Ahmedabad Rain: અમદાવાદ શહેરના વાતાવરણમાં અચાનક પલટો, અનેક વિસ્તારોમાં વરસાદ
હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે.

અમદાવાદ: હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. બોપલ, શેલા, સાયન્સ સિટી, એસજી હાઈવે, સાબરમતી વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે આઈપીએલની મુંબઈ અને પંજાબ વચ્ચેની ક્વોલિફાયર-2 મેચ શરુ થવામાં પણ વિલંબ થયો છે.
અમદાવાદની સાથે ગાંધીનગરના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. અહીં કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદી ઝાપટ પડ્યા છે. સાંજના સમયે વરસાદી ઝાપટાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
સાબરકાંઠા જિલ્લામાં વરસાદ
સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પણ અચનાક પલટો આવ્યો છે. વડાલી શહેર અને આસપાસના પંથકમાં પવન સાથે વરસાદ શરુ થયો હતો. વડાલીના વડગામડા,હાથરવા,વડાલી કંપા,મેઘ સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો છે.
અમરેલી, ભાવનગર, બોટાદમાં વરસાદનું અનુમાન
ગુજરાતમાં કમોસમી વરસાદ વરસવાનું યથવત છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદી માહોલ યથાવત છે. રાજ્યમાં હાલ પ્રિમોસૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આજે પણ અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમરેલી, ભાવનગર, બોટાદમાં વરસાદનું અનુમાન છે. સૌરાષ્ટ્રના આ ત્રણ જિલ્લામાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદનું અનુમાન છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
4 જૂને અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
જેમાં છોટાઉદેપુર, દાહોદ અને મહિસાગરમાં વરસાદનું અનુમાન છે ગાંધીનગર, સાબરકાંઠા અને મહેસાણામાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદનું અનુમાન છે. દમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. ચાર જૂને અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
રાજ્યમં ચોમાસાના આગમનને લઇને હજુ રાહ જોવી પડશે. હવામાન વિભાગે આગામી સાત દિવસ છૂટછવાયા વરસાદની આગાહી કરી છે. સાત જૂન સુધી હળવાથી મધ્યમ વરસાદનું હવામાન વિભાગનું અનુમાન છે. ગુજરાતમા 15 જૂન બાદ ચોમાસાની એન્ટ્રી થશે. મુંબઇ સુધી ચોમાસુ પહોંચી ગયું છે. પરંતુ હજુ રાજ્યમાં ચોમાસાની વિધિવત શરૂઆત નથી થઇ. હવામાન વિભાગે પણ રાજયમાં ચોમાસાની એન્ટ્રીની જાહેરાત નથી કરી.
ચોમાસાના વરસાદની ગુજરાતે હજુ રાહ જોવી પડશે
ગુજરાતમાં છેલ્લા સપ્તાહથી થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટીના કારણે ગાજવીજ સાથે કેટલાક છૂટછવાયા વિસ્તારમાં વરસાદ વરસ્યો પરંતુ ચોમાસાના વરસાદની ગુજરાતે હજુ રાહ જોવી પડશે, હવામાન વિભાગના મોડલ મુજબ ગુજરાતમાં પર હાલ એવી કોઇ સિસ્ટમ સક્રિય નથી જેના થકી ગુજરાતમાં ઝડપથી ચોમાસાનું આગમાન થાય.





















