(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Rain Update: રાજ્યના અનેક વિસ્તારોમાં ભર ઉનાળે છવાયો વરસાદી માહોલ, ખેડૂતોની ચિંતા વધી
Gujarat Rain Update: હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં આજે કમોસમી વરસાદ પડ્યો છે. સૌ પ્રથમ વાત કરીએ વડોદરાની તો અહીં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો.
Gujarat Rain Update: હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં આજે કમોસમી વરસાદ પડ્યો છે. સૌ પ્રથમ વાત કરીએ વડોદરાની તો અહીં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. આકાશ કાળા વાદળોથી ઢંકાઈ ગયું હતું અને ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. હરણી, નિઝમપુરા,સમાં, છાણી, કારેલીબાગમાં વરસાદ પડ્યો હતો.
કચ્છમાં કમોસમી વરસાદ યથાવત
તો બીજી તરફ પશ્ચિમ કચ્છના વિસ્તારોમાં પણ ભારે પવન અને કરા સાથે વરસાદ પડ્યો છે. માંડવી, નખત્રાણા બાદ હવે મુંદ્રા સહિત ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે વરસાદ શરૂ થયો છે. પૂર્વ કચ્છના પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. પૂર્વ કચ્છના અંજાર સહિત આસપાસ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
મહીસાગરના વાતાવરણમાં પલટો
મહીસાગર જિલ્લાના કડાણા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. વાદળછાયા વાતાવરણ બાદ કડાણા અને દીવડા પંથકમાં વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તો બીજી તરફ વરસાદના કારણે વાવેતર કરેલ પાકને નુકસાનની ભીતિને લઈ ખેડૂત ચિંતિત થયા છે.
અરવલ્લીમાં વરસાદી માહોલ
અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો છે. મોડાસાના ગ્રામીણ પંથક ઈસરોલ, જીવનપુર, ટીટોઈ સહિતના વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. વરસાદ પડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. વધુ વરસાદ પડશે તો ઘઉં, ચણા સહિતના પાકને નુકશાન થવાની ભિતિ છે.
રાજ્યમાં બે દિવસ કરા સાથે કમોસમી વરસાદની આગાહી
રાજ્યમાં બે દિવસ ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, બરફના કરા સાથે વરસાદની આગાહી છે. અમદાવાદ, ગાંધીનગર સહિત અનેક શહેરોમાં કમોમસી વરસાદની આગાહી છે. બનાસકાંઠા, પાટણ, બોટાદ, અમરેલીમાં વરસાદ પડી શકે છે. અમદાવાદમાં ગાજવીજ સાથે માવઠાની આગાહી કરવામાં આવી છે, આવતીકાલ સાંજથી માવઠાનું જોર ઘટશે. સાયક્લોનિક સર્ક્યુલેશનને લીધે કમોસમી વરસાદ પડશે.
હવામાન વિભાગે આજે પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, સુરેંદ્રનગર, જૂનાગઢ, જામનગર, ભાવનગર, મોરબી, બોટાદ અને કચ્છમાં વરસાદની આગાહી કરી છે. જ્યારે આવતીકાલે સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, સુરેંદ્રનગર, રાજકોટ, ભાવનગર અને બોટાદમાં માવઠાની સંભાવના છે. માવઠાની આગાહીના કારણે ખેડૂતો ચિંતામાં છે.
પૂર્વી ભારત, ઉત્તરપશ્ચિમ ભારત સહિત પશ્ચિમ હિમાલય પ્રદેશમાં વ્યાપક વરસાદી ઝાપટા સહિત હળવાથી મધ્યમ વરસાદ, ગાજવીજ, વાવાઝોડા અને કરા પડવાની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગે ચેતવણી આપી છે કે રાજ્યોમાં આગામી 10 દિવસમાં મધ્ય, ઉત્તર અને પશ્ચિમ વિસ્તારોમાં વધુ વરસાદ અને કરા પડી શકે છે. તેનાથી ઉત્પાદન ઘટી શકે છે અને ફુગાવો વધી શકે છે.