Murder in School: અમદાવાદમાં સ્કૂલમાં વિદ્યાર્થીએ વિદ્યાર્થીની કરી હત્યા, આક્રોશિત વાલીઓની સ્કૂલમાં તોડફોડ
Seventh Day School: અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં હચમચાવનારી ઘટના બની છે

Seventh Day School: અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં હચમચાવનારી ઘટના બની છે. મળતી જાણકારી અનુસાર, અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ 10ના વિદ્યાર્થીએ ધોરણ 10ના જ વિદ્યાર્થીની હત્યા કરવાનો આરોપ લાગ્યો હતો. ખોખરા વિસ્તારની સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી બાબતે એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર ચપ્પુથી જીવલેણ હુમલો કર્યો હતો. જ્યાં સારવારમાં વહેલી સવારે વિદ્યાર્થીનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો.
વાલીઓએ સ્કૂલમાં કરી તોડફોડ
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં હત્યા બાદ વાલીઓમાં જબરદસ્ત આક્રોશ જોવા મળી રહ્યો છે. આક્રોશિત વાલીઓએ સ્કૂલમાં તોડફોડ અને મારામારી કરી હતી. સવારથી જ સ્કૂલ બહાર વાલીઓનો આક્રમક વિરોધ ચાલી રહ્યો છે. વાલીઓના હોબાળાના પગલે સંચાલકોએ સ્કૂલમાં રજા જાહેર કરી હતી. શાળા સંચાલકોએ સ્કૂલના દરવાજા બંધ કરતા વાલી આક્રોશિત થયા હતા. આક્રોશિત વાલીઓએ સ્કૂલનો દરવાજો ખોલી નાંખ્યો હતો. છેલ્લા એક સપ્તાહથી બબાલ ચાલી રહ્યાનો પોલીસે દાવો કર્યો હતો. સેવન્થ ડે સ્કૂલને સીલ કરવાની વાલીઓએ માંગ કરી હતી. સેવન્થ ડે સ્કૂલના સંચાલકોના વર્તનથી વાલીઓમાં જબરદસ્ત આક્રોશ જોવા મળી રહ્યો છે. વાલીઓએ સ્કૂલની ઓફિસના કાચ ફોડી રોષ વ્યકત કર્યો હતો. પોલીસ સાથે પણ વાલીઓનું ઘર્ષણ થયું હતું.
ઘોડાસરમાં રહેતો 15 વર્ષીય સગીર ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ 10 ઈંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કરે છે, તેનો પિતરાઈ પણ આ જ સ્કૂલમાં અભ્યાસ કરે છે. એક અઠવાડિયા પહેલાં વિદ્યાર્થી તેના પિતરાઈ સાથે સ્કૂલ છૂટવા સમયે સીડીઓ ઊતરી રહ્યો હતો ત્યારે ધોરણ 8ના એક વિદ્યાર્થી સહિત બે વિદ્યાર્થી સાથે ધક્કામુક્કી થઈ હતી. જેથી બંને ભાઈઓને ધોરણ 8ના વિદ્યાર્થી સાથે બોલાચાલી થઈ હતી. આ ઘટના બાદથી બંને જ્યારે સામસામે મળતા ત્યારે બોલાચાલી થતી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ, ધોરણ 8નો વિદ્યાર્થી એલફેલ બોલતો હતો. જે વિદ્યાર્થીએ છરી મારી તેની સામે અગાઉ સ્કૂલને અનેક ફરિયાદો મળી હતી. તેમાં કાર્યવાહી પણ કરવામાં આવી હતી. છરી મારનારા સગીરને જુવેનાઇલ એક્ટ અંતર્ગત રાઉન્ડ અપ કરાયો છે.
સ્કૂલના સંચાલકે દાવો કર્યો હતો કે 108 સમયસર ન આવતા વિદ્યાર્થીને ખાનગી વાહનમાં હોસ્પિટલ લઈ ગયા હતા. અમે બાળકને રિક્ષામાં લઈ ગયા હતા. કોઈ બાળક તિક્ષ્ણ હથિયાર લઈને આવતો નથી. અમે રોજ ચેકિંગ કરીએ છીએ. અગાઉ હત્યારા બાળકને લઈ નાની-મોટી ફરિયાદો મળ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
વિદ્યાર્થીની હત્યાના પગલે વાલીઓમાં જબરદસ્ત આક્રોશ જોવા મળી રહ્યો છે. આક્રોશિત વાલીઓએ સેવન્થ ડે સ્કૂલને તાળાબંધી કરી હતી. સ્કૂલોમાં બાળકો સુરક્ષિત ન હોવાનો વાલીઓએ આરોપ લગાવ્યો હતો. વાલીઓએ સ્કૂલને જવાબદાર ગણાવી હતી. વાલીઓએ કહ્યું હતું કે સ્કૂલમાં વિદ્યાર્થીઓ નોનવેજ લઈને આવે છે. સ્કૂલ સંચાલકોની બેદરકારીને લઈ વાલીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો. વાલીઓએ સવાલ કર્યો હતો કે સ્કૂલ સંચાલકો વિદ્યાર્થીઓની બેગ કેમ ચેક કરતા નથી. વિદ્યાર્થીઓને સ્કૂલે મોકલતા ડર લાગે છે. અનેક ફરિયાદો કરી પણ સંચાલકો સાંભળતા જ નથી.



















