અમદાવાદમાં અહીંથી ઘી ખરીદતા હોય તો ચેતી જજો, અંબાજી પ્રસાદમાં ભેળસેળવાળુ ઘી વેચવાનો છે આરોપ
ભાદરવી મેળા અગાઉ ફૂડ વિભાગે આ તમામ સેમ્પલ લીધા હતા. ખાસ વાત છે કે, ફૂડ વિભાગે ભાદરવી પૂનમના મેળા અગાઉ જ અંબાજીના મોહિની કેટટર્સમાંથી ઘીના સેમ્પલ લીધા હતા
અંબાજીમાં મંદિરમાં પ્રસાદમાં મળતો મોહનથાળ ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. આ વખતે ભાદરવી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં ભક્તોએ માંના દર્શન કરીને મોહનથાળનો પ્રસાદ લીધો હતો, હવે આ મોહનથાળના પ્રસાદ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. ફૂડ વિભાગ દ્વારા અંબાજીમાંથી લેવામાં આવેલા ફૂડ સેમ્પલ ફેઇલ થયા છે. ખાસ વાત છે, જે ઘીના ડબ્બાના સેમ્પલ ફેઇલ થયા છે તેનો સંબંધ અંબાજીના મોહનથાળના પ્રસાદ સાથે છે. અંબાજીમાં માં અંબાના પ્રસાદમાં પણ ગોલમાલ થઇ હોવાની રાડ ઉઠી છે. મોહનથાળ માટે વપરાતા ઘીના સેમ્પલ ફેઇલ થયા છે.
ઘી સપ્લાય કરનાર નીલકંઠ ટ્રેડર્સ સીલ
તો મોહનથાળના નકલી ઘીના ઉપયોગના કેસના ખુલાસામાં અમદાવાદમાં માધપુરા સ્થિત નીલકંઠ ટ્રેડર્સને સીલ કરવામાં આવ્યું છે. મોહિની કેટરસે પ્રસાદની માગને પહોંચી વળવા માધુપુરા સ્થિત નીલકંઠ ટ્રેડર્સમાં ઘીનો ઓર્ડર આપ્યો હતો. જે બાદ મોડી રાત્રે ફૂડ એન્ડ આરોગ્ય વિભાગની ટીમ નીલકંઠ ટ્રેડર્સમાં ત્રાટકી અને સીલ માર્યુ છે.
મળતી માહિતી પ્રમાણે, અંબાજીમાંથી ફૂડ વિભાગે થોડાક દિવસો પહેલા લીધેલા ઘીના સેમ્પલ ફેઇલ થયા છે. ભાદરવી મેળા અગાઉ ફૂડ વિભાગે આ તમામ સેમ્પલ લીધા હતા. ખાસ વાત છે કે, ફૂડ વિભાગે ભાદરવી પૂનમના મેળા અગાઉ જ અંબાજીના મોહિની કેટટર્સમાંથી ઘીના સેમ્પલ લીધા હતા, ફૂડ વિભાગે અહીંથી 180 ઘીના ડબ્બા સીઝ કર્યા હતા, અને સેમ્પલને પરીક્ષણ માટે મોકલાયા હતા, જે સેમ્પલ ફેઇલ થયા છે. મોહિની કેટરર્સ અંબાજી મંદિરના મોહનથાળનો પ્રસાદ બનાવે છે. પ્રસાદ તૈયાર કરનાર મોહિની કેટરર્સ પર ગંભીર આરોપ લાગ્યા છે. મોહનથાળના પ્રસાદમાં વપરાયેલા ઘી પર સવાલો ઉઠ્યા છે. પ્રસાદમાં વપરાયેલ ઘીના સેમ્પલ થયા ફેઈલ થયા છે.
ભાદરવી પૂનમના મેળા પહેલાં ફૂડ વિભાગે અંબાજી મંદિરના ભોજનાલયમાં પ્રસાદના સ્થળેથી ઘીના સેમ્પલ લીધા હતા. જે બાદ રિપોર્ટમાં ખુલાસો થયો કે ઘીમાં ભેળસેળ હતી. અંબાજી મંદિરમાં મોહનથાળના આ પ્રસાદ બનાવવાનો કોન્ટ્રાક્ટ મોહિની કેટરર્સને અપાયો હતો. મોહિની કેટરર્સના સંચાલક પ્રમાણે અમૂલના લોગોવાળું ઘી અમદાવાદથી લાવવામાં આવ્યું હતું. ઘી શંકાસ્પદ લાગતા તેનો ઉપયોગ નહોતો કરાયો અને બાદમાં બનાસ ડેરીમાંથી ઘી લવાયું હતું. સંચાલકે તો દાવો કર્યો હતો કે તેમની સાથે છેતરપિંડી થઈ છે કેમ કે તેમને જ નકલી ઘી પધરાવી દેવામાં આવ્યું હતું. તો આ અંગે ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ વિભાગના કમિશ્નર ડૉ. હેમંત કોશિયાના જણાવ્યા પ્રમાણે મોહિની કેટરર્સે જ સસ્તાની લ્હાયમાં ભેળસેળિયું ઘી લીધું હતું.