ડાકોર પહોંચ્યા હતા. જન્માષ્ટમીના પાવન પર્વને લઈ સંધ્યાએ ડાકોર ઝળહળી ઉઠ્યું હતુ. ડાકોર મંદિરમાં રંગબેરંગી રોશની કરવામાં આવી હતી. દીવડાઘરના હજારો દિવડાથી મંદિર ઝળહળી ઉઠ્યું હતું. ડાકોર મંદિરમાં ભક્તિનું ઘોડાપૂર ઉમટ્યું હતું. ડાકોર રણછોડજી મંદિરમાં દીપમાળા પર કરેલા દીવડાનું અનેરૂ મહત્વ છે. મંદિરમાં ઉજવાતા ઉત્સવોના દિવસે આ દીપમાળા પર ઘીના દીવડા કરવામાં આવે છે. ઉત્સવ સિવાયના દિવસોમાં આ દીપમાળા પર દિવેલના દીવડા કરાય છે.
શામળાજી મંદિર ઉજવાયો કૃષ્ણ જન્મોત્સવ
યાત્રાધામ શામળાજી મંદિર ખાતે પણ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં કૃષ્ણ ભક્તો હાજર રહ્યા હતા.શામળાજી મંદિર લાઇટોની રોષનીથી ઝળહળી ઉઠ્યું હતું. જન્માષ્ટમી નિમિત્તે મંદિરને લાઇટોની રોષની કરાઈ હતી. મોટી સંખ્યામાં ભક્તો ભગવાનના દ્વારે પહોંચ્યા હતા.
દ્વારકાનગરીમાં ઉજવાયો કૃષ્ણ જન્મોત્સવ
જન્માષ્ટમીની ધામધૂમ પૂર્વક ઉજવણી દ્વારકા મંદિરે ખાતે કરવામાં આવી હતી. ભગવાન દ્વારકાધિશના જન્મની ઉજવણી કરવા માટે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. દર વર્ષેની આ વર્ષે પણ પરંપરાગત શોભાયાત્રા નીકળી હતી. કાના વિચાર મંચ દ્વારા દરેક સમાજના આગેવાન આ શોભાયાત્રામાં જોડાયા હતા. પહેલી વખત આ શોભાયાત્રાની આગેવાની મહિલાઓએ લીધી હતી. ભગવાન શ્રીકૃષ્ણના રથ ખેંચવાનું સૌભાગ્ય આ મહિલાઓને પ્રાપ્ત થયું હતું.
પાલનપુરમાં જન્માષ્ટમી નિમિત્તે ભગવાન શ્રી કૃષ્ણની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. જેમાં મટકી ફોડ કાર્યક્રમે ભારે આકર્ષણ જમાવ્યું હતું. શહેરભરમાં નીકળેલી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા જોડાઈ હતી. પાલનપુરમાં જન્માસ્ટમી નિમિત્તે બ્રિજેશ્વર કોલોની મંદિરથી વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જય રણછોડ માખણચોર...ના નારા વચ્ચે શોભાયાત્રા જેમ જેમ આગળ વધતી ગઈ તેમ તેમ વિશાળ સઁખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાતા ગયા હતા. શોભાયાત્રાનું પરંપરાગત દિલ્હીગેટ ગુરુ નાનક ચોક ગઠામણ ગેટ હનુમાન ટેકરી સહિતનાં રૂટ ઉપર પરિભ્રમણ કરાવાયું હતું. માર્ગમાં ઠેર ઠેર સ્વાગત કરાયું હતું. જ્યાં રસ્તાઓ ઉપર બાંધેલી મટકીઓ ગોવાળિયાઓ પિરામિડ રચી ફોડતા હતા. ત્યારે આજુબાજુના મકાનોની અગાસી ઉપરથી લોકો પાણી નાંખતા હતા.
સુદામા નગરી પોરબંદરમાં જન્માષ્ટમીના દિવસે એક અનોખી ધાર્મિક પરંપરા જોવા મળી રહી છે કોટ ફરવાની એટલે કે જૂના પોરબંદરની પ્રદક્ષિણા કરવામાં આવે છે અને અસ્માંવતી ઘાટ એ સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધે છે આ ઉપરાંત શ્રદ્ધાળુઓ સુદામાજીના પણ દર્શન કરે છે. પોરબંદરમાં જન્માષ્ટમીના દિવસે કોટ ફરવાની એટલે પ્રદક્ષિણા કરવાની પરંપરા ૨૩8 વર્ષથી ચાલી આવે છે તે પરંપરા મુજબ આજે પોરબંદરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ કોટ ફરવા માટે નીકળ્યા હતા. આ દરમ્યાન રસ્તામાં જે જે સ્થળે મંદિર આવે તેમાં દર્શન કરે છે તેમજ ચાર રસ્તા ઉપર ચોખા અને ઘઉનો સાથીયો કરી ધૂપ દીપ કરે છે ત્યાર બાદ આ પ્રદક્ષિણા અસમાવતી ઘાટ ખાતે પૂર્ણ થાય છે ત્યાં સમુદ્રમાં સ્નાન કર્યા બાદ અહી પણ ધૂપ દીપ કરવામાં આવે છે. આ રીતે શ્રદ્ધાળુઓ જન્માષ્ટમીના પર્વના દિવસે પુણ્યનું ભાથું બંધે છે.