સ્ટેચ્યૂ ઓફ યુનિટી 28 ઓક્ટોબરથી આ તારીખ સુધી રહેશે બંધ, જાણો મહત્વના સમાચાર
રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે કેવડિયામાં હાજર રહેવાના હોય તેને લઈ પાંચ દિવસ પ્રવાસન સ્થળ બંધ રહેશે. 30 ઓક્ટોબરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેવડિયા પહોંચશે.
કેવડિયા: રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે કેવડિયામાં હાજર રહેવાના હોય તેને લઈ પાંચ દિવસ પ્રવાસન સ્થળ બંધ રહેશે. 30 ઓક્ટોબરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેવડિયા પહોંચશે અને 30 ઓક્ટોબરના સાંજે નર્મદા આરતી કરી ઘાટનું લોકાર્પણ કરશે અને કેવડિયામાં રાત્રી રોકાણ કરશે. 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા પરેડને સલામી અપાશે. દર વર્ષે પીએમ મોદીના કેવડિયામાં આગમન સમયે સ્ટેચ્યૂ ઓફ યુનિટી સહિતના તમામ પ્રવાસન સ્થળો પ્રોટોકોલ પ્રમાણે બંધ કરી દેવામાં આવે છે. વડાપ્રધાન મોદીની આ વખતની મુલાકાત સમયે પણ કેવડિયામાં પ્રવાસન સ્થળ બંધ રહેશે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી તંત્ર દ્વારા 28 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી 5 દિવસ દરમિયાન કેવડિયામાં પ્રવાસન સ્થળ બંધ રાખવાની સ્ટેચ્યૂ ઓફ યુનિટીની વેબસાઇટ પર સત્તાવાર જાહેરાત કરી છે. દર વર્ષની જેમ પ્રોટોકોલ મુજબ ઓનલાઇન ટિકિટ બંધ કરી દેવામાં આવી છે.
સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતી નિમિત્તે 31 ઓક્ટોબરે નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ થીમ પર રાષ્ટ્રીય એકતા દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી થનાર છે. વિશ્વની સૌથી ઊંચી સરદાર સાહેબની પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ કેવડિયા ખાતે થનાર આ ઉજવણી અંતર્ગત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરદાર સાહેબની પ્રતિમાને શ્રદ્ધાંજલિ આપીને રાષ્ટ્રીય એકતા પરેડની સલામી ઝીલશે.
કેવડિયામાં સરદાર સરોવર ડેમ પાસે આવેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ની લોકપ્રિયતા વિશ્વનાં અન્ય પ્રવાસન સ્થળો કરતાં અનેક ગણી વધી રહી છે. અમેરિકાના ન્યૂયોર્ક સ્થિત વિશ્વ પ્રસિદ્ધ ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી’ કરતાં પણ વધારે પ્રવાસીઓ હવે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે આવી રહ્યા છે.
પીએમ મોદીનો ગુજરાતના પ્રવાસના કાર્યક્રમ પર નજર કરીએ તો તેઓ 30 ઓક્ટોબરે કેવડિયા પહોંચશે તે જ દિવસે સાંજે નર્મદા આરતી કરી ઘાટનું લોકાર્પણ કરશે. ત્યારબાદ તેઓ કેવડિયામાં જ રાત્રિ રોકાણ કરેશે અને સવારે રાષ્ટ્રીય એકતા દિનના અવસરે આયોજીત કાર્યક્રમમાં ભાગ લેશે આ સાથે તેઓ આ અવસરે અનેકવિધ પ્રોજેક્ટના ખાતમુહૂર્ત પણ કરાવશે.