નીતિન પટેલે સાંસદ કાછડિયાના આક્ષેપોનો આપ્યો જવાબ, સૌની યોજના વિશે શું કહ્યું?
સૌની યોજનાના આરોપ પર કહ્યું હતું કે, સિંચાઈ વિભાગની જવાબદારી મારી પાસે નહોતી. સૌની યોજનાની જવાબદારી સિંચાઈ વિભાગ હેઠળ આવે છે . નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે સૌની યોજનાની જાહેરાત કરી હતી.
અમદાવાદઃ ભાજપના સાંસદ નારણ કાછડિયાએ લગાવેલા આક્ષેપો મુદ્દે નીતિન પટેલે મૌન તોડ્યું છે. તેમણે નિવેદન આપ્યું હતું કે, 2 દિવસથી સમાચાર માધ્યમોમાં મેં સમાચાર જોયા. નારણ કાછડીયા અમારા સિનિયર સાંસદ છે. પોતાના વિસ્તારના કામ માટે મારે ત્યાં મુલાકાત લેતા હતા. તમામ ધારાસભ્યો, ચૂંટાયેલા નેતાઓ અમારે ત્યાં આવતા હોય છે. નાણામંત્રી, માર્ગ મકાન, આરોગ્ય મંત્રી તરીકે મેં કામ કર્યું છે. હું અને ભુપેન્દ્રસિંહ વરિષ્ઠ મંત્રીઓ હતા. બધાને ખ્યાલ છે કે મારે ત્યાં 500 થી 700 લોકો મુલાકાત લેતા હતા, જેમાં ધારાસભ્યો, સાંસદો, મંત્રીઓ પણ આવતા હતા.
તેમણે કહ્યું હતું કે, મને નથી ખબર કે તેમણે કેમ આમ કહ્યું. કોઈ કારણ નહોતું કે કોઈ ઘટના નહોતી કે તેમણે મીડિયામાં કઈં કહેવું પડે. મહેસાણામાં કિધેલી વાતનો તેમણે કેમ ઉલ્લેખ કર્યો એ મને સમજાતું નથી. સૌની યોજનાના આરોપ પર કહ્યું હતું કે, સિંચાઈ વિભાગની જવાબદારી મારી પાસે નહોતી. સૌની યોજનાની જવાબદારી સિંચાઈ વિભાગ હેઠળ આવે છે . નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે સૌની યોજનાની જાહેરાત કરી હતી. જાહેરાત વખતે હું સિંચાઈ મંત્રી હતો અને ફેઝ 1 નું કામ તે વખતે કરેલું. નરેન્દ્રભાઈએ રાજકોટથી યોજનાની શરૂઆત કરાવી હતી. ત્યાર બાદ બાબુ બોખીરિયા, નાનું વાનાણી સિંચાઈ મંત્રી હતા.
છેલ્લા 5 વર્ષથી મુખ્યમંત્રી વિજય રૂપાણી પાસે સિંચાઈ વિભાગ હતો. સાવરકુંડલા માટે બાયપાસ મેં મંજુર કર્યો હતો. તેનું મોટા ભાગનું કામ થઈ ચૂક્યું છે, પણ રેલવેના કારણે કામ અટકેલું છે. તેના માટે મેં નારણ કાછડીયાને કહ્યું હતું કે કેન્દ્રમાં રજુઆત કરો. મેં પણ પત્ર લખીને રજુઆત કરી હતી, પણ હજુ સુધી ફાટકની મંજૂરી નથી આવી અને આ કામ ઝડપી કરાવવાની જવાબદારી સાંસદ નારણ કાછડીયાની છે. સરકાર અને વહીવટી તંત્ર વચ્ચે સંકલન જરૂરી છે. યોજનાઓના અમલીકરણની જવાબદારી અધિકારીઓની હોય છે. કોરોના મૃતકોના પરિજનોને સહાય મામલે કહ્યું હતું કે, આખી મેટર સુપ્રીમ કોર્ટમાં છે. મને સમાચાર માધ્યમોથી વિગતો મળી છે. કોર્ટ મામલે આ અંગે સુનાવણી કરશે. ચુકાદા બાદ રાજ્ય અને કેન્દ્ર સરકારો તેનો અમલ કરશે.